હરેશ ભટ્ટ (નવજીવન. સુરત): સુરતમાં સરા જાહેર ફાયરિંગ કરી એક વેપારીની હત્યા કરનારો ગુનેગાર બૂટ પહેરવામાં થાપ ખાઈ ગયો ને પોલીસ તેના સુધી પહોંચી ગઈ, આ ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફેદ બૂટ ઉપરાંત ટી-શર્ટ અને એક આરોપીના ખાસ પ્રકારના વાળ મદદરૂપ બન્યા હતા. રૂ. બે લાખમાં સોપારી આપી હત્યા કરાવનારા સહિત તમામને પોલીસે પકડી પાડ્યા છે, જે હાલ લાજપોર મધ્યસ્થ જેલમાં છે. કોઈને પણ જામીન મળ્યા નથી.
પાંચમી ઓગષ્ટ 2021ની આ વાત છે. સમય થયો છે બપોરે ત્રણ વાગ્યાનો. એક બાઇક પર ત્રણ અજાણ્યા શખ્સો આવે છે. જે હાર્ડવેરના વેપારી નિખિલભાઈ સુધીરભાઈ પ્રજાપતિ (ઉ.વ.34, રહેઃ હનુમાન ગલી, પાઠક ફળિયા, બારડોલી) પર ફાયરિંગ કરી તેમની હત્યા કરે છે. તમંચામાંથી ફાયરિંગ કરી હત્યા કરનારા ત્રણેય ગુનેગારો બાઇક પર નાંદિડા-વણેસા રોડ પર ભાગી છૂટ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ બનાવની ગંભીરતા પારખી ગયેલા સુરત રેન્જના આઇજીપી ડો. એસ.પી. રાજકુમારે (રાજકુમાર પાંડિયન) આરોપીને પકડી પાડવા માટે અલગ અલગ ટીમ બનાવવાનો આદેશ કર્યો. પોતે જાતે રસ લઈ ગુનાનો ભેદ ઉકેલવાના કામે લાગ્યા. જેમાં નાંદિડા-વણેસા રોડ પર જ્યાં પણ સીસીટીવી કેમેરા હતા તે તમામ ચેક કર્યા. જેમાં એક બાઇક પર ત્રણ યુવાનો જતા હોવાનું ફલિત થયું. જેમાંથી એક ગુનેગારે સફેદ રંગના બૂટ પહેર્યા હતા. જેના પર નાઇકી જેવું રાઇટનું નિશાન હતું. આ શખ્સે સફેદ ટી શર્ટ પહેર્યું હતું. તેમજ તેની સાથેના એક શખ્સના માથાના વાળ ફિલ્મી એભિનેતાની જેમ આગળના ભાગે કલર કરેલા હતા.
આટલી માહિતી મળ્યા બાદ ડીવાય.એસ. પી. રૂપલ સોલંકીના માર્ગદર્શન તળે પોલીસની ટીમ કામે લાગી. જેમાં ટી-શર્ટના આધારે પોલીસ આરોપીના ભાઈ સુધી પહોંચી. કારણ કે હત્યાના દિવસે ગુનેગારે જે ટી-શર્ટ પહેર્યું હતું તે પોલીસ જ્યારે પહોંચી ત્યારે તેના ભાઈએ પહેર્યું હતું. જેથી તેના ભાઈને પકડી પોલીસે પૂછપરછ આદરી. જેમાં આ ટી-શર્ટ તેના ભાઈનું હોવાનું કહેતા પોલીસ તેના ભાઈ સુધી પહોંચી તો ત્યાંથી સફેદ રંગના રાઇટની નિશાનીવાળા બૂટ પણ હાથ લાગ્યા હતા. જેથી આ જ આરોપી હોવાનું સ્પષ્ટ થયું. ત્યાર બાદ એક પછી એક મળી કુલ 6 ગુનેગારોને પકડી પાડ્યા. જે તમામ સામે મજબૂત પુરાવા એકત્ર કરી ચાર્જશીટ કરતા હાલ તમામ લાજપોર મધ્યસ્થ જેલમાં છે.
ઘટના કંઈક એમ હતી કે નિખિલ પ્રજાપતિ હાર્ડવેરની દુકાન ધરાવે છે. જે નાંદિડા રોડ પર છે. જ્યાં તે હાજર હતો તે વખતે તેમના પર ફાયરિંગ કરી તેમની ત્યાં કરી નાખવામાં આવી હતી. આ યુવાન સાથે પત્ની તરીકે રહેતી ચંદન નામની યુવતીએ અગાઉ કેતન ગોંડલિયા સાથે લગ્ન કર્યા હતા. તેમની સાથે છૂટાછેડા લીધા બાદ તે નિખિલ સાથે રહેવા લાગી હતી. આ વાતને કેન્દ્રમાં રાખી કેતન ગોંડલિયાએ સોપારી આપી હત્યા કરાવી હોવાની શંકાના આધારે પોલીસે એ દિશામાં પણ તપાસ કરી હતી. જેમાં કેતન ગોંડલિયાએ રૂ. બે લાખમાં સોપારી આપી હોવાનું ફલિત થયું હતું. આ ગુનામાં વિશાલ રમેશ રાઠોડ, કેતન ભીખા ગોંડલિયા, સાગર નટવર વાંસફોડિયા, બાદલ કિશોર રાઠોડ, હિતેશ વિનોદ વાઘરી (સુરેલા) અને દેવાંગ ઉર્ફે દેવો બિરજુ દેવીપૂજકની ધરપકડ કરી છે. જે તમામ લાજપોર મધ્યસ્થ જેલમાં છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












