Saturday, May 2, 2026
HomeNavajivan CornerLink In Bioહિમાલય ક્ષેત્રના પહાડો કેમ એકાએક ધસી રહ્યા છે ?

હિમાલય ક્ષેત્રના પહાડો કેમ એકાએક ધસી રહ્યા છે ?

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ગત્ બે મહિનામાં હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)અને ઉત્તરાખંડમાં (Uttarakhand) જમીન ધસી (Landslide) જવાની ઘટના અવાર-નવાર બની રહી છે. આ બંને પ્રદેશ પહાડી છે અને અહીંયા જમીન ધસી પડવાના જે વિડીયો ન્યૂઝમાં વાયરલ થયા છે તેનાથી તેની ભયાનકતાનો ખ્યાલ આવે છે. વરસાદી ઋતુમાં જમીન ધસી પડવાની ઘટના બંને પ્રદેશોમાં નવી નથી, પરંતુ આ વખતે પૂરેપૂરા પહાડો ધસી રહ્યા છે અને તેના કારણે અત્યાર સુધી બસ્સોથી વધુ લોકો માર્યા ગયા છે. પર્યાવરણવાદીઓ વર્ષોથી પહાડો ધસી જવાની ચેતવણી આપતાં રહ્યા છે, પરંતુ તેની અવગણના થતી રહી અને હવે એક પછી એક બની રહેલી ઘટનાને લઈને અગાઉની ચેતવણી તરફ સૌ કોઈ ધ્યાન આપી રહ્યા છે. હિમાલયન ક્ષેત્રમાં થઈ રહેલી ઉથલપાથલથી ડરનો માહોલ પ્રસર્યો છે. આપણા ફેવરિટ ટુર ડેસ્ટિનેશનમાં આ પ્રદેશો છે ત્યારે અહીંયા પહાડોને કેટલાં હદ સુધીનું નુકસાન થયું છે તે વિશે થયેલાં અભ્યાસોમાં ડોકિયું કરીએ.

himalayan region Landslide
himalayan region Landslide

આ લખાય છે ત્યારે હિમાચલના કુલ્લુથી એક વિડીયો ન્યૂઝ ચેનલોમાં વાયરલ થયો છે, જેમાં ઇમારતો એકાએક ધસી પડી રહી છે. આવાં અનેક રહેવાસી વિસ્તારો છે, જે ધસી પડવાના જોખમથી લદાયેલા છે. આ જોખમ એકાએક ઊતરી નથી આવ્યું. આ ક્ષેત્રોમાં ખોદાયેલી અનેક સુરંગો, ડેમ, હાઇડ્રોપાવર પ્રોજેક્ટ અને અમર્યાદ કન્સ્ટ્રક્શનના કારણે પહાડોને નુકસાન થયું છે. ગત્ વર્ષના અંતમાં ઉત્તરાખંડના જોશીમઠ વિસ્તારમાં તિરાડો જોવા મળી હતી અને તત્કાલ આ વિસ્તારને ખાલી કરવાનો ઉત્તરાખંડ સરકારે ફરમાન જાહેર કરવું પડ્યું હતું. જોશીમઠની આ તિરાડોના કારણોની જ્યારે તપાસ થઈ ત્યારે તેમાં એક કારણ ‘નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન’(એનટીપીસી) દ્વારા નિર્માણ પામી રહેલા તપોવન વિષ્ણુગઢ નામના વીજળી ઉત્પાદન કરતાં હાઇડ્રોપાવર ગણવામાં આવ્યું. આ પ્રોજેક્ટમાં જોશીમઠની નજીક 14 કિલોમીટરની લાંબી ટનલ ખોદવામાં આવી છે અને તેને ખોદવા માટે બ્લાસ્ટ કરવામાં આવ્યાં છે. અહીં બ્લાસ્ટ થતાં હતા ત્યારે જ સ્થાનિક લોકોને લાગ્યું કે આનાથી પહાડોને નુકસાન થઈ રહ્યું છે અને સ્થાનિકોએ ‘ગો બેક ‘એનટીપીસી’ કેમ્પેઇન પણ ચલાવ્યું. જોકે તેની અસર ન થઈ. અહીં આટલાં મોટાં હાઇડ્રોપાવર પ્રોજેક્ટ નિર્માણ કરવાનું આયોજન કરાયું તેનાં સવાસો વર્ષ પહેલાં જ આ વિસ્તાર અંગે ચેતવણી અપાઈ હતી. 1886માં એડવિન ટી. એટકીસને ‘ધ હિમાલયન ગેઝેટ’માં લખ્યું હતું કે, જોશીમઠ માટીના ઢગલા પર વસેલું છે. આ ચેતવણી તે પછી 1976માં ‘મિશ્રા કમિટિ રિપોર્ટ’માં પણ આપવામાં આવી. આ રિપોર્ટમાં પણ લખ્યું હતું કે, ઢલાણ પર વસેલા આ વિસ્તારમાં વધુ ભારણ લેવાની ક્ષમતા નથી અને 2009માં જ્યારે જોશીમઠ પર તપોવન વિષ્ણુગઢનું નિર્માણ થતું હતું ત્યારે પણ એક પહાડમાં તિરાડ પડી હતી.

- Advertisement -
himalayan region Landslide
himalayan region Landslide

આવા જોખમો અવારનવાર સામે આવતા ગયા, પરંતુ સરકાર નિશ્ચિંત હતી. 2013માં કેદારનાથ મંદિરની તબાહીની ઘટના બની ત્યારે તો પહાડી વિસ્તારોનાં આડેધડ નિર્માણને લઈને તુરંત પગલાં લેવાવાં જોઈતા હતા, પરંતુ તે પછી પણ કઈ ન થયું. 2021માં તપોવન વિષ્ણુગઢની આસપાસ આવેલા પૂરથી બસ્સો લોકો મૃત્યુ પામ્યા અને છેલ્લે 2022ના ડિસેમ્બરમાં એ દિવસ આવી ગયો જ્યારે જોશીમઠમાં એકાએક મસમોટી તિરાડો દેખાવા માંડી અને લોકોને તુરંત ઘર ખાલી કરાવવામાં આવ્યાં. ‘ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન’ દ્વારા પણ એવો રિપોર્ટ અપાયો કે જોશીમઠની જમીન વર્ષે આઠ સેન્ટીમીટર ધસી રહી છે. એક વાર જોશીમઠ કેન્દ્રમાં આવ્યું પછી તેને લઈને અનેક રિપોર્ટ અને જોખમોની વાત સામે આવી. ‘ધ સાઉથ એશિયા નેટવર્ક ઓન ડેમ્સ, રિવર્સ એન્ડ પીપલ’ નામની સંસ્થાએ પણ ભારત સરકારના લાગતાં વળગતાં મંત્રાલયને 2004માં એમ લખી મોકલ્યું હતું કે, તપોવન વિષ્ણુગઢને નિર્માણ કરતાં પહેલાં સ્થાનિકોની રજૂઆતને યોગ્ય રીતે સાંભળવવામાં નહોતી આવી.

himalayan region Landslide
himalayan region Landslide

જોશીમઠના આસપાસના જોખમો જોઈને કોઈ પણ હિસાબે અહિંયા હાઇડ્રોપાવર જેવા પ્રોજેક્ટ ન થઈ શકે, પરંતુ અહીંયા તે પ્રોજેક્ટનું કામ ધમધોકાર ચાલ્યું. સૌથી આશ્ચર્યની વાત તો એ કે દરેક મોટા હાઇડ્રોપાવર પ્રોજેક્ટને સેન્ટ્રલ વોટર કમિશન, જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા અને સેન્ટ્રલ ઇલેક્ટ્રિક્ટસિટી ઓથોરિટી પાસે મંજૂરી મેળવવાની હોય છે. પરંતુ આ બધી જ એજન્સી કોઈ તપાસ વિના મંજૂરી આપે છે અને જોખમો વધારે છે.

himalayan region Landslide
himalayan region Landslide

જોશીમઠની જેમ કેટલાંક નિષ્ણાતો બીજું સૌથી મોટું જોખમ ટિહરી ડેમને ગણાવે છે. ટિહરી ડેમ દેશનો સૌથી ઊંચો ડેમ છે, તેની ઊંચાઈ 855 ફીટ છે. ભાગીરથી નદી પર આવેલા આ ડેમને અનેક લોકો જોખમી ગણાવી ચૂક્યા છે. આ ડેમથી થનારાં પર્યાવરણના નુકસાન સામે સુંદરલાલ બહુગુણા જેવા સમાજસેવીઓએ લાંબી લડત આપી. આ ડેમ અંગે સેન્ટ્રલ વોટર કમિશનના પૂર્વ ચેરમેન વાય. કે. મૂર્તિએ એકવાર એમ કહ્યું હતું કે, આ ડેમ વિશ્વના સૌથી ઊંચા ડેમમાંનો જ એક નથી બલકે તે ગૂંચવણભર્યા ટેકનિકલ સમસ્યા પણ ધરાવે છે.

- Advertisement -
himalayan region Landslide
himalayan region Landslide

હવે આ જોખમો દર્શાવ્યા છતાં જ્યારે કોઈ દુર્ઘટના થાય છે, ત્યારે તેને કુદરતી ગણાવી લેવામાં આવે છે અને બીજું કે સરકાર આવી યોજના વધુ ને વધુ બનાવવા માટે પ્રયાસ કરી રહી છે. તેનું એક કારણ સતત વધી રહેલી વીજળીની ડિમાન્ડ છે. હિમાલય ક્ષેત્રમાં આવાં પ્રોજેક્ટ ન બનવવા જોઈએ તેનું બીજું સૌથી મોટું કારણ આ ભૂકંપ સંભવિત ક્ષેત્રમાં આવે તે છે. પણ તેનીય અવગણના થઈ રહી છે. મીડિયામાં અત્યારે જોશીમઠ, ટિહરી સિવાય બીજાં એક બે ક્ષેત્રોની ચર્ચા થાય છે અહીં જોખમ છે. પરંતુ અહીં અભ્યાસ કરનારાઓએ અનેક ગામો, શહેરોમાં પહાડોમાં તિરાડો દેખાઈ છે. ‘હિયૂંદ સ્ટડી સર્કલ’ દ્વારા તો એટલે સુધી કહેવામાં આવ્યું છે કે, હિમાચલ પ્રદેશમાં યોજનાઓ માટે વિસ્ફોટક ઉપયોગ કરવાની માત્રા આઠ કિલોગ્રામ પૂરતી છે, પરંતુ કંપનીઓ ટનલ ઝડપથી બનાવવા 100 કિલોગ્રામ સુધીના વિસ્ફોટકોનો ઉપયોગ કરે છે. બીજું કે વિસ્ફોટકમાં એવા પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે જે ટનલ ખોદવાની ક્ષમતામાં ખાસ્સો એવો વધારો કરે છે.

himalayan region Landslide
himalayan region Landslide

ઉત્તરાખંડમાં ચાર ધામ પ્રોજેક્ટ બની રહ્યો છે તેનાથી પણ ખૂબ નુકસાન થયું છે. આ ચારધામથી યાત્રિકો માટે યાત્રા સરળ બની છે, પણ સ્થાનિકો માટેનું જોખમ આ પ્રોજેક્ટે વધાર્યું છે. ચાર ધામના પ્રોજેક્ટમાં બની રહેલા માર્ગો, રેલવે અને અન્ય બાંધકામથી પર્યાવરણને કેટલું નુકસાન થઈ રહ્યું છે તે માટે સુપ્રિમ કોર્ટે એક કમિટિ બનાવી છે, તેનું અધ્યક્ષપદ પર્યાવરણવાદી રવિ ચોપરા કરી રહ્યા છે. તેમણે આ પ્રોજેક્ટ વિશે જ્યારે રજૂઆત કરવાની આવી ત્યારે તેમણે કહ્યું કે, સરકાર આ પ્રોજેક્ટ માટે પર્યાવરણ પર થનારી અસરને પૂર્ણ રીતે અવગણના કરી રહી છે અને તેના જોખમો પણ સરકારે જોયા નથી. જેમ કે અહીંયા પ્રોજેક્ટ દરમિયાન જ એક ટૂંકા પટ્ટામાં જ 102 લેન્ડસ્લાઈની રીતે સંવેદનશીલ ક્ષેત્રો આવ્યા છે અને પ્રોજેક્ટ ચાલતો હતો ત્યારે અહીંયા 45 લેન્ડસ્લાઇડની ઘટના બની હતી. જ્યારે પથ્થરો ધસીને નદીમાં જાય છે ત્યારે નદી વધુ ઘાતકી બનીને બધું જ વહાવી જાય છે.

himalayan region Landslide
himalayan region Landslide

હિમાલયન વિસ્તારમાં થયેલી આ ઉથલપાથલથી અહીંના સ્થાનિકો, પર્યાવરણવાદીઓ અને નિષ્ણાતોથી સરકારોએ અંતર રાખ્યું છે અને એટલે જ અહીંયા લેન્ડસ્લાઇડ થાય છે ત્યારે કશુંય બચાવી શકાતું નથી. વર્ષોથી આ વિસ્તારનો અભ્યાસ કરતાં ભૂ-વિજ્ઞાની યશપાલ સુંદરિયાલ કહે છે કે, અમારા પહાડો પર જેટલાં પણ નિવાસ છે તે જૂના નિયમોના આધારે નિર્માણ પામ્યા છે. આ ઇમારતોની નીચે કોઈ ઠોસ જમીન નથી, બલકે પથ્થરોના મોટાં મોટાં ટુકડા છે. આના પર ઇમારત ચણતા પહેલાં તે પથ્થર અને માટીથી ભરવામાં આવે છે. હવે જ્યારે ભારે વરસાદ થાય છે ત્યારે આ પથ્થર અને માટી પાણીને જમીનમાં લઈ જાય છે અને તે કારણે પહાડ નબળા પડે છે. જેમાં વેક્યુમ ક્રિએટ થાય છે અને પછી તેના પર બનેલાં સ્ટ્રક્ચરને તે નુકસાન પહોંચાડે છે અથવા તો તે જમીન ધસી જાય છે. આવાં અનેક કારણો છે જેમાંથી કેટલાંકની અહીં ચર્ચા થઈ શકી છે. આ વિસ્તારોને સુરક્ષિત કરવા માટે પહાડોને કુદરતને ઓળખવી પડશે, જેનાથી આપણે સતત દૂર જઈ રહ્યા છે, કારણ કે આપણને વિકાસ કરવો છે અને તે પણ ઝડપભેર.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular