નવજીવન ન્યૂઝ. સુરત: Surat News: ઓનલાઈન ઠગાઈના (Cyber Crime) અનેક કિસ્સા આપણે અવારનવાર સાંભળતા હોઈએ છીએ. પરંતુ ઠગો પણ સમયાંતરે પોતાની મોડસ ઓપરેન્ડી બદલતાં રહેતાં હોય છે. આવી જ એક નવી પદ્ધતિથી ઠગોએ લગભગ 3500થી વધુ લોકોને ઠગીને લગભગ 400 કરોડ જેટલી માતબર રકમ આંચકી લીધી છે.
આ ઘટનામાં પોલીસ પોતે પણ ભોગ બની છે. જેમાં સુરત મહાનગરપાલિકાના 10 જવાનો અને સુરત પોલીસના 4 કર્મીઓ સહિત 14 લોકએ PLCU-ULTIMA નામની કંપનીમાં ક્રિપ્ટો કરન્સીમાં (Cryptocurrency) એકના ત્રણ ગણા મેળવવાની લાલચમાં 65.70 ગુમાવવાનો વારો આવ્યો છે. આ છેતરપિંડી આચરનારી ટોળકીએ સરકારી કર્મચારી સિવાય પણ વલસાડ, નવસારી, બારડોલી, ભરૂચ, વાપી અને સુરતમાં 3500થી વધુ લોકોને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી શરૂઆતના વર્ષમાં 3 થી 5 ટકા લઈ વર્ષે 40 ટકા કમિશનના સપના બતાવી 400 કરોડથી વધુની ઠગાઈ આચરી છે.
ઘટનાની માહીતી અનુસાર, પુણા પોલીસ ચોકી નજીક શિવમ કોમ્પલેક્ષમાં રહેતા અને હેડ કવાર્ટરમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા ભવાનસિંહ મોરીને એક પોલીસકર્મીએ વિનોદ નિશાદ સાથે માર્ચ 2022માં મુલાકાત કરાવી હતી. ત્યારબાદ વિનોદ અને તેની સાથીદાર પંપા બરૂન દાસ નામની મહિલાએ PLCU-ULTIMA નામની કંપનીમાં રોકાણ કરવાની વાત કરી હતી. ઠગોએ પોલીસને કહ્યું હતું કે, “તમે અમારી કંપનીમાં જેટલું રોકાણ કરશો તેટલા રૂપિયા તમને 3 મહિનામાં પરત મળી જશે. તેમજ 1 વર્ષમાં જે રોકાણ હશે તેની 3 ગણી રકમ પરત મળશે. તથા બીજા રોકાણકાર લાવશો તો તેમાંથી કમિશન અને બોનસ પણ મળશે.”
આ કંપનીએ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણની વાત કરતાં, તેમના પર વિશ્વાસ કરીને લોકોએ 1.17 કરોડનું રોકાણ કર્યુ હતું. પછી ઠગ ટોળકીએ પોલીસકર્મીને શરૂઆતમાં 15 હજાર પછી 18 હજાર એમ કરી ટુકડે ટુકડે કરી 1.50 લાખ પરત આપ્યા હતા. ત્યાર પછી પોલીસકર્મીએ રૂપિયા કમાવવાની લાલચમાં આવી 27એપ્રિલ 2022થી 23જૂન 2022 સુધીમાં 3.80 લાખનું રોકાણ કરાવી PLCU કોઈન ટ્રાન્સફર કરી આપ્યા હતા.
ભવાનસિંહ મોરીએ ફરિયાદ આપતાં સાયબર ક્રાઇમે PLCU-ULTIMA કંપનીના વિનોદ નીશાદ(36) (રહે,હાઉસિંગ બોર્ડ, રાંદેર, મૂળ રહે,જોનપુર, યુ.પી.), મહેન્દ્રસિંહ ઉદેસિંહ સીસોદીયા (34) (રહે,વેસુ ફાયર સ્ટેશન,વેસુ,મૂળ રહે,ચુંથાના ગામ, મહિસાગર) અને મહિલા પંપા બરૂન દાસ (34) (રહે, રૂચી ટાઉનશીપ, ઈચ્છાપોર, મૂળ રહે, પ. બંગાળ)ની ધરપકડ કરી છે.
પોલીસે આરોપી અમર વાઘવા, વિનોદ નિશાદ, અમરજીત નિશાદ, સુનિલ મોર્ય અને પંપાદાસ નામની મહિલા સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. આરોપી વિનોદ અગરબત્તીનો ધંધો કરે છે, મહેન્દ્રસિંહ પાલિકામાં ફાયરબિગ્રેડનો ડ્રાઇવર છે. ઉપરાંત મહિલા પંપાદાસ ઓનલાઇન હર્બલ પાવડરનો ધંધો કરે છે. બીજી તરફ ભોગ બનેલા વિક્રમસિંહ પરમાર, ભવાનસિંહ મોરી સુરત પોલીસ હેડ ક્વાર્ટરમાં, ગોવિંદસિંહ રાઠોડ મહિધરપુરા પોલીસમાં અને રાજેશ મરાઠે પાંડેસરા પોલીસમાં ફરજ બજાવે છે. ચારેય પોલીસકર્મીઓ કોન્સ્ટેબલ છે. જ્યારે બાકીના 10 પાલિકાના ફાયરના જવાનો છે.
કોના કેટલા રૂપિયા ગયા?
પોલીસ ભવાનસિંહ મોરી 3.80 લાખ, વિક્રમસિંહ પરમાર 2.66 લાખ,ગોવિંદસિંહ રાઠોડ 1.50 લાખ,રાજેશ મરાઠે 4.70 લાખ,ફાયરના જવાન મનહરસિંહ ઝાલા 4.80 લાખ,વનરાજસિંહ ચૌહાણ 1.83 લાખ,મહેન્દ્રસિંહ રાઠોડ 1.53 લાખ,તુલસીદાસ પંડ્યા 16.00 લાખ,દિનેશ દાફડા 3 લાખ,ભરતદાસ ગઢવી 1.60 લાખ,બળવંત મકવાણા 18 લાખ,વિરેન્દ્ર પ્રસાદ 2 લાખ, દેવલ ચૌહાણ 1.35 લાખ,જયેશગીરી ગોસ્વામી 1.43 લાખ. આમ કુલ 65.70 લાખ રૂપિયાની છેતરપિંડી પોલીસ અને પાલિકાના કર્મચારીઓ સાથે થઈ છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








