નવજીવન ન્યૂઝ, જામનગર : ગુજરાતમાં યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જામનગર મ્યુનિસિપલ કૉર્પોરેશન ઈલેકશન (Jamnagar Municipal Election) ચર્ચામાં આવ્યું છે. જામનગરના રાજકારણમાં પ્રથમ વખત એવું બની રહ્યું છે કે, ગુજસીટૉક (GUJCTOC) જેવા ગંભીર અપરાધના આરોપીઓએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. 20 વર્ષથી કોર્પોરેટર રહેલાં અસલમ ખીલજીએ આજે પોલીસ જાપ્તાની હાજરીમાં AAP ના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે. જ્યારે જામનગરના પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફી (Altaf Khafi Jamnagar) દ્વારા ઉમેદવારી પત્ર ભરવા ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) માં અરજી દાખલ કરવામાં આવી છે. જે અરજીમાં ઉમેદવારી નોંધાવવા માટે વડી અદાલત સમક્ષ મંજૂરી માગવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. અત્રે નોંધનીય છે કે, જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 16માંથી કોંગ્રેસે પૂર્વ કોર્પોરેટર અતુલ ભંડેરી (Atul Bhanderi GUJCTOC) ને મેદાનમાં ઉતાર્યા છે. જેઓ અગાઉ ગુજસીટોક કેસમાં પકડાયા બાદ હાલ જામીન પર મુક્ત છે.
પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખીલજીને રાજકોટની સ્પેશિયલ કોર્ટે (Special Court Rajkot) પોલીસ જાપ્તા હેઠળ આજે 9 તારીખે ઉમેદવારી પત્ર ભરવાની વિશેષ મંજૂરી આપી હતી. છેલ્લાં 20 વર્ષથી કોર્પોરેટર તરીકે ચૂંટાતા અસલમ ખીલજીએ આમ આદમી પાર્ટીમાં (Aslam Khilji AAP) થી ઉમેદવારી નોંધાવી છે. અસલમ ખીલજી હાલ પોલીસ રિમાન્ડ પર હોવા છતાં પાંચમી વખત ચૂંટણી લડવા મેદાનમાં આવ્યા છે. આ ઉપરાંત, પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફીએ પણ ઉમેદવારી નોંધાવવા માટે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. અલ્તાફ ખફી હાલ મારામારીના કેસમાં જેલવાસ ભોગવી રહ્યાં છે અને નીચલી કોર્ટે જામીન નકારતા તેમણે વડી અદાલત પાસે મંજૂરી માગી છે. અસલમ ખીલજી ઉપરાંત એડવોકેટ જેનબબહેન ખફી અને હાજી રિઝવાને જામનગર શહેરના ટોક ઑફ ધ ટાઉન (Talk of the Town) વોર્ડ નંબર 12માં ઉમેદવારી ફોર્મ ભર્યું છે.








