કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ ‘અનએકેડેમી’ દ્વારા ગત્ અઠવાડિયે એક શિક્ષકને બરતરફ કરવાનો મુદ્દા અંગે ખાસ્સો વિવાદ થયો છે. વિવાદ સાથે સંકળાયેલા શિક્ષકનું નામ છે કરન સાંગવાન અને બરતરફ કરવાનું કારણ આપવામાં આવ્યું કે તેમણે વર્ગખંડમાં એમ કહ્યું કે, કોઈ પણ નિરક્ષર વ્યક્તિને વોટ ન આપવો. પ્રથમ દૃષ્ટિએ તો કરન સાંગવાનની આ ટિપ્પણી કોઈ રીતે ગંભીર નથી લાગતી. પરંતુ ‘અનએકેડમી’ને તે ગંભીર લાગ્યું અને તેમણે આ પગલું ભર્યું. આ વિવાદને સમજીએ તે પહેલાં તેમાં જે પક્ષકારો છે તેમની પૃષ્ઠભૂમિ જાણી લઈએ. ‘અનએકેડમી’ મલ્ટીનેશનલ કંપની છે, જે ઓનલાઈન શિક્ષણ આપે છે. તેનું હેડક્વાટર બેંગ્લોરમાં છે અને 2021માં તેની આવકનો આંકડો ચારસો કરોડ સુધી પહોંચ્યો હતો. આઠ વર્ષ જૂની આ કંપનીના સ્થાપકોમાં ત્રણ નામો છે : ગૌરવ મુંજાલ, હેમેશ સિંઘ અને રોમન સૈની. ‘અનએકેડમી’ અનેક પ્રકારના ક્લાસ ચલાવે છે અને તેમાં ‘UPSC’ અને અન્ય કઠિન સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ છે. સૌપ્રથમ આ વિવાદ જાહેરમાં આવ્યો ત્યારે ‘અનએકેડમી’ના સ્થાપકોમાંથી એક રોમન સૈનીએ સોશિયલ મીડિયા પર પોસ્ટમાં લખ્યું કે, “અમે શૈક્ષણિક પ્લેટફોર્મ છીએ અને તેથી ગુણવત્તાસભર શિક્ષણ આપવા માટે પ્રતિબદ્ધ છીએ. આ માટે અમે કેટલાંક ખૂબ કડક માપદંડ ઘડ્યા છે, જેથી વિદ્યાર્થીઓને તઢસ્થ રીતે જ્ઞાન મળી શકે. વર્ગખંડ એવી જગ્યા નથી જ્યાં તમે વ્યક્તિગત મત ન દર્શાવી શકો, આ પ્રકારના વલણથી વિદ્યાર્થીઓ પર ખોટી અસર થાય છે. કરન સાંગવાને અમારા નિયમોનો ભંગ કર્યો છે, તેથી અમે જુદા પડીએ છીએ.”

કરન સાંગવાનના જે વિડીયોના કારણે આ વિવાદ થયો તેમાં તેઓ કહે છે કે, “એક ચીઝ યાદ રખના અગલી બાર અપના વોટ દો તો કિસી પઢે લિખે ઇન્સાન કો દેના. યે સબ દુબારા જીવન મેં ન ઝેલના પડે. નેક્સ્ટ ટાઇમ યાદ રખીએગા. એસે ઇન્સાન કો ચૂને જો પઢાલિખા હો, જો ચીજો કો સમજ સકે. એસે ઇન્સાન કો ન ચૂન, જીસે બદલના આતા હો, જીસે નામ ચેન્જ કરના આતા હો.” કરન સાંગવાન જે કહે છે તેવી અને તેનાથી ગંભીર ટિપ્પણી વર્ગખંડમાં થતી હોય છે. પરંતુ આ કિસ્સામાં કરન પર તવાઈ આવી તેનું કારણ તેઓ ઓનલાઈન ક્લાસ લઈ રહ્યા હતા, જે કારણે તેમણે જે કહ્યું તે વિડીયોમાં કેદ થયું હતું. આ રીતે કરનનો પૂરો કિસ્સો છેક સ્થાપકો સુધી પહોંચ્યો અને તેઓએ કરનને નોકરી પરથી કાઢવાનો નિર્ણય લીધો. આના પછી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પણ ટ્વિટ આવી અને તેમણે કરનનો પક્ષ લઈને ટ્વિટ કરી.
જોકે કરન સાંગવાનના આ વિવાદ પછી તેમના કેટલાંક અગાઉના વિડીયો પણ વાઇરલ થયા, જેમાં એક વિડીયોમાં તેઓ ‘ઇન્ડિયન એવિડન્સ એક્ટ’ની ચર્ચા કરી રહ્યા છે, જેનું નામ હવે બદલીને ‘ભારતીય સાક્ષ્ય અધિનિયમ’ કરવામાં આવ્યું છે. આ ચર્ચા દરમિયાન કરન એક્ટ બદલાયો છે પણ તેનાં અંદરની કોઈ જોગવાઈ આપણે બદલી શકીશું નહીં તેમ કહે છે. આ ઉપરાંત, ‘ઇન્ડિયન એવિડન્સ એક્ટ’ને સમજનારો વર્ગ પણ ઓછો છે તેવો તે દાવો કરે છે. તેમનું કહેવું છે કે ‘ઇન્ડિયન એવિડન્સ એક્ટ’ સરસ રીતે ઘડાયેલો છે. કરનની આ બધી વાતોમાં ક્યાંકને ક્યાંક હાલની સરકાર પ્રત્યેનું વલણ દેખાય છે અને ‘અનએકેડેમી’ને તે બાબતની વાંધો પડ્યો લાગે છે.

હવે આ પૂરા મુદ્દાને લઈને બે સ્પષ્ટ ભાગ પડે છે. એક જેઓ એમ માને છે કે કરન સાંગવાને વર્ગખંડમાં જે કહ્યું છે તેમાં કશુંય ખોટું નથી. આ રીતે વર્ગખંડમાં ચર્ચા થવી જોઈએ અને કરન સાંગવાન કોઈનું નામ પાડીને કશુંય બોલ્યા નથી અને આ રીતે દલીલ કરનારાઓ એમ પણ કહે છે કે જો આ રીતે નાની-નાની વાતોમાં વર્ગખંડોમાં અંકુશ લાવવામાં આવે તો શિક્ષકનું કામ મુશ્કેલ થઈ જશે અને ઘણાં વિષયોમાં શિક્ષકો વિદ્યાર્થીઓને વાસ્તવિક અને વ્યવહારનું જ્ઞાન નહીં આપી શકે. જેમ કે આજના સંદર્ભમાં રાજકીય કે સમાજ વિશે જ્ઞાન આપવું હોય તો શિક્ષકે ઉદાહરણો ટાંકવા પડશે અને જો શિક્ષક તેમ કરે તો તેમને પૂર્વગ્રહ ધરાવીને ભણાવે છે તેમ કહેવું અયોગ્ય ગણાશે. હવે બીજી તરફનો વર્ગ એવું માને છે કે વર્ગખંડમાં સંસ્થાએ નક્કી કરેલા નિયમો મુજબ જ ભણાવવું જોઈએ. મતલબ કે શિક્ષકને એવો કોઈ અધિકાર નથી કે તે પોતાનાં કોઈ પણ વલણ વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરે અને વિદ્યાર્થીઓ તેનાથી પ્રભાવિત થાય. કરનના વિવાદમાં કેટલાંકનું એમ પણ કહેવું છે કે શિક્ષકે પોતાના શબ્દો પ્રત્યે સતર્ક રહેવું જોઈએ.
શિક્ષણના બજારમાં હવે જે રીતે મોટાં મોટાં પ્લેટફોર્મ આવ્યા છે તેઓના સ્થાપકો બધા જ વર્ગખંડમાં શું થાય છે તેનું ધ્યાન રાખી શકતા નથી. આ પૂરી વ્યવસ્થા કેન્દ્રિયકરણની છે. એક જગ્યાએ હેડક્વાર્ટરમાં સ્થાપકો બેસે છે અને ત્યાંથી તેઓ પૂરા દેશના ક્લાસીસનું મેનેજમેન્ટ કરે છે. તેમની પાસે ટેકનોલોજી દ્વારા બધું મેનેજ કરવાની વ્યવસ્થા પણ છે, પરંતુ કન્ટેન્ટની કે કોઈ વિષયની વાત આવે છે ત્યારે તેમાં એકેએક વર્ગખંડમાં શું થાય છે તે મોનિટર કરવું કોઈ પણ હિસાબે શક્ય નથી. આ કારણે આવાં પ્લેટફોર્મ કોડ ઓફ કન્ડક્ટ ઘડે છે અને તે મુજબ જ વિદ્યાર્થીઓને શિક્ષકે ભણાવવું જોઈએ તેવા નિર્દેશ કરે છે. પરંતુ આવાં નિયમોથી વર્ગખંડમાં ઉત્સાહ રહે કે નહીં તે પ્રશ્ન છે. ઓનલાઈન શિક્ષણ આપનારાંઓમાં આવી ગફલત અવારનવાર થાય છે. આ તો કરન સાંગવાન હતા, જેઓએ ‘અનએકેડેમી’ના પ્લેટફોર્મ પરથી આ વાત કહી અને તેમની નોકરી ગઈ. પરંતુ આવાં પ્લેટફોર્મના સ્થાપકોમાંથી જ કોઈની આવી કોમેન્ટ આવી જાય ત્યારે માફી માગવા સિવાય કોઈ ચારો રહેતો નથી. વિકાસ દિવ્યકિર્તી જે દેશના જાણીતાં ઓનલાઈન પ્લેટફોર્મ ‘દૃષ્ટિ’ના શિક્ષક છે, તેમનાથી પણ ક્લાસમાં રામાયણના સીતા પાત્ર વિશે થયેલી ટિપ્પણીથી ખૂબ વિવાદ થયો હતો. વિકાસ દિવ્યકિર્તી UPSC પરીક્ષાની ટ્રેનિંગ આપે છે, તેમનું નામ દેશભરમાં જાણીતું છે. ગત્ વર્ષે તેમણે એક ઓનલાઈન ક્લાસમાં એમ કહ્યું કે, ‘હે સિતે તુમ્હે એસા લગતા હૈ કી યુદ્ધ મૈંને તુમ્હારે લિએ લડા હૈ તો તુમ્હારી ગલતફહમી હૈ. યુદ્ધ તુમ્હારે લિએ નહીં લડા હૈ. યુદ્ધ અપને કુલ કે સમ્માન કે લિએ લડા હૈ. ઔર રહી તુમ્હારી બાત, જૈસે કુત્તે દ્વારા ચાટેં જાને કે બાદ ઘી ભોજન યોગ્ય નહીં રહેતા. વૈસે તુમ મેરે યોગ્ય નહીં હો.’ આ વિવાદ થયો તે પછી વિકાસ દિવ્યકિર્તીએ લલ્લનટોપ ન્યૂઝ પર તેમના આ કથન વિશે સ્પષ્ટતા આપી છે. તેઓ પૂરી વાત વિસ્તૃત રીતે મૂકે છે તેની ચર્ચા તો અહીં થઈ નહીં શકે. પરંતુ તેમની વાતમાં તેઓ તુલસીદાસના સ્ત્રી અને દલિતો પ્રત્યેના વલણોને જવાબદાર ઠેરવે છે અને સાથે એમ પણ કહે છે કે મેં જે વાત કહી છે તે કોઈ નવી વાત નથી. તુલસીદાસના આ વલણના ડાબેરી કે પ્રગતિશીલ લોકો પણ ટીકાકાર રહ્યા છે. આ કિસ્સામાં વિકાસ દિવ્યકિર્તીએ સંદર્ભ સાથે વાત મૂકી હોવા છતાં તેઓ ટ્રોલ થયા અને તેમણે સ્પષ્ટતા માટે ન્યૂઝ ચેનલોના સ્ટુડિયો સ્ટુડિયોમાં ફરવું પડ્યું. પરંતુ વિકાસ દિવ્યકિર્તીના કિસ્સામાં એમ હતું કે તેઓ પોતે જાણીતાં છે અને મજબૂત આઇએએસ સેન્ટર ચલાવી રહ્યા છે. પછી તો તેમના તરફેણમાં લાખો વિદ્યાર્થીઓ આવ્યા અને આ પૂરો મુદ્દો શમી ગયો.

જોકે કરન સાંગવાનનો કિસ્સો વિકાસ દિવ્યકિર્તી કરતાં વેગળો છે. તેમણે અન્ય પ્લેટફોર્મ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા અને તેનું નુકસાન તેમને ભોગવવું પડ્યું. પરંતુ પૂરા કિસ્સાનો બોધ એટલો જ છે કે વર્ગખંડમાં શું ચર્ચા થાય છે તે વિશે પ્લેટફોર્મ કે સંસ્થા ચોક્કસ માહિતગાર હોવી જોઈએ. પરંતુ વર્ગખંડના ચર્ચામાં જો કડક નિયંત્રણ મૂકવામાં આવે તો તેનાથી છેલ્લે નુકસાન વિદ્યાર્થીઓને થશે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








