નવજીવન ન્યૂઝ. રાંચી: Jharkhand News : છેલ્લા ઘણા સમયથી નેતાઓ EDના દરોડાનો (ED Raid) સામનો કરી રહ્યા છે. વિપક્ષના નેતાઓના કોઈને કોઈ કૌભાંડને લઈ ED સક્રિય થયું છે. ત્યારે ઝારખંડ મુક્તિ મોરચાના પ્રમુખ અને મુંખ્યમંત્રી હેમંત સોરેન (Hemant Soren) સામે પણ મની લોન્ડરીંગની ફરિયાદ દાખલ થઈ હતી તેમજ ED દ્વારા મોટાપાયે દરોડા પણ પાડવામાં આવ્યા હતા. હેમંત સોરેન પર થયેલી ફરિયાદને પગલે ગઈકાલે ED દ્વારા હેમંત સોરેનની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે હેમંત સોરેન જામીન માટે સીધા જ સુપ્રીમ કોર્ટ (Supreme Court) પહોંચ્યા હતા. જ્યાં સુપ્રિમ કોર્ટે જામીન અરજી પર સુનાવણી કરવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સતત જમીન કૌભાંડો તેમજ તેવા જ બીજા પ્રકારના કૌભાંડો ખુલ્લા પાડવા માટે કાર્યરત છે. અત્યાર સુધી અનેક નેતાઓ કોઈને કોઈ કૌભાંડોને લઈ જેલહવાલે થયા છે. દિલ્હીમાં પણ AAPના નેતાઓ સામે EDની કાર્યવાહી થઈ રહી છે. ત્યારે ઝારખંડના મુંખ્યમંત્રી અને JMMના પ્રમુખ હેમંત સોરેન સામે પણ મની લોન્ડરીંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. EDએ હેમંત સોરેનના ઘરે તેમજ સબંધિત ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. હેમંત સોરેને કરોડો રૂપિયાનું જમીન કૌભાંડ કર્યું હોવાની ફરિયાદ પર 31 જાન્યુયારીના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી. જો કે હેમંત સોરેનની ધરપકડ બાદ તેઓ જામીન માટે સુપ્રિમ કોર્ટ પહોંચ્યા હતા. ગઈકાલની રાત હેમંત સોરેનને જેલમાં વિતાવવી પડી હતી. હેમંત સોરેનાની જામીન અરજી પર સુનાવણી કરતાં જસ્ટીસ સંજીવ ખન્ના, જસ્ટીસ બેલા ત્રિવેદીએ તથા જસ્ટીસ સૂદ્રેશે હેમંત સોરેન વતી દલીલ કરી રહેલા વકીલને કહ્યું કે, તમે જામીન માટે સીધા જ સુપ્રિમ કોર્ટ કેવી રીતે આવી શકો? તમારે પહેલા હાઈકોર્ટ જવું જોઈએ.
વધુમાં જસ્ટીસ ખન્નાએ કહ્યું કે, કોર્ટ દરેક માટે ખુલ્લી છે પણ જો એક વ્યક્તિને આ પ્રકારે છૂટ આપવામાં આવે તો પછી દરેક વ્યક્તિને પણ આ પ્રકારની સુનાવણી માટે છૂટ આપવી પડે. જસ્ટીસ ખન્નાએ એમ પણ કહ્યું કે, જ્યારે તમારી અરજી હાઈકોર્ટમાં પડતર છે, ત્યારે સીધા જ સુપ્રિમ કોર્ટ સુધી આવી ન શકાય.
હેમંત સોરેન પર કરોડો રૂપિયાના જમીન કૌભાંડનો આરોપ છે. હેમંત સોરેન દ્વારા મુંખ્યમંત્રી પદેથી રાજીનામું પણ આપવામાં આવ્યું છે. ઝારખંડના નવા મુંખ્યમંત્રી તરીકે ચંપાઈ સોરેનનું નામ ચર્ચામાં છે. જો કે આજે હેમંત સોરેનને સબંધિત કોર્ટમાં રજૂ કરી ED રીમાન્ડની માગ કરશે. જોવાનું રહેશે કે કોર્ટ હેમંત સોરેનને કેટલા દિવસના જામીન મંજૂર કરે છે.








