પ્રશાંત દયાળ (અક્ષરધામ અટેક. ભાગ-7): Akshardham Temple Attack Series : ડી.વાય.એસ.પી. ગિરીશ સિંઘલ DySP Girish Singhal , કમાન્ડો રામાજી અને પી.એસ.આઈ. ભરત પટેલ PSI Bharat Patel બહાર નિકળ્યા ત્યારે સૂરજ ઢળી ચૂક્યો હતો. પ્રદર્શન હોલના એક્ઝિટ ગેટથી સિંઘલ બહાર આવ્યા ત્યારે તેમનું ધ્યાન ડી.એસ.પી. બ્રહ્મભટ્ટ DSP Brahmbhatt અને એલ.સી.બી. પી.આઈ. વી. આર. ટોળિયા તરફ ગયું. તેમની સાથે પાંચ–સાત હથિયારબદ્ધ પોલીસવાળા હતા. તેઓ પ્રદર્શન હોલને અડીને આવેલા ગાર્ડનમાંથી એક્ઝિટ ગેટ તરફ આવી રહ્યા હતા. સિંઘલને એકદમ ધ્રાસ્કો પડ્યો. કારણ કે, હુમલાખોર ત્યાં નજીકમાં જ ક્યાંક સંતાયા હતા. એક્ઝેટ ક્યાં હતા એ લોકેશન નહોતું, પણ બ્રહ્મભટ્ટ સાહેબ ચાલી રહ્યા હતા; એ જગ્યા ટેરરિસ્ટની ફાયરિંગ રેંજમાં જ હતી. જો ફાયરિંગ થાય તો ડી.એસ.પી. સહિત બધા જ ફાયરિંગ રેંજમાં માર્યા જાય.
સિંઘલે પહેલા તો સાહેબને સલામ કરી. પછી સાહેબ કંઈ સવાલ પૂછે તે પહેલાં જ ઇશારાથી સમજાવ્યું કે, ગાર્ડનની બહાર નીકળી જાવ. બ્રહ્મભટ્ટ સહિત બધા જ ઇશારો સમજી ગયા. તેઓ એકદમ દૂર જતા રહ્યા. જોકે લગભગ દોઢ કલાક થઈ ગયો હતો; પણ ટેરરિસ્ટે એકપણ ફાયરિંગ કર્યું નહોતું. સિંઘલ, પટેલ અને રામાજી બહાર આવી ગયા હતા. એના એ જ રસ્તે થઈને તેઓ પાછા ગેટ નંબર એક પર પહોંચી ગયા. ત્યાં ડી.એસ.પી. બ્રહ્મભટ્ટ પણ આવી ગયા. સિંઘલ પાસે જે કંઈ માહિતી હતી, અંદર શું બન્યું, રેસ્કયૂ ઓપરેશન કેવી રીતે કર્યું, વગેરેની તમામ બારીક માહિતી ડી.એસ.પી.ને આપી દીધી. હવે સિનિયર અધિકારીઓ પણ ગેટ નંબર એક પર પહોંચી રહ્યા હતા.
ડી.જી.પી. ચક્રવર્તી, આઈ.જી.પી. વી. વી. રબારી, જે. કે. ભટ્ટ આવી ગયા હતા. ગુજરાતમાં આ પહેલો ટેરરિસ્ટ અટેક હતો એટલે ગુજરાત પોલીસ પાસે ટેરરિસ્ટ અટેક સામે લડવાનો કોઈ જ પ્લાન નહોતો. જેથી ત્યાં આવતાં તમામ સિનિયર અધિકારી ગાંધીનગર પોલીસને પોતાની રીતે આદેશ આપી રહ્યા હતા. ટેરરિસ્ટ હજી મંદિર પરિસરમાં હતા એની જાણકારી ચોક્કસ હતી. સાથે સાથે મુખ્ય મંદિરમાં લોકો પણ ફસાયેલા હતા.
પોલીસની પ્રાયોરિટી એ હતી કે, કોઈ પણ કિમંતે મંદિરમાં રહેલા લોકોને સલામત બહાર કાઢવા. ત્યારબાદ મંદિરમાં રહેલા ટેરરિસ્ટ કોઈ પણ રીતે ભાગવામાં સફળ ન થવા જોઈએ. એટલે ગાંધીનગરમાં રહેલાં એસ.આર.પી. ગ્રુપ–3ને મંદિરે બોલાવી લેવામાં આવ્યું હતું. લોકલ ક્રાઇમબ્રાંચના ઇન્સપેકટર વી. આર. ટોળિયા, પી. એમ. પરમાર, પી.એસ.આઈ. ડી. પી. ચુડાસમા અને પી.એસ.આઈ. ગંભીરસિંહ પઢેરિયા મંદિરની ભૂગોળથી સારી રીતે માહિતગાર હતા. માટે ડી.એસ.પી. આર. બી. બ્રહ્મભટ્ટે તેમને જવાબદારી સોંપી કે, મંદિર પરિસરને સારી રીતે કોર્ડન કરી લેવામાં આવે.
મંદિરની બહારની બાજુએ પણ એસ.આર.પી. જવાનો હથિયાર સાથે તૈનાત થઈ ગયા હતા; પણ મંદિર પર હુમલો થયાની જાણકારી મળતાં ગાંધીનગર અને અમદાવાદથી લોકોનાં ટોળે ટોળાં મંદિર પર આવી રહ્યાં હતાં. ઘણાં તો એવા હતાં કે, તેમનાં સ્વજન અંદર હોવાને કારણે મંદિર પર આવ્યાં હતાં.
મંદિરની બહાર જે રીતે લોકો એકત્રિત થઈ રહ્યા હતા; તેની બે સમસ્યા હતી. એક કે, લોકોનાં ટોળાં પોલીસની કામગીરીમાં અડચણ બની રહ્યાં હતાં. બીજી સમસ્યા એવી હતી કે, જો ટેરરિસ્ટ ફરી ફાયરિંગ કરે તો બહાર ઊભા રહેલા લોકોને પણ ઇજા થાય તેમ હતું. એટલે ત્યાં આવેલા લોકોને તત્કાલ હટાવીને આખાં ગાંધીનગર શહેરમાં કરફ્યૂ લાદી દેવામાં આવ્યો. ગુજરાત એ.ટી.એસ.ને જાણકારી મળતાં આઈ.પી.એસ. અધિકારી વિપુલ વિજોય અને ડી.વાય.એસ.પી. અભયસિંહ ચુડાસમા પણ કમાન્ડોની સાથે મંદિર પર આવી ગયા હતા.
ગાંધીનગરથી હિમંતનગર જવાના રસ્તે ચિલોડા આવેલું છે. જયા પેરામિલિટરી અને મિલિટરીની છાવણી આવેલી છે. અક્ષરધામ મંદિરથી માંડ ત્રણ–ચાર કિલોમીટર દૂર જ આ છાવણીઓ આવેલી છે. સામાન્ય રીતે જ્યાં સુધી રાજ્ય સરકાર કેન્દ્ર પાસે મદદ ન માગે ત્યાં સુધી પેરામિલિટરી ફોર્સ એક્શનમાં આવે નહીં. પરંતુ જ્યારે ચિલોડા કેમ્પમાં રહેલા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સને જાણકારી મળી કે, અક્ષરધામ મંદિર પર ટેરરિસ્ટ અટેક થયો છે; ત્યારે તેમણે ગુજરાત સરકારની માગણીની રાહ જોયા વગર જ તાલીમબદ્ધ અને હથિયારોથી સજ્જ કમાન્ડો સાથે અક્ષરધામ પહોંચી જવાનો નિર્ણય કર્યો. સી.આર.પી.એફ.ની એક કંપની મંદિર પર આવી ગઈ હતી. ગેટ નંબર એક પર થોડું કન્ફ્યૂઝન હતું. કારણ કે,, ખરેખર શું કરવું છે? તેની કોઈને પણ કંઈ જ ખબર નહોતી.
મંદિર પર પહોંચેલી સી.આર.પી.એફ.ની કંપની ક્વિક રિસ્પોન્શ ટીમ હતી. તેમની પાસે આ પ્રકારના હુમલા ખાળવાની તાલીમ અને તૈયારી હતી. જેને લીડ કરી રહ્યા હતા કમાન્ડન્ટ શર્મા. તેમને પ્રાથમિક જાણકારી મળી હતી કે, હજી મુખ્ય મંદિરમાં લોકો ફસાયેલા છે. એટલે તેમણે સાથે રહેલા અધિકારીઓ અને જવાનોને જરૂરી સુચના આપી. તેમની પાસે આધુનિક હથિયાર અને બુલેટપ્રૂફ જેકિટ પણ હતાં. અચાનક ક્વિક રિસ્પોન્શ ટીમના જવાનો મુખ્ય મંદિર તરફ દોડવા લાગ્યા અને ચિત્તાની ઝડપે તેઓ મંદિર સુધી પહોંચી ગયા. તેમણે મંદિરની ઘેરી લીધું. કમાન્ડન્ટ શર્માએ મુખ્ય દરવાજા પાસે પહોંચીને મોટા અવાજે કહ્યું, “ડરશો નહીં. અમે કમાન્ડો છીએ. તમારી મદદે આવ્યા છીએ. દરવાજો ખોલો.”
થોડી ક્ષણ શાંતિ રહ્યા પછી ધીરે ધીરે મંદિરનો મોટો દરવાજો ખુલ્યો. અંદર સ્વયંસેવકો અને દર્શાનાર્થી મળીને લગભગ ત્રીસ–ચાળીસ લોકો હતા. જોકે સી.આર.પી.એફ.ને અંદાજ પણ નહોતો કે, તેમની આ મદદ કદાચ જોખમી સાબિત થાય એમ હતી. અંદર રહેલા લોકોને ગેટ નંબર–6માંથી બહાર લાવવાની જરૂર હતી. જે મંદિરની પાછળ તરફ હતો; પણ ભૂગોળની પૂરતી જાણકારી ન હોવાને કારણે કમાન્ડોએ તેમને ગેટ નંબર–1 તરફ ભાગવા કહ્યું. લગભગ બે કલાક સુધી જીવ પડીકે બાંધીને બેઠેલા લોકો બહાર નીકળ્યા અને આદેશ મળતાં જ ગેટ નંબર–1 તરફ ભાગવા લાગ્યા. સાથે જ સંતાઈ બેઠેલા ટેરરિસ્ટે તેમની ઉપર ગોળીઓ ચલાવવાની શરૂ કરી.
એ જોઈને ગેટ નંબર એક પર રહેલા ગુજરાત પોલીસના અધિકારીઓ એકદમ ડરી ગયા! કારણ, હવે બહાર તરફ દોડી રહેલા લોકોને કોઈપણ મદદ કરી શકે તેમ નહોતું. જમણી તરફ સંતાઈ રહેલા ટેરરિસ્ટ ધાણી ફુટે એમ ગોળીઓ છોડી રહ્યા હતા. બધા જ દર્શાનાર્થીમાં બે વૃદ્ધ મહિલાઓ પણ હતી. તે માંડ ચાલી શકે તેમ હતી. તેમના માટે દોડવું શક્ય જ નહોતું. ગોળીબાર શરૂ થતાં જ, જે જુવાન હતા એ ઝડપથી ગેટ નંબર એક સુધી પહોંચી ગયા. પરંતુ બે વૃદ્ધ મહિલાઓ એ મંદિરથી ગેટ તરફ આવતાં વચ્ચેના પેસેજમાં ફસાઈ ગઈ. આ દૃશ્ય બધા જ અધિકારીઓ જોઈ રહ્યા હતા; પણ શું કરવું તે સુઝતું નહોતું. ગિરીશ સિંઘલ અને ભરત પટેલ પણ ત્યાં હતા.
ભરત પટેલે સિંઘલ સામે પ્રશ્નસૂચક નજરે જોયું. ભરત પટેલની આંખો જે પૂછી રહી હતી; તે સિંઘલ સમજી ગયા. ભરત પટેલ મોટું જોખમ લેવાની મંજુરી માગી રહ્યા હતા. સિંઘલે હા પાડતાં જ ભરત પટેલ એક્શનમાં આવી ગયા. ભરત પટેલે ગેટ નંબર એકથી મંદિર તરફ જતાં પેસેજમાં દોટ મૂકી. કદાચ પોલીસ ટ્રેનિંગ સ્કૂલમાં પણ ભરત પટેલ આ ઝડપે નહીં દોડ્યા હોય! તે પેલી બે વૃદ્ધ મહિલાઓ સુધી ચાલું ફાયરિંગમાં પહોંચી ગયા. બંન્ને મહિલાઓના હાથ ખેંચીને જમીન પર સુવાડીને પથ્થરની આડશમાં લઈ લીધી. જેથી તેમને ગોળીબારથી બચાવી શકાય. આ મહિલાઓ માટે ભરત પટેલ દેવદૂત બની આવ્યા હતા. ભરત પટેલ પણ જમીન પર પડ્યા હતા અને તેમના શ્વાસોચ્છ્વાસ અસાધારણ ગતિએ ચાલી રહ્યા હતા.
(ક્રમશ:)
આ ઓપરેશનમાં NSG ના બે અને ગુજરાત પોલીસના બે જવાનો શહિદીને ભેટ્યા હતા. આ ધારાવાહિક કોઈપણ રાજકીય પક્ષ, ધર્મ, જાતિ, જ્ઞાતિ અને કોઈપણ વિચારધારાનું સમર્થન કે વિરોધ કરતી નથી. સત્ય બાબત જેટલી સરળતાથી સામાન્ય લોકો સુધી મૂકી શકાય; એ દિશામાં થયેલો એક પ્રયાસ છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








