Saturday, July 25, 2026
HomeGujaratAhmedabad‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’ વિ. ‘ઓપન AI’ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપનીઓની ઉઠાંતરીનો કેસ…

‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’ વિ. ‘ઓપન AI’ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપનીઓની ઉઠાંતરીનો કેસ…

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ[AI] આવશે તો શું થશે તેને લઈને દુનિયાભરમાં અસમંજસ છે. પરંતુ ગત વર્ષના અંતે આવેલાં એક ન્યૂઝમાં ‘AI’ પર જ પ્રશ્ન ઊઠ્યો છે. મૂળે ‘AI’નું કાર્ય માનવીની બૌદ્ધિક ક્ષમતાને વધુ સસ્તા દરે ઓટોમેડ રીતે શ્રેષ્ઠ રીતે પીરસવાનું છે. આ કાર્ય વ્યાપક પ્રમાણમાં વિકસાવવાનું હાલમાં અમેરિકાની ‘ઓપન AI’ કરી રહી છે. અને આ કંપની હેઠળ શરૂ થયેલું ‘Chat GPT’ અત્યારે શંકાના ઘેરામાં આવ્યું છે. ‘ઓપન AI’ દ્વારા શરૂ કરાયેલું ‘Chat GPT’ લખાણના કોઈ પણ સ્વરૂપને ઓટોમેડ રીતે તૈયાર કરે છે. ગમે તે વિષયને પોતાના જંગી ડેટામાંથી લઈને તે કોઈ પણ સ્વરૂપનું લખાણ યુઝર્સને પીરસે છે. આવું કરવા માટે ‘Chat GPT’ પાસે ડેટા જોઈએ. ‘Chat GPT’ પ્રક્રિયા કરીને કશુંય લખાણ આપે; તે પહેલાં તેમાં ડેટા અને માહિતી મૂકવી પડે. જેથી યુઝર્સ જ્યારે કોઈ પણ લખાણ ડિમાન્ડ કરે ત્યારે તેમાંથી તે શબ્દો અને માહિતી લઈ શકે. આ માટે ‘Chat GPT’ને લોંચ કરનારી કંપની ‘ઓપન AI’એ પોતાનો ડેટા તૈયાર કરવા માટે મંજૂરી વિના ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’ના લખાણો લીધા છે. ન્યૂયોર્ક ટાઇમ્સે ‘ઓપન AI’ની આ પ્રવૃત્તિ પર ધ્યાન રાખ્યું, પહેલાં ચેતવણી આપી અને તે પછી હવે તેના પર કેસ કર્યો છે. ‘ઓપન AI’ સાથે ન્યૂયોર્ક ટાઇમ્સે ‘માઇક્રોસોફ્ટ’ કંપની પર પણ કેસ કર્યો છે, કારણ કે માઇક્રોસોફ્ટનું ‘ઓપન AI’માં રોકાણ છે. જોકે ‘માઇક્રોસોફ્ટ’ દ્વારા અનેક વાર એવું નિવેદન આવ્યું છે કે ‘ઓપન AI’માં તેમનું કોઈ રોકાણ નથી.

the newyork times
the newyork times

‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’ અમેરિકાનું મોટું મીડિયા ગ્રૂપ છે અને અત્યારે આ ગ્રૂપે એ દાવા સાથે ‘ઓપન AI’ પર કેસ માંડ્યો છે કે, તેમના પ્રકાશિત લેખોને ‘ઓપન AI’એ કોઈ પણ જાણ વિના લીધા છે અને એ રીતે કોપીરાઈટ કાયદાનો કંપનીએ ભંગ કર્યો છે. ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’ દ્વારા મંજૂરી વિના લીધેલા લેખો માટે કોઈ નાણાંકીય માગણી કરી નથી. પરંતુ તેમણે એવો દાવો જરૂર કર્યો છે કે, આ રીતે લેખો લેવાથી તેમને નાણાંકીય નુકસાન થયું છે. એવું નથી કે આ કેસ કરતાં પહેલાં ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’ દ્વારા કોઈ ચેતવણી આપવામાં આવી નહોતી. આ વર્ષના એપ્રિલ મહિનામાં જ ‘ઓપન AI’ અને ‘માઇક્રોસોફ્ટ’ને કોઈ સમાધાન પર આવવાનું કહ્યું હતું. પરંતુ આવાં પ્રસ્તાવોને ગણકારવામાં ન આવ્યો તેથી છેલ્લે કાયદાકીય વિકલ્પ જ ‘ધ ન્યયોર્ક ટાઇમ્સ’ પાસે બચ્યો હતો. આ પહેલાં પણ ‘ઓપન AI’ પર અનેક પ્રશ્નો ઊઠ્યા છે. જેમ કે, કોપીરાઇટને જ લઈને અમેરિકામાંથી અનેક લેખકોએ ‘ઓપન AI’ પર દાવો માંડ્યો હતો. અને અમેરિકાના ‘ઓથર ગિલ્ડ’ દ્વારા પણ ‘ઓપન AI’નો વિરોધ થયો હતો.

- Advertisement -
the newyork times
the newyork times

હવે આ વિવાદ અમેરિકાની મેનહેટન કોર્ટમાં પહોંચ્યો ત્યારે ‘ઓપન AI’ તરફથી પણ નિવેદન આવ્યું છે. ‘ઓપન AI’ના પ્રવક્તા લિન્ડસે હેલ્ડ કહ્યું છે કે, અમે સુરક્ષિત રીતે આગળ વધવા માગીએ છીએ. ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’ સાથે અમે સંવાદ કરીશું, પણ આ રીતે થયેલા કેસથી અમે નિરાશ છીએ. આ ઉપરાંત લિન્ડસે હેલ્ડે કહ્યું કે, અમે કોપીરાઇટ લખાણોનું સન્માન કરીએ છીએ અને ‘ઓપન AI’થી તેમને કશુંક મળે અને નવા રેવન્યૂ મોડલ નિર્માણ કરવા અમે પ્રયાસ કરીશું. માઈક્રોસોફ્ટે આ પૂરા વિવાદ અંગે કશુંય કહેવાનો ઇનકાર કર્યો છે.

the newyork times
the newyork times

ટૂંક સમયમાં અમેરિકાની જેમ આપણા દેશમાં પણ ‘AI’ સંદર્ભે કોપીરાઈટના પ્રશ્નો ઉભા થવાના છે અને ત્યારે ભારતમાં આ સ્થિતિ વધુ પેચીદી બનશે. આપણા દેશમાં હજુ તો કોપીરાઈટનો કાયદો એ રીતે અમલી નથી અને નવી ટેક્નોલોજી સાથે જ્યારે તેને જોવામાં આવશે ત્યારે તેનો ઉકેલ કોઈ કોર્ટ પણ નહીં લાવી શકે. બીજું કે અહીંયા મુદ્દો માત્ર લખાણનો જ નથી, બલકે ફોટો, સ્કેચ ઉપરાંત અન્ય કન્ટેન્ટનો પણ છે. અમેરિકામાં આ મુદ્દા અંગે જે દલીલ થઈ રહી છે તેમાં એ વાત મૂકાય છે કે ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’નું ડિજિટલ પત્રકારત્વથી એક સફળ મોડલ નિર્માણ થઈ ચૂક્યું છે, પરંતુ આવાં અસંખ્ય બીજા અખબારો અને મેગેઝિન છે, તેમના કન્ટેન્ટની ચોરી થશે અને તેમનું કન્ટેન્ટ ‘AI’ દ્વારા ઉપલબ્ધ થશે તો આવી સંસ્થાઓ બંધ કરવી પડશે.

‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’ આ કેસમાં જે મુદ્દાઓને સમાવ્યા છે; તેમાં એક એ પણ છે કે ભવિષ્યમાં ‘Chat GPT’ અને અન્ય ‘AI’ના પ્લેટફોર્મ ન્યૂઝ બિઝનેસમાં તેમના પ્રતિસ્પર્ધા કરશે. જ્યારે પણ ‘Chat GPT’ને કોઈ પણ વર્તમાન કોઈ ઘટના કે ન્યૂઝ સંબંધિત મુદ્દા વિશે યુઝર્સ પૂછશે ત્યારે તે જવાબ વાળશે અને સંભવત્ આ જવાબ ‘Chat GPT’એ ‘ધ ન્યૂયોર્ટ ટાઇમ્સ’ની માહિતીના આધારે તૈયાર કર્યો હોય. અને પરિણામે એવું થવાની સંભાવના છે કે યુઝર્સ ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’ની વેબસાઇટ પર આવવા કરતા ‘Chat GPT’માં જ આ ન્યૂઝ જાણી લેશે. એ રીતે ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’ની વેબસાઇટ પર ટ્રાફિક ઘટશે અને જાહેરાતો ઉપરાંત સબસ્ક્રિપ્શન રેવન્યૂ પણ ઘટશે. ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’ દ્વારા ‘ઓપન AI’ પર જે પણ આરોપ ઘડ્યા છે તેમાં કેટલીક ઘટનાઓ પણ સમાવી છે. જેમ કે કેટલાંક ન્યૂઝ યુઝર્સે ‘Chat GPT’ પર જોઈ લીધા, જેમાં ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’ના જ લેખો હતા, જો આ લેખ ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’ પર આવીને યુઝર્સ વાંચત તો તેને સબસ્ક્રિબ્શન લેવું પડત. ‘Chat GPT’ના કિસ્સામાં કોઈ સબસ્ક્રિબ્શન વિના તે યુઝર્સે વાંચી લીધું.

- Advertisement -

જોકે અત્યાર સુધી ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’ના હવાલેથી બધું જોઈએ તો તેમાં ‘ઓપન AI’ પર દોષ પુરવાર થાય છે, પરંતુ બીજી તરફ ‘ઓપન AI’ દ્વારા પોતાનું કન્ટેન્ટ તૈયાર કરવા માટે અનેક ન્યૂઝ સંસ્થાન સાથે તેમણે કરાર કર્યા છે. જેમ કે ‘અસોશિયેટ પ્રેસ’, ‘એક્સેલ સ્પ્રિંગર’, જર્મન પબ્લિશર ‘પોલિટિકો’ અને ‘બિઝનેસ ઇન્સાઇડર’. જોકે હજુ તેમના કરારની વાતો ક્યાંય જાહેર કરવામાં નથી આવી.

‘ઓપન AI’ આવનારાં દિવસોમાં સૌથી ચર્ચિત મુદ્દો બનવાનો છે, માત્ર ન્યૂઝ જેવાં જ ક્ષેત્રો નહીં, બલકે કાયદાકીય ક્ષેત્રોમાં પણ ‘ઓપન AI’માં શક્યતા જોવાઈ રહી છે. આ અંગે એક નાનો પ્રયાસ પણ થયો છે. ચંદિગઢ સ્થિત ‘જ્યુપીટાઈસ’ નામની ડિજિટલ કોર્ટ દ્વારા. આ સિસ્ટમને ‘અલ્ટરનેટિવ ડિસ્પ્યૂટ રિઝયોલેશન’ એવું નામ આપવામાં આવ્યું છે. અને ધીરે ધીરે આ ડિજિટલ કોર્ટ જાણીતી પણ બની રહી છે. છેલ્લા ચાર વર્ષમાં આઠ હજાર કેસ ‘જ્યુપીટાઇસ’ પર ફાઈલ થઈ ચૂક્યા છે. આ કંપનીના CEO રમન અગ્રવાલ આ પ્લેટફોર્મ શરૂ કરવાના કારણ આપતાં કેસ ભરાવાનું આપે છે. તેમનું કહેવું છે કે દેશની કોર્ટમાં સાડા ચાર કરોડ કેસ પેન્ડિગ છે. આ રીતે ઓનલાઈન સિસ્ટમથી કેસ ભારણના 85 ટકા ખર્ચ અને સમયને બચાવી શકાય.

‘અલ્ટરનેટિવ ડિસ્પ્યૂટ રિઝયોલેશન’ અંતર્ગત મધ્યસ્થી, સમાધાની, વાટાઘાટો અને દરમિયાનગીરી કરીને કેસોનો નિર્ણય ઝડપથી લાવી શકાયા છે. ‘જ્યુપીટાઇસ’ના સ્થાપક રમન અગ્રવાલ દાવા સાથે કહે છે કે, આ પ્લેટફોર્મ પર આવીને વ્યક્તિ તેની પસંદગીના એડવોકેટ અને ન્યાયાધીશને પસંદ કરી શકે છે. અને અને આ પૂરી પ્રક્રિયાને ઓનલાઈન જોઈ શકાય છે. આ રીતે પક્ષપાતની બાદબાકી થઈ જાય છે અને તઢસ્થ નિર્ણય આવે છે. ‘જ્યુપીટાઇસ’ના પેનલમાં અત્યારે પૂર્વ જજો જોડાયેલાં છે.

- Advertisement -

‘ઓપન AI’નો આ ઉપયોગમાં કોઈને વાંધો ન હોઈ શકે, પરંતુ જ્યારે કોપીરાઈટ મુદ્દે કન્ટેન્ટ સાથે છેડછાડ થાય તો તે ગંભીર મુદ્દો બને છે. ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’ ફરિયાદમાં એ પણ નોંધ કરી છે કે જો સમાચાર સંસ્થાઓ અને પત્રકારો તેમના વ્યવસાયને બચાવવા માટે આગળ નહીં આવે તો, તેમાં પત્રકરાત્વનું નુકસાન છે અને લોકોએ પણ તેની કિંમત ચૂકવવી પડશે. આ ઉપરાંત મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીઝ પર ‘ઓપન AI’નું જોખમ તોળાઈ રહ્યું છે, જેમાં હવે જે પ્લેટફોર્મ પર સંગીત મૂકાઈ રહ્યું છે ત્યાં ‘ઓપન AI’થી તે કેવી રીતે સુરક્ષિત રહે તે ધ્યાન રાખવાનું કહેવામાં આવે છે. જોકે ‘ઓપન AI’ના જોખમ સામે અત્યારે તો ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’ પડ્યું છે અને તેમાં જે કાંઈ ઉકેલ આવશે તેના આધારે ભવિષ્યમાં સૌ કોઈ પોતપોતાના કન્ટેન્ટને સુરક્ષિત કરવાનો માર્ગ નક્કી કરશે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular