નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: Gandhinagar News: તાજેતરમાં જ વિશ્વસિંહ દિવસની (World Lion Day) ઉજવણી દેશભરમાં કરવામાં આવી હતી. એવામાં રાજ્યનાં પાટનગરમાં એક સિંહનું મૃત્યુ (Lion Death) થવાના સમાચાર સામે આવી રહ્યા છે.
રાજ્યના પાટનગરમાં આવેલા ઇન્દ્રોડા પાર્કમાં (Indroda Park) એશિયાઇ સિંહની જોડીને જૂનાગઢ શક્કરબાગ ઝૂમાંથી (Sakkarbaugh Zoo Junagadh) 2018માં લાવવામાં આવી હતી. જૂનાગઢથી 10 વર્ષના સુત્રા નામના સિંહ અને આઠ વર્ષની ગ્રીવા નામની સિંહણની જોડીને ઈન્દ્રોડા પાર્કમાં લાવવામાં આવી હતી. હવે 15 વર્ષીય સુત્રા નામના સિંહનું વૃદ્ધાવસ્થાનાં કારણે મુત્યુ થતાં ગ્રીવા નામની સિંહણ એકલી પડી છે. છેલ્લા ઘણા સમયથી વૃદ્ધાવસ્થાનાં કારણે સુત્રા સિંહની તબિયત સારી રહેતી ન હતી. ઇન્દ્રોડા પાર્કમાં સુત્રા નામના સિંહનું વૃદ્ધાવસ્થાનાં કારણે મુત્યુ થતાં પોસ્ટમોર્ટમ કરીને ગાંધીનગર ખાતે અંતિમ ક્રિયા કરવામાં આવશે.
ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં અગાઉ વર્ષ 2001માં એક સિંહ હતો. બાદમાં ઇન્દ્રોડા પાર્કમાં સુત્રા-ગ્રીવાની જોડીને લાવવામાં આવતાં બંનેએ મુલાકાતીઓમાં આગવું આકર્ષણ જમાવ્યું હતું. ત્યારે ગ્રીવા નામની સિંહણને પેટમાં ઇન્ફેક્શન થઈ જવાને કારણે તેનો જીવ જોખમમાં મુકાયો હતો. આખરે ડોક્ટરોની ટીમે તેનો જીવ બચાવવા માટે ગર્ભાશય કાઢી નાંખવું પડ્યું હતું. બીજી તરફ સુત્રા નામના સિંહની ઉંમર પણ 15 વર્ષની થઈ ગઈ હતી. સિંહની વૃદ્ધાવસ્થાની ઉંમર 15–16 વર્ષની ગણવામાં આવે છે. એ રીતે સુત્રાને વૃદ્ધાવસ્થા આવી ગઈ હતી. જેનાં કારણે તેની તબિયત પણ નાદુરસ્ત રહેતી હતી.
આ બંન્નેના ખોરાકની વાત કરીએ તો ઝૂ ઓથોરિટી દ્વારા સુત્રાને રોજનું આઠેક કિલો મટન અને ગ્રીવાને રોજનું છ કિલો જેટલું મટન આપવામાં આવતું હતું. આજે તબીબોની ટીમ દ્વારા સિંહનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું છે અને પ્રોટોકોલ મુજબ માન સન્માન સાથે ગાર્ડ ઓફ ઓનર આપીને તેની અંતિમક્રિયા કરવાની ઝૂ ઓથોરિટી દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.








