નવજીવન ન્યૂઝ, નવી દિલ્હી : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Local Government Elections in Gujarat) ના માહોલ વચ્ચે કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગેએ કેરળમાં ચૂંટણી રેલી દરમિયાન ‘ગુજરાતના લોકોને અશિક્ષિત’ કહેતા મોટો વિવાદ થયો હતો. આ વિવાદાસ્પદ નિવેદનના કારણે ગુજરાતીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને Gujarat BJP એ પણ વિવિધ શહેરોમાં ભારે વિરોધ નોંધાવતા રાજકારણ ગરમાયું છે. ભારે વિરોધ બાદ આ મામલે મલ્લિકાર્જુન ખડગેએ માફી માગી (Kharge Apologizes Gujaratis) છે અને ‘ગુજરાતીઓની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો મારો હેતુ ક્યારેય નહોતો’ હોવાનું જણાવ્યું છે.
કેરળમાં ચૂંટણી રેલીમાં મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) એ ભાષણમાં ગુજરાતના લોકોને અશિક્ષિત ગણાવતા કહ્યું કે, ત્યાંના લોકોને નરેન્દ્ર મોદી (Narendra Modi) સરળતાથી ભ્રમિત કરી શકે છે, પરંતુ કેરળના લોકો વધુ સમજુ અને શિક્ષિત છે એટલે કોઈ તેમને ભ્રમિત કરી શકશે નહીં. ખડગેના આ નિવેદન પછી ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો હતો અને BJP એ આ નિવેદનને ગુજરાતીઓનું અપમાન ગણાવી પ્રતિક્રિયા આપી હતી. આ મામલે ગઈકાલે ગુજરાતના વિવિધ શહેરોમાં ભાજપે મૌન વિરોધ પ્રદર્શન પણ યોજ્યું હતું. જે બાદ ખડગેએ માફી માગી છે.
ગુજરાતીઓને અભણ કહેવા મુદ્દે કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સ્પષ્ટતા કરી છે. તેમણે લખ્યું છે કે, તાજેતરમાં કેરળમાં મારા ચૂંટણી ભાષણ દરમિયાન કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓને જાણી જોઈને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે. આમ છતાં, હું જવાબદારીની ભાવના સાથે મારો અફસોસ વ્યક્ત કરું છું. મેં હંમેશા ગુજરાતના લોકો માટે ખૂબ જ આદર રાખ્યો છે અને હંમેશા રાખીશ. ત્યાંના લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો મારો હેતુ ક્યારેય ન હતો.








