નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ગુજરાત પોલીસની નોકરી માટે વર્ષોની મહેનત સાથે સાથે બીજું ઘણું દાવ પર લગાવી નોકરી મળતી હોય છે, અને તેમાં પણ IPS બનીને દેશ માટે નોકરી કરવી તેની કિંમત તો આ ખુરશી માટે દોડતા, ભણતા વિદ્યાર્થીઓને જ ખબર છે. પણ જરા વિચાર કરો કે સત્તાની ખુરશી માટે કોઈ આ નોકરીને કેવી રીતે ત્યજી શકે? શું આમાં કોઈ ફાયદો ખરો? જુઓ અહીં એ વાતને એક તરફ મુકીને વિચારવું પડશે કે રાજકારણમાં નેતા સેવા કરવા આવે છે. શક્યતા સેવાની હોવી તે એવું છે કે સળગતા કોલસાનો કોળીયો ગળે ઉતારવો.
વાત આ અહીં એટલે કરી રહ્યા છીએ કે આજે ગુજરાત પોલીસમાં લાંબો સમય સુધી કામગીરી કરનારા IPS અધિકારી મનોજ નિનામાએ સ્વૈચ્છિક નિવૃત્તિ એટલે કે વીઆરએસ લઈને પોતાની સરકારી નોકરીને વય નિવૃત્તિ પહેલા જ ગુડબાય કરી દીધું છે. જોકે વિગતો એવી મળી રહી છે કે તેઓ ભાજપ તરફથી પોતાના વતનમાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેવારી કરવાના છે. જોકે વાતમાં કેટલું સત્ય અને તથ્ય છે તે લાંબો ટાઈમ છૂપુ પણ નહીં રહે. થોડા દિવસોમાં ઉમેદવારોના નામ જાહેર થશે, ચૂંટણી ફોર્મ ભરાશે વગેરે પ્રક્રિયાઓ દરમિયાન આ જાણકારી પણ લોકોની સામે આવી જશે. પરંતુ અહીં આ વાતે પોલીસ બેડાને જ નહીં લોકોને પણ માથું ખંજવાળતા કરી દીધા છે.

લોકો અને પોલીસ બેડો ચર્ચામાં છે કે જિલ્લા પંચાયત લડવા તેમણે નોકરી છોડી દીધી. જોકે લોકોને અહીં સ્પષ્ટ થવાની પણ જરૂર છે કે આ તેમનો અંગત નિર્ણય છે. તેઓએ કોઈક વિચાર તો કર્યો હોઈ શકે છે. ચર્ચા છે કે, જો તેઓ લોકોની સેવા કરવા રાજકારણમાં આવી રહ્યા છે તો લોકોના જીવન સુધરશે કારણ કે એક ભણેલો નેતા મળવો એ પણ લોકો માટે પ્લસ પોઈન્ટ છે પરંતુ લોકોની એ આશા જો નઠારી નીવડી તો ?
અરવલ્લી જિલ્લાના જાબ ચિતરિયા ગામના વતની અને પૂર્વ આઈપીએસ અધિકારી મનોજ નિનામા પોતાના રાજીનામા બાદ પ્રથમવાર મીડિયા સમક્ષ આવ્યા હતા. ગાંધીનગરથી શામળાજી પહોંચેલા નિનામાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે તેમણે ૪૨ વર્ષની લાંબી સરકારી સેવા પૂર્ણ કર્યા બાદ રાજીનામું આપ્યું છે.મનોજ નિનામાએ જણાવ્યું હતું કે સમાજનું તેમના પર ઘણું ઋણ છે અને હવે સમાજ માટે કંઈક કરવાની જવાબદારી સમજીને તેઓ જાહેર જીવનમાં વધુ સક્રિય બનવા માંગે છે. તેમણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે હજુ સુધી કોઈપણ રાજકીય પક્ષ દ્વારા સત્તાવાર સંપર્ક કરવામાં આવ્યો નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અરવલ્લી જિલ્લો નવો જિલ્લો હોવાથી વિકાસ માટે ઘણી તકો છે અને જો તક મળશે તો જિલ્લાના વિકાસ માટે પોતાની જવાબદારી નિભાવશે. તેમના નિવેદનથી તેઓ ભવિષ્યમાં રાજકારણમાં પ્રવેશ કરી શકે તેવા સંકેતો મળ્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ સેન્સ પ્રક્રિયા દરમિયાન મનોજ નિનામા ભાજપ કાર્યાલય ખાતે જોવા મળ્યા હતા. જેના કારણે રાજકીય વર્તુળોમાં વિવિધ અટકળો શરૂ થઈ હતી.
જોકે આ મામલામાં જ્યારે જિલ્લા પંચાયત લડવા નોકરી છોડી હોવાની વાત આવતા તેમની સાથે મીડિયાએ વાતચિત કરી હતી. ત્યારે તેમણે અરવલ્લી જિલ્લાની વાત કરી હતી. પત્રકારોએ તેમને સ્પષ્ટ રીતે સવાલ કર્યો કે ચૂંટણી લડવાના છો? તો તેમણે આ મામલે ઘણો લાંબો જવાબ આપ્યો હતો. પરંતુ તમને ટુંકામાં કહું તો તેમણે કહ્યું છે કે કોઈ સારી ઓફર આપશે તો રાજકારણમાં ઉતરીશ તેવું તેમનું કહેવું હતું. તેમનો વીડિયો પણ અહીં અમે દર્શાવી રહ્યા છીએ. આપ એ પણ જુઓ…
મતદારોએ ખાસ કરીને મતદાન વખતે, ના માત્ર સ્થાનિક સ્વરાજ પરંતુ દરેક પ્રકારના મતદાન વખતે થોડું સ્વાર્થી થઈને મતદાન કરવું રહ્યું, કારણ કે રાજકારણમાં ભાઈ ભાઈનો નથી, કોઈ જ્ઞાતિનો નથી, કોઈ ધર્મનો નથી… રાજકારણમાં તો બધા એક જ હોય છે પોલિટિશિયન.








