નવજીવન.ગોધરા: પંચમહાલ જિલ્લાના ગોધરા સહિત તાલુકાઓ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ઉત્તરાયણ પર્વની રંગેચંગે ધામધુમથી ઉજવણી કરવામા આવી હતી. સવારથી પતંગરસિયાઓ પોતાના મકાનની છત, અગાશી ઉપર ચઢીને પતંગ ચગાવતા જોવા મળતા હતા. આ વખતે કોરાનાની ગાઈડલાઈનનું પાલન કરતા પતંગરસિયાઓ જોવા મળ્યા હતા.ગોધરા નગરમાં આવેલી વિવિધ સોસાયટીની અગાશી પર ઉત્તરાયણ પર્વની મોજ માણતા પતંગ રસિયાઓ જોવા મળ્યા હતા. પતંગરસિયાઓ માટે રંગબેરંગી ટોપી,પીપુડા વગાડીને ઉત્તરાયણ પર્વનો આનંદ માણ્યો હતો.આકાશમાં રંગબેરંગી પતંગો છવાઈ ગઈ હતી.એ કાપે લપેટની બૂમોથી આકાશ ગુંજી ઉઠ્યું હતું.ગ્રામીણ વિસ્તારમાં પણ પતંગરસિકોએ ઉત્તરાયણ પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. ઉત્તરાયણ પર્વમાં ગરમાગરમ ઉંધીયુ ખાવાનો રિવાજ પાછલા ઘણા વર્ષોથી ચાલી આવે છે.
અગાશી ઉપર તલ ચીકી, જામફળ સહીતની જયાફત ઉડાવી હતી. ઉત્તરાયણ પર્વમાં દાન પુણ્યનો વિશેષ મહિમા છે. મહિલાઓએ ગાયને ઘાસ તેમજ ઘઉંની ઘૂઘરી ખવડાવીને તેમજ ગરીબને દાન કરીને પુણ્ય મેળવ્યું હતું,કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ દ્વારા વિવિધ પોઇન્ટ પર જવાનો ખડેપગે ફરજ બજાવી હતી.નગરમાં શાંતિપૂર્ણ માહોલમાં હર્ષોલ્લાસભેર ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જોકે બીજી તરફ કોરોનાને કારણે પણ આ વખતે ઉત્તરાયણને લઈ સરકારે જાહેર કરેલી ગાઈડલાઈન્સના પાલનની પણ લોકોની જવાબદારી હતી. મોટેભાગે લોકોએ ઉજવણી દરમિયાન તેનું પાલન કર્યું હતું પરંતુ ખરીદી વખતે લોકો ભાન ભુલ્યા હતા અને કોરોનાને આમંત્રણ આપતા હોય તે રીતે ભીડ ભેગી થઈ છે. બીજી તરફ ચાઈનીઝ દોરી પર આ વખતે તંત્ર અંકુશ લાદી શકયું નથી, રાજ્યના ઘણા વિસ્તારોમાં ચાઈનિઝ દોરીના ધૂમ વેચાણ અને વપરાશ જોવા મળ્યા હતા.
પંચમહાલ જિલ્લામાં મકરસંક્રાંતિ પર્વની પતંગરસિયાઓએ ધામધૂમથી ઉજવણી કરી
- Advertisement -
- Advertisment -








