નવજીવન.સાણંદ: ઉત્તરાયણનું પર્વ નજીક આવી રહ્યું છે. મોટા ભાગના પતંગ રસિયાઓ ઉત્તરાયણ નજીક અવતાની સાથે જ પતંગ દોરી લઈને ધાબે ચઢી જતા હોય છે પરંતુ આ પતંગ દોરીને કારણે મોટી સંખ્યામાં માણસો અને પક્ષીઓ ઘાયલ થવાના સમાચાર સામે આવતા રહે છે. હજુ ઉત્તરાયણને થોડા દિવસો બાકી છે ત્યારે અમદાવાદની નજીક આવેલા સાણંદમાં એક દુર્લભ પક્ષી પર્પલ હેરાન (નડી બગલો) ચાઈનીઝ દોરીથી ઘાયલ થયું હતું. જેનું એનિમલ લાઈફ કેર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
સાણંદની નજીક નળસરોવર પક્ષી અભયારણ્ય આવેલું હોવાને કારણે સાણંદમાં અવાર નવાર દુર્લભ પક્ષીઓ જોવા મળતા હોય છે, પરંતુ ઉત્તરાયણ નજીક આવતા આવા પક્ષીઓ ઘાયલ થવાના બનાવ પણ વધી જતા હોય છે. આજે જ સાણંદની નજીક આવેલા ગામ માણકોલમાં ચાઈનીઝ દોરીના કારણે એક પર્પલ હેરાન પક્ષી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું હતું. જોકે સ્થાનિકોએ તરત એનિમલ લાઈફ કેરનો સંપર્ક કર્યો હતો. એનિમલ લાઈફ કેરના પ્રતિનિધિ વિજય ડાભીએ તરત ઘટનાસ્થળે જઈને પક્ષીની પ્રાથમિક સારવાર કરી હતી અને વધુ સારવાર માટે પક્ષીને ફોરેસ્ટ હોસ્પિટલમાં લઈ ગયા હતા.

વિજય ડાભીએ જણાવ્યું હતું કે, “પર્પલ હેરાન નામનું આ પક્ષી ગુજરાતમાં નડી બગલાના નામથી ઓળખાય છે. આ પક્ષી મુખ્યત્વે આફ્રિકા, દક્ષિણ યુરોપ અને દક્ષિણ-પૂર્વ એશિયામાં જોવા મળે છે. આ પક્ષીનું કદ ઊંચું અને મોટું હોય છે, તેનું વજન 500 ગ્રામથી 1300 ગ્રામ સુધીનું હોય છે. આ પક્ષી પોતાના કદ અને વજનના કારણે ધીમી ગતિએ ઉડી શકે છે. પર્પલ હેરન મુખ્યત્વે નદી, તળાવ, નહેરોમાં પથરાયેલી વનસ્પતિ તેમજ કીચડમાં રહે છે અને ખુલ્લી જગ્યાએ ભાગ્યે જ જોવા મળે છે.”
ઉત્તરાયણ નજીક આવતા પતંગ રસિયાઓ ધ્યાન રાખવું જોઈએ કે પક્ષીઓ આ દોરીને કારણે ઘાયલ થતા હોય છે. મોટા ભાગે ચાઈનીઝ દોરીના કારણે પક્ષીઓ ઘાયલ થાય છે અને તેમનું મૃત્યુ પણ થાય છે, તો આવી દોરી ન વાપરવી જોઈએ અને બને ત્યાં સુધી એટલું ધ્યાન રાખવું જોઈએ કે પક્ષી કોઈ પણ જીવ આપણી મજાને કારણે દોરીથી ઘાયલ ન થાય.
ચાઈનીઝ દોરીથી સાણંદમાં એક દુર્લભ પક્ષી ઘાયલ થયું, એનિમલ લાઈફ કેર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું
- Advertisement -
- Advertisment -








