પ્રશાંત દયાળ (શિવા. ભાગ-10): શિવાની હજી આઈ.સી.યુ.માં જ હતી. મારી નજર સામે ભૂતકાળની એક પછી એક ઘટનાઓ પસાર થઈ રહી હતી. હું સવાર–સાંજ હૉસ્પિટલમાં જ રહેતો. મને સતત એવી ચિંતા થતી કે, હું ઘરે જઈશ અને શિવાનીને (Shivani Dayal) આઈ.સી.યુ.માં (ICU) મારી જરૂર પડશે તો! એટલે રાતે પણ હું હૉસ્પિટલના દરવાજા પાસે આવેલાં રિસેપ્શન કાઉન્ટરની સામેના સોફા પર જ આડો પડ્યો રહેતો. હું એકલો છું; તેવું ન લાગે માટે ઘરેથી શિવાનીની એક જૂની સાડી ઓઢવા લઈ આવ્યો હતો. જ્યારે હું તેની સાડી ઓઢીને સૂઈ જાઉં ત્યારે મને તે સાડી થકી શિવાનીની સુવાસ અને સ્પર્શનો અનુભવ થતો. મને એવું જ લાગતું કે શિવાની મારી સાથે છે. ડૉક્ટર અમને સવાર–સાંજ એક–એક વાર શિવાનીને મળતા દેતા. શિવાનીને હૉસ્પિટલાઇઝ કરી છે; તે બહુ ઓછા અને નજીકના મિત્રોને જ ખબર હતી. બીજું કે, શિવાની આઈ.સી.યુ.માં હોવાને કારણે તેને કોઈ ખબર પુછવા આવી શકે તેવી સ્થિતિ જ નહોતી. મારી એક નબળાઈ પણ છે— મારી જિંદગીમાં જ્યારે જ્યારે મને કોઈ મુશ્કેલી આવી, ત્યારે આ મારી મુશ્કેલી મારી જ છે; આ લડાઈ મારે એકલાએ જ લડવાની છે; તેવું માનીને હું મારી તકલીફની ભાગીદારી કોઈની સાથે કરતો નથી.
હું શિવાનીને જ્યારે પણ મળવા ગયો ત્યારે તે એકદમ નાનાં બાળકની જેમ મને વિનંતી કરતી કે, તમે મારી પાસે રહોને! તેને આઈ.સી.યુ.માં ખૂબ જ ડર લાગતો. હું તેને સમજાવતો કે, આઈ.સી.યુ.માં કોઈને સાથે રહેવા દેતા નથી. ત્યારે તે ગુસ્સે થઈ જતી અને કહેતી, તમારી આટલી ઓળખાણ છે; તમને કોણ ના પાડે? હું તેને સમજાવી, પટાવી ત્યાંથી નીકળી જતો. હજી તે બાયપૅપ પર જ હતી. તેનું માસ્ક હટાવે ત્યારે થોડીવાર જ અમને મળવા દેતાં હતાં.
એક વખત હું, આકાશ, ભૂમી અને પ્રાર્થના સાથે મળવાં ગયાં હતાં. શિવાનીને બાયપૅપ નહોતું લગાડવું. તેને કહેવું હતું કે, તેને ગુંગળામણ થાય છે. પણ ડૉક્ટરની સલાહ હતી કે, હજી તેના ફેફસાં જરૂરી ઓક્સિજન લઈ શકતાં નથી એટલે બાયપૅપ અનિવાર્ય છે. અમે ત્યાં હતાં ત્યારે નર્સિંગ સ્ટાફ આવ્યો અને શિવાનીને કહ્યું, “ચાલો, બાયપૅપ લગાવવાનું છે.”
મેં અને પ્રાર્થનાએ તેના ચહેરા પરનો ડર જોયો. તે ના… ના… કરી રહી હતી અને નર્સિંગ સ્ટાફે તેની ના તરફ ધ્યાન આપ્યા વગર જ તેના મોઢાં પર બાયપૅપનું માસ્ક ટાઇટ બાંધી દીધું. તેની આંખમાંથી પાણી વહેવાં લાગ્યું. માસ્કમાંથી તે અમને જોઈ રહી હતી. તે અમારી પાસે મદદ માગી રહી હતી. હું અને પ્રાર્થના લાચારી અનુભવી રહ્યાં હતાં! કારણ કે અમે તેને કોઈ મદદ કરી શકતાં નહોતાં. અમે તેની સ્થિતિ જોઈ શકતાં નહોતાં એટલે તરત આઈ.સી.યુ.માંથી બહાર નીકળી ગયાં.
આઈ.સી.યુ.માં શિવાનીનો ત્રીજો દિવસ હતો. લગભગ રાતના સાડા દસ થયા હશે. હૉસ્પિટલમાં લોકોની ચહલ–પહલ નહીંવત્ હતી. હું ઘરેથી લાવેલી શિવાનીની સાડી ઓઢીને આડો પડ્યો હતો. એ સમયે રિસેસ્પ્શન કાઉન્ટર પર રહેલા ફોનની રિંગ વાગી. કાઉન્ટર પર રહેલા કર્મચારીએ મોટા અવાજે પુછ્યું, “શિવાની દયાળનાં કોઈ સગાં છે?”
હું એકદમ હાંફળો ફાંફળો ઊભો થયો. તેણે મને કહ્યું, “તમને આઈ.સી.યુ.માં બોલાવે છે.”
મને ફાળ પડી, શું થયું હશે! હું દોડતો સીડી ચઢવા લાગ્યો. એક સાથે બે–બે પગથિયાં ચઢી હું છઠ્ઠામાળે પહોંચ્યો. આઈ.સી.યુ.નો કાચનો દરવાજો ઝડપભેર ખોલી અંદર દાખલ થયો. મેં જોયું કે, શિવાની પોતાના બેડમાં પલાંઠીવાળીને બેઠી હતી. મને જોતાં જ તેના ચહેરા પર ખુશીની ચમક દોડી આવી. જેમ નાનું બાળક મા જોઈને ખુશ થાય! મેં તેને મરાઠીમાં પુછ્યું, “શું થયું?”
શિવાની જવાબ આપે તે પહેલાં ત્યાં બેઠેલી નર્સે કહ્યું, “આન્ટીએ રિક્વેસ્ટ કરી કે, મારા પતિને પાંચ મિનિટ મળવા દો; તો જ મને ઊંઘ આવશે. એટલે તમને બોલાવ્યા.”
મેં શિવાનીના બેડ પર બેસી તેનો હાથ પકડ્યો. મને ખૂબ સારું લાગ્યું. કદાચ તેવો જ ભાવ શિવાનીનાં મનમાં પણ હશે. એ દિવસે તે ખૂબ ખુશ હતી. કારણ કે હવે તેને પણ સારું લાગી રહ્યું હતું ઉપરાંત મને મળવાની મંજુરી પણ મળી હતી. તેણે મને પુછ્યું, “મને આઈ.સી.યુ.માંથી ક્યારે બહાર લઈ જશે?”
મેં કહ્યું, “આવતીકાલે સવારે ડૉક્ટર આવે એટલે પુછી લઈશું.”
તેણે મારો હાથ વધારે મજબૂત રીતે પકડતાં કહ્યું, “હવે મને સારું જ છે.”
મેં કહ્યું, “હા… હા… તને સારું જ છે. એક રાતનો જ સવાલ છે.”
અમે વાતો કરી રહ્યાં હતાં ત્યારે નર્સે મને કહ્યું, “ચાલો, હવે એમને આરામ કરવા દો.”
મારો હાથ પકડીને બેઠેલી શિવાનીના હાથમાંથી મારો હાથ પાછો લેતાં મેં કહ્યું, “ચાલ, હવે તું સૂઈ જા. ચિંતા ન કરીશ. હું હૉસ્પિટલમાં જ છું.”
તેના ચહેરા પર એક પ્રકારનો સંતોષ હતો. બીજા દિવસે સવારે ડૉ. હર્ષ જોષીએ એક કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટરને બોલાવ્યા. મને કંઈ જ ખબર ન પડી. કારણ કે શિવાનીની સમસ્યા ફેફસાંની હતી તો હૃદયના ડૉક્ટરને કેમ બોલાવ્યા હશે? કાર્ડિયોલોજિસ્ટ ડૉકટરે શિવાનીને તપાસી; પછી બંને ડૉકટરે મને રૂમમાં બોલાવી કહ્યું, “શિવાનીનાં હૃદયના ધબકારા વધારે છે. સામાન્ય માણસના 75-80 હોય, જ્યારે શિવાનીના ધબકારા 110-120 રહે છે. સંભવ છે કે, હૃદયની આસપાસ પાણી ભરાયું હશે. આ માટે કેટલાક ટેસ્ટ કરવા તેને બહાર, લેબમાં લઈ જવી પડશે.”
મારા ચહેરા પર ચિંતાઓનાં વાદળ આવી ગયાં. હું તેમને ઓ.કે. કહી રૂમમાંથી બહાર નીકળી ગયો. થોડીવારમાં મારા પર ડૉ. હર્ષનો ફોન આવ્યો. તેમણે કહ્યું, “ચિંતા કરતા નહીં. એક ટેસ્ટ કરાવી લઈએ છીએ.”
શિવાનીને આઈ.સી.યુ.માંથી ઓક્સિજન સાથે બહાર લાવવામાં આવી. તેને ઍમ્બ્યૂલન્સમાં બહારની લેબમાં લઈ ગયાં. જ્યાં તેનું સીટીસ્કેન કરવામાં આવ્યું. તેના રિપોર્ટ બાદ નિર્ણય લેવામાં આવ્યો કે, હૃદયની આસપાસ જે પાણી ભરાયું છે; તે દવા આપીને ઓછું કરી શકાય તેમ છે. એટલે તે જ દિવસે શિવાનીને આઈ.સી.યુ.માંથી રૂમમાં શિફ્ટ કરવામાં આવી. ત્રણ દિવસ તે આઈ.સી.યુ.માં રહી હતી. તેનામાં નબળાઈ ખૂબ આવી ગઈ હતી. તે એકલી ઊભી પણ રહી શકે તેમ નહોતી. જોકે રૂમમાં આવ્યા પછી તે શાંત હતી. કારણ કે હવે અમે બધાં તેની પાસે હતાં. રૂમમાં પણ તેને ઓક્સિજન આપવામાં આવતો હતો. મને ખાતરી હતી કે, શિવાની સલામત રીતે ઘરે આવશે જ. કારણ કે હૉસ્પિટલમાં હોવાં છતાં તેનું બધું ધ્યાન ઘરે હતું. કબાટને તાળું માર્યું છે કે નહીં? કામ કરનારા આવે છે કે નહીં? ઘરની આવી નાની નાની વાતોમાં તેનો જીવ હતો.
રૂમમાં ત્રણ દિવસ સુધી ઓબ્ઝર્વેશનમાં રાખ્યા પછી ડૉ. હર્ષ જોષીએ કહ્યું, “તમે હવે શિવાનીને ઘરે લઈ જઈ શકો છો. અમે બધાં જ ખુશ હતાં. તેમાં સૌથી વધારે ખુશ શિવાની હતી. શિવાનીને અમારાં કરતાં વધારે લગાવ તેનાં ઘર સાથે હતો. તે ક્યારેય ‘આપણું ઘર’ ન બોલતી. તે હંમેશાં ‘મારું ઘર’ જ કહેતી. ઘણી વખત પ્રાર્થના તેને કહેતી, મારું ઘર એટલે શું? ત્યારે કહેતી, ખાલી ઘરમાં રહેવાથી કોઈનું ઘર થતું નથી. ઘરને પ્રેમ કરવો પડે! તમે બધાં તો ભાડુઆતની જેમ ઘરમાં રહો છો.
શિવાની ઘરે આવી ત્યારે 27મી સપ્ટેમ્બર હતી. અમે માની રહ્યાં હતાં કે, અમે એક ખરાબ સ્વપ્ન જોયું અને તે પૂરું થયું. પણ અમારી માન્યતા કેટલી આભાસી છે? તેનો મને જરા પણ અહેસાસ નહોતો. હું અને શિવાની ફરી જીવનના એક નવા અધ્યાયનું આયોજન કરી રહ્યાં હતાં. જે અધ્યાયમાં આવનારા તોફાનથી અમે સાવ અજાણ હતાં.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








