ટ્રેડિંગ વોલ્યુમ ૨૦૨૩ના ડિસેમ્બર પછીથી સૌથી ઓછું
ભારતમાં લાંબા સમયથી તેજીવાળાના લેણ ફૂંકાવા જરૂરી થઈ પડ્યા હોઇ ભાવ ઘટાડો આવશ્યક હતો
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): અમેરિકન કૃષિ મંત્રાલયે સરેરાશ કરતાં ઓછા નિકાસ સોદાના આંકડા જાહેર કર્યા બાદ આઈસીઇ રૂ વાયદો સ્થિર થવાના પ્રયાસો પછી ગબડી પડ્યો હતો. ડોલર ઇંડેક્સ મજબૂત થતાં વિદેશી ગ્રાહકો માટે રૂ વધુ મોંઘું થયું, અને બજારનો આંતર પ્રવાહ વધુ નબળો પડી ગયો. આધુરામાં પૂરું બ્રેન્ટ ક્રૂડ ઓઇલ બેરલ દીઠ ૨.૫૩ ડોલર ઘટી ૮૨.૫૩ ડોલર થતાં, સિન્થેટિક ફાયબર માર્કેટ પણ દબાણમાં આવી ગઈ હતી. દક્ષિણ અમેરિકાના રૂ (Cotton) વાવેતર વિસ્તારમાં આગામી સપ્તાહે વરસાદની આગાહીએ (સપ્તાહાન્તે રૂ બજારમાં નવું દબાણ સર્જ્યુ અને રૂ વાયદામાં ગાબડાં પડ્યા. અમેરિકન કૃષિ મંત્રાલયના દુષ્કાળ અહેવાલ મુજબ ટેક્સાસ વિસ્તારમાં હવામાન સુધારી આવ્યું હતું.
ડિસેમ્બર વાયદાને ૭૦ સેંટ પ્રતિ ઔંસ (૪૫૪ ગ્રામ)ના સ્તરે જાળવી રાખવાના પ્રયાસોમાં નબળી અમેરિકન નિકાસે ફાચર મારી હતી. અલબત્ત, ટૂંકાગાળામાં ભાવ ૬૦ સેંટ આસપાસ ટકી રહેવાની શક્યતા જણાવાય છે. આખા વિશ્વના રૂ પાકની સ્થિતિ જોતાં વાયદો પાંચ સેંટ ઉપર અથવા નીચે, ૭૦ અને ૭૩ સેંટ રહે તેવી સ્થિતિ અત્યારે જણાય છે. પણ હાલમાં બજારની પકડ મંદિવાળાઓના હાથમાં છે.
શુક્રવારે આઇસીઇ ડિસેમ્બર રૂ વાયદો ૧.૬૧ ટકા ઘટીને ૭૦.૭૭ સેંટ બંધ થયો હતો. હાજર રૂના ભાવ ૦.૭૫ સેંટ વધીને ૬૬.૩૭ સેંટ મુકાયા હતા. રૂ બજારમાં દિશાદોરના સંકેતોને અભાવે, શુક્રવારે ટ્રેડિંગ વોલ્યુમ માત્ર ૧૪,૨૫૩ કોન્ટ્રેક્ટનું હતું. ૨૦૨૩ના ડિસેમ્બર પછીથી આ સૌથી ઓછું ટ્રેડ વોલ્યુમ હતું. ઊભા ઓળીયા સતત ૧૧માં ટ્રેડિંગસત્રમાં વધ્યા હતા. ૧૭ જુલાઈએ આઇસીઇ એક્સચેન્જ પર પ્રમાણિત રૂ સ્ટોક ૪૧,૧૨૨ ગાંસડી (પ્રત્યેક ૨૧૮ કિલો) હતો.
૧૯ જુલાઈએ કોટલૂક એ ઇંડેક્સ પણ ઘટીને ૮૨.૨૦ સેંટ પ્રતિ પાઉન્ડ રહ્યો હતો. અમેરિકન રૂ નિકાસના નિર્ધારિત વેચાણ સોદા હવે યુએસડીએની આગાહી સામે ૧૧૯ ટકા અને પાંચ વર્ષની સરેરાશ કરતાં ૩ ટકા વધુ ૧૩૦.૧૯ લાખ ગાંસડી (પ્રત્યેક ૨૧૮ કિલો) રહ્યા હતા. વર્તમાન રૂ વર્ષ, જે પૂરું થવામાં છે, તેની વાસ્તવિક નિકાસ યુએસડીએની ધારણા સામે ૯૨ ટકા એટલે કે ૧૦૦.૭ લાખ ગાંસડી થશે, બજારની ધારણા ૯૪ ટકા સુધી પહોંચવાની હતી.
ગત સપ્તાહમાં ભાવની જે વધઘટ જોવા મળી તે યુએસડીએના પાછલા સપ્તાહના માંગ પુરવઠા અહેવાલ પછી થઈ હતી. એક દિવસ ભાવ ૧ સેંટ વધે તો બીજા દિવસે એટલાંજ ઘટી જાય. જાગતિક ધોરણે જોઈએ તો ૨૦૨૪-૨૫નું વર્ષ વધુ પુરાંત સ્ટોક, ઊંચું ઉત્પાદન અને વધુ વપરાશ દાખવશે. સાથેજ વૈશ્વિક વપરાશ ગતવર્ષ જેટલોજ રહેશે, પરિણામે વર્ષાન્ત સ્ટોક ૪.૮ લાખ ગાંસડી વધીને ૮૩૫ લાખ ગાંસડી (પ્રત્યેક ૨૧૮ કિલો) રહેશે.
તાજેતરમાં ભારતમાં ભાવ સુધારા પછી, તેજીવાળાનું નફા બુકિંગ આવતા ખાંડી (૩૫૬ કિલો) દીઠ ભાવ ૧.૪૭ ટકા ઘટીને રૂ. ૫૬,૭૯૦ બોલાયા હતા. રૂમાં આરંભિક ભાવ વધારો જોવાયો હતો તે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં વાવેતર ઘટયાના અહેવાલ પર હતો. આ રાજ્યોમાં વાવેતર ગતવર્ષ કરતાં ૧૬ લાખ હેકટર ઓછું ૧૦.૨૩ લાખ હેકટરમાં થયાના અહેવાલ આવ્યા હતા. ભારતમાં આમ પણ લાંબા સમયથી તેજીવાળાના લેણ ફૂંકાવા જરૂરી થઈ પડ્યા હોઇ ભાવ ઘટાડો આવશ્યક હતો.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ, માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








