કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): જનરલ મનોજ મુકુંદ નરવણે (General Manoj Mukund Naravane) પોતાના સંસ્મરણોને બયાન કરતું ‘ફોર સ્ટાર્સ ઑફ ડેસ્ટિની’ નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તકને લઈને ખાસ્સા વિવાદ બાદ હવે તેના વેચાણ પર પ્રતિબંધ છે. પરંતુ આ લેખ ઑગસ્ટ-2024માં લખાયો હતો, જ્યારે આ પુસ્તકની તે વખતે ચર્ચા થઈ રહી હતી. તે વખતે આ પુસ્તકમાં જે અવલોકનો કર્યા હતા તે અહીં નોંધ્યા છે.
જનરલ મનોજ મુકુંદ નરવણે સૈન્યમાં સર્વોચ્ચ પદ ‘ચીફ ઑફ ધ આર્મી સ્ટાફ’ રહ્યા હતા. પહેલાં પણ તેઓ ‘ચીફ ઑફ આર્મી સ્ટાફ’ અને ‘વાઇસ ચીફ ઑફ આર્મી સ્ટાફ’ રહ્યા. 2017થી તેઓ સૈન્યના વિવિધ પદ પર સૌથી ઊંચા પદે રહ્યા હતા. સૈન્યની અનેક નીતિગત વિષયોમાં તેમની સામેલગીરી રહી; અને આટલાં લાંબા કાર્યકાળ દરમિયાન તેમના અનુભવો તો ખરા જ. એટલે તેમને ઘણું લેખન દ્વારા કહેવાનું હતું અને તેમણે કહ્યું. પરંતુ પુસ્તક પ્રકાશિત થવાના આરે હતું અને તેમાંથી કેટલીક વિગતો બહાર આવી ત્યારે રક્ષા મંત્રાલય તુરંત હરકતમાં આવ્યું. પુસ્તક મોડું મોડું પણ બજારમાં આવ્યું પણ પહેલાં પુસ્તક સુરક્ષાની દૃષ્ટિએ મંજૂરીથી પસાર થયું. સૈન્યમાં આટલાં ઊંચા પદે રહેલા જનરલ મુકુંદ નરવણેના જ અભિવ્યક્તિને સુરક્ષાની તપાસમાંથી પસાર થવાનું થાય, તો અન્ય કોઈ સૈન્ય અધિકારી તો પ્રામાણિક બયાન કેવી રીતે આપી શકે. સુરક્ષાની દૃષ્ટિએ કેટલાંકને આ પૂરી પ્રક્રિયા યોગ્ય લાગી શકે, પરંતુ એ રીતે તો લોકોને જાણવા જેવી વિગતો જ બહાર ન આવે.

જનરલ મનોજ મુકુંદ નરવણે જે કેટલીક વિગતો પુસ્તક પ્રકાશિત થતાં અગાઉ બહાર આવી હતી, તેમાં એક માહિતી પૂર્વ લદાખમાં ‘લાઇન ઑફ એક્ચુઅલ કન્ટ્રોલ’ પર ચીન સામે ઊભી થયેલી સ્થિતિ અંગે હતી. 31 ઑગસ્ટ, 2020ના રોજ રાતરે જ્યારે સ્થિતિ ગંભીર બની ત્યારે રક્ષા મંત્રીએ તત્કાલિન ચીફ ઑફ આર્મી મનોજ મુકુંદ નરવણેને કહ્યું ‘જો ઉચિત સમજો વો કરો’. રક્ષા મંત્રી રાજનાથ સિંઘે આ વિષયમાં અગાઉ વડા પ્રધાન સાથે સંવાદ કર્યો હતો અને તે આધારે તેમણે આર્મી ચીફને સંદેશો પાઠવ્યો. આર્મી ચીફ સંસ્મરણોમાં લખે છે : ‘હું સૈન્યના ગુપ્ત સ્થાને હતો. મારી સામે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો નકશો હતો. આ નકશાઓ પર કોઈ નિશાન કર્યા નહોતા. પરંતુ હું મારી કલ્પનાથી તે સ્થળ અને દરેક યુનિટને જોઈ શકતો હતો. અમારે બધા મોરચે તૈયાર રહેવાનું હતું. પરંતુ શું ખરેખર હું એક યુદ્ધ આરંભ કરવા જઈ રહ્યો હતો. જે સ્થિતિથી સૌ ભાગી છૂટે હવે તેમાં મારે નિર્ણય લેવાનો હતો. નિર્ણય લેવાની મારી સ્વતંત્રતા હતી. મેં ઊંડો શ્વાસ લીધો અને થોડી ક્ષણો હું શાંતિથી બેઠો.’

આ સ્થિતિમાં પોતાની મુનસફી પ્રમાણે કોઈ અધિકારી ન વર્તે. નરવણે સ્વાભાવિક છે કે યુદ્ધના પરિણામ જાણતા જ હોય. તેમણે દેશની તત્કાલિન પરિસ્થિતિ વિશે વિચાર કર્યો. તે વખતે કોરોના કાળ ચાલી રહ્યો હતો. આર્થિક સ્થિતિ સારી નહોતી, વિશ્વભરમાંથી આવતો પુરવઠાને અસર પહોંચી હતી. જો લાંબા કાળ સુધી આ સંઘર્ષ ખેંચાય તો તે સ્થિતિમાં સાતત્યભર્યો પુરવઠો મળે કે નહીં તેનો વિચાર નરવણેએ કર્યો. તેમણે વૈશ્વિક સ્તરે ભારતનું સમર્થન કોણ કરશે તે પણ વિચાર્યું. આવા હજારો વિચારોમાંથી નરવણે પસાર થયા. તેમને ખ્યાલ હતો કે સૈન્ય યુદ્ધ કોલેજોમાં સામાન્ય રીતે રેતીના મોડલ પર યુદ્ધની રમત રમાય છે તે આ સ્થિતિ નહોતી. બલકે આ જીવન મરણનો પ્રશ્ન હતો. તેમણે થોડી વાર પછી ઉત્તરના સૈન્ય કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ વાય. કે. જોષીને પોતાના કાર્યાલયમાં બોલાવ્યા. તેમણે જોષીને કહ્યું કે, આપણા તરફથી પહેલાં ફાયર ન થવું જોઈએ.
નરવણે તે ઉપરાંત 16 જૂન, 2020ના રોજ ગલવાન ઘાટીમાં 20 ભારતીય સૈનિકો સંઘર્ષમાં શહીદ થયા તે વિશે પણ લખે છે. તે દિવસ તેમના સૈન્ય કારકિર્દીનો સૌથી પીડાદાયક દિવસ હતો. તેઓ લખે છે : આ દિવસ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ક્યારેય ભૂલશે નહીં. 16 જૂનના દિવસે તેમનો જન્મદિવસ હતો. અને છેલ્લા બે દાયકામાં એવું પ્રથમ વાર થયું જ્યારે ચીન સૈન્યને નુકસાન ભોગવવું પડ્યું. પહેલાં તો તેમણે આ પૂરી ઘટનામાં તેમના સૈનિકો માર્યા ગયા નથી, તેમ ચલાવ્યું. પણ થોડા મહિના પછી તેમણે સ્વીકાર્યું કે તેમના પાંચ સૈનિકો માર્યા ગયા છે, તેમાં એક કમાન્ડિંગ ઓફિસર પણ હતા. જોકે નરવણેના પુસ્તકોના અંશ જે બહાર આવ્યા હતા તેમાં ક્યાંય ભારતના ચાર સૈન્ય ઓફિસર સહિત દસ સૈનિકોનો ઉલ્લેખ નહોતો, જેમને ત્રણ દિવસ સુધી ચીનના સૈન્યને ગોંધી રાખ્યા હતા. પછી તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. આ ઘટના બની તે વખતના કેટલાંક ન્યૂઝ હેવાલોમાં આ વિગતો પ્રકાશિત થઈ હતી.
એ રીતે જ્યારે અગ્નિપથ યોજના અંગે પણ તેમણે લખ્યું છે. તેઓ લખે છે કે અગ્નિપથ યોજના અંગે જાણીને મને આશ્ચર્ય થયું હતું, વિશેષ કરીને જ્યારે તેમાં નૌકા અને હવાઈ દળનો સમાવેશ કરવામાં આવ્યો. નરવણે, નૌકા અને હવાઇદળના ચીફને કહ્યું હતું કે પહેલાં આ યોજના માત્ર ને માત્ર સૈન્ય માટે હતી. તેમાં સેનામાં ભરતી થયેલા 75 ટકા સૈનિકોને કાયમી ભરતી કરવાના અને 25 ટકાને ચાર વર્ષની સેવા પછી મુક્ત કરવાની વાત હતી. પરંતુ જ્યારે 14 જૂન 2022ના રોજ કેન્દ્ર સરકારે અગ્નિપથ યોજનાની જાહેરાત કરી ત્યારે તેમાં કુલ ભરતી થયેલા ઉમેદવારોમાંથી 25 ટકાને જ સૈન્યની પૂર્ણ સેવા માટે રાખવાની વાત આવી. એટલે કે 75 ટકાને મુક્ત કરવાની જોગવાઈ હતી. સૈન્યમાં પહેલાંથી ‘શોર્ટ સર્વિસ કમિશન’ હતું, જે અંતર્ગત કેટલાંક અધિકારીઓને લેવામાં આવતા હતા. એ રીતે સૈનિકોની ભરતી પણ ટૂંકા ગાળા માટે થાય તેવું ચલણ સૈન્યમાં જ છે. પણ કોરોના કારણે અગ્નિપથ યોજનાનો પહેલાં તો અમલ ન થઈ શક્યો. પરંતુ પછી લીલીઝંડી મળ્યા બાદ તેનો અમલ થવાનો હતો. આ અંગે જનરલ નરવણે એવી દલીલ કરે છે કે, સરકારનો પ્રસ્તાવ હતો કે પ્રથમ વર્ષે અગ્નિવીર તરીકે જોડાનારા સૈનિકને 20,000 મળશે. પરંતુ આ કોઈ રીતે સ્વીકાર્યું નહોતું. આપણે તેમની પાસેથી દેશ માટે જાન ન્યોછાવર કરવાની અપેક્ષા રાખીએ અને તેને વળતર પેટે આટલું જ આપીએ. સૈનિકને એક રોજબરોજ કામ કરીને કમાનાર સાથે સરખાવી ન શકીએ. તેમણે આ પછી મજબૂત રીતે દલીલો કરી અને અગ્નિવીરને 30,000 આપવાનું ઠરાવ્યું.
જનરલ નરવણેએ આવી અનેક વર્તમાન બાબતો પર પોતાનો વિચારો જણાવ્યા છે અને તે વિચારને અનુલક્ષીને તેમણે ઘટનાઓ ટાંકી છે. જ્યારે તેમને ચીફ ઑફ ડિફેન્સ તરીકે બઢતી ન મળી ત્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે કેમ તમે કોઈ પ્રશ્ન ન ઊઠાવ્યો. ત્યારે તેમણે કહ્યું હતું કે સરકારના શાણપણ અંગે મેં ક્યારેય શંકા કરી નથી. સરકારે જ મને સૈન્ય ચીફ બનાવ્યો છે. ખરેખર તો દિવસના અંતે અગત્યનો એ નથી કે તમારો કયા રેન્ક પર રહીને નિવૃત્ત થાવ છો. પરંતુ તમારી ઓળખ તમારી પ્રતિષ્ઠા છે.
નરવણે કેટલીક સૈન્યની ઇનસાઇડ બાબતો જાહેરમાં પોતાના સંસ્મરણો દ્વારા મૂકી આપી. આ અંગે સરકાર ખાસ્સી સાવધાનીથી વર્તી છે તેનું એક કારણ લેફ્ટનન્ટ જનરલ બી.એમ. કોલનો અનુભવ છે. 1962ના ચીન-ભારત યુદ્ધ વખતના અનુભવના આધારે બી.એમ. કોલે ‘ધ અનટોલ્ડ સ્ટોરી’ નામે પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકમાં તેમણે દેશની યુદ્ધમાં થયેલી નામોશીજનક હારની ચર્ચા કરી હતી. ચીનના યુદ્ધ પછી જે સ્થિતિ નિર્માણ પામી હતી તેમાં બી.એમ. કોલે રાજીનામું પણ આપ્યું હતું. તે પછી જ્યારે તેમનું પુસ્તક પ્રકાશિત થયું ત્યારે સંસદમાં હોબાળો મચ્યો અને કેટલાંક સાંસદોએ એવો સવાલ પણ કર્યો કે બી.એમ. કોલે આ વિગતો પ્રકાશિત કરતા પહેલા સરકારની મંજૂરી લીધી છે કે નહીં. તત્કાલિન રક્ષા મંત્રી સ્વરણ સિંઘે તે પ્રશ્નો જવાબ આપવા પડ્યા હતા. કેટલાંક સાંસદોએ કોલની ધરપકડની પણ માંગ કરી હતી. જોકે તત્કાલિન સ્વરણ સિંઘે પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે, જ્યારે કોઈ પણ વ્યક્તિ સર્વિસમાં હોય ત્યારે તેમણે રક્ષા મંત્રાલય કે સેનાની મંજૂરી લેવાની રહી છે, પછી તેઓ પોતાની અભિવ્યક્તિ માટે સ્વતંત્ર છે. પરંતુ ઓફિસિયલ સિક્રેટ એક્ટ અંતર્ગત કેટલીક બાબતો જાહેર ન થવી જોઈએ. જો આવું થાય તો તે વ્યક્તિની ધરપકડ પણ થઈ શકે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








