Sunday, May 3, 2026
HomeBusinessસોનાના ભાવ ૧૯૦૩ ડોલરનું સપોર્ટ લેવલ તોડયા પછી ૧૮૮૪ ડોલર થઈ શકે

સોનાના ભાવ ૧૯૦૩ ડોલરનું સપોર્ટ લેવલ તોડયા પછી ૧૮૮૪ ડોલર થઈ શકે

- Advertisement -

હવે પછીની આર્થિક રાજકીય ઘટનાઓ સોનાના ભાવ નિર્ધારણમાં મહત્વની ભૂમિકા નિભાવશે

અમેરિકાનો ફુગાવો લક્ષ્યાંક ગણતરી કરતાં બે ગણો ઊંચો ચાલી રહ્યો છે

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ) : સ્પષ્ટપણે સોનું સતત માંગની અસ્ક્યામત છે, પણ જો ટૂંકાગાળાનું અનુમાન કરી તો આજે ભાવ કયા છે તેનો વિચાર જરૂર આવે. પણ બુલિયન ડિલરો હવે એવું વિચારવા લાગ્યા છે કે નજીકના ભાવિષ્યમાં ભાવને નીચે જવાની જગ્યા બની છે. લાંબાગાળાના આશયથી જોઈએ તો સોનામાં તેજી ભરેલી પડી છે, પણ અત્યારે બજારને એક મજબૂત કરેક્શનની આવશ્યકતા છે. અમેરિકન ફેડરલ રિઝર્વ ચેરમેન જેરોમ પોવેલે અમેરિકન સંસદીય સમિતિ સમક્ષ જે કેફિયત રજૂ કરી, તેનાથી સોનાને જાખપ લાગવી જરુરી થઈ પડી છે. પોવેલે કહ્યું કે અમેરિકાનો ફુગાવો અમારી લક્ષ્યાંક ગણતરી કરતાં બે ગણો ઊંચો ચાલી રહ્યો છે, અને તેથી આ વર્ષે હજુ બે વખત વ્યાજદર વધારવાની આવશ્યકતા છે. 

શુક્રવારે ન્યુયોર્ક કોમેક્સ ઓગસ્ટ વાયદો ૫.૯૦ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) વધીને ૧૯૨૯.૬૦ ડોલર સેટલ થયો હતો. તે અગાઉના સત્રમાં ભાવ તૂટીને ૧૯૧૯.૮૫ ડોલર થયો, જે મધ્ય માર્ચ પછીની નવી બોટમ હતી. હાજર બજાર, જેને મહત્તમ ટ્રેડરો અનુસરતા હોય છે તે પણ શુક્રવારે ૬ ડોલર વધી ૧૯૧૯.૮૫ ડોલર મુકાયો હતો. ગુરુવારે હાજર ભાવ ત્રણ મહિનાની બોટમે ૧૯૧૦.૩૧ ડોલર બોલાયો હતો. ૩૦ એપ્રિલે બેન્ચમાર્ક વાયદો ૨૦૮૫.૪૦ ડોલર વાર્ષિક ઊંચાઈએ અને ૨૩ ઓકટોબર ૨૦૨૨ના રોજ ૧૬૧૮.૩૦ ડોલરના વાર્ષિક તળિયે હતો.

- Advertisement -

સાપ્તાહિક રીતે જોઈએ તો ભાવ જાન્યુઆરી ૨૦૨૨ પછી પહેલી વખત સૌથી વધુ ઝડપથી ૨.૧ ટકા અને ઘટયા હતા. માસિક ધોરણે ૫.૩૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો. બુલિયન એનાલિસ્ટ અમિર કોલંબોવાલાનું માનવું છે કે ટૂંકાગાળામાં ભાવ ૧૯૦૩ ડોલરનું સપોર્ટ લેવલ તોડયા પછી, ૧૮૮૪ ડોલર થઈ શકે છે. અલબત્ત, જો બજારમાં જોખમનું પ્રમાણ વધી જશે તો, રોકાણકારો સલામતીની શોધમાં સોનામાં સરણ લેશે. જે ભાવને અનાપસનાપ ઊંચે લઈ જશે.

અત્યારે તો અમેરિકન ડોલરમાં રોકાણ એ મહત્તમ માન્યતા પ્રાપ્ત અસ્ક્યામત છે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડએ વેગથી વધતાં ફુગાવાને કાબુમાં લેવાના ઇરાદાથી વ્યાજદર અડધો ટકો વધારી નાખતા તેના છાંટા ડોલર ઇંડેસ્ક પર ઊડ્યાં હતા અને તે એક સપ્તાહની ઊંચાઈએ જઈ બેઠો. પરિણામે સોનામાં રોકાણ અપીલ ઘટી હતી અને ભાવને તોડવાની શરૂઆત કરી હતી. અમેરિકાએ સતત ૧૦ વખત વ્યાજદર વધારીને ૫.૨૫ ટકાની ઉચાઈએ પહોંચાડ્યા તેની કરતાં વધુ યુકે સેન્ટ્રલ બેન્કે સતત ૧૩ વખત વ્યાજદર વધાર્યા હતા.

સેન્ટ્રલ બેન્ક ઓફ નૉર્વે, સ્વીઝરલેન્ડ, અને તુર્કી પણ વ્યાજદર વધારી દીધા છે અને અમેરિકન ફેડ પણ વર્ષાન્ત પહેલા બે વખત વ્યાજદર વધારવાની છે, આ બધી ઘટનાઓના સંકેત એ છે કે સોના માટે વધુ નકારાત્મક ભૂમિકા નિભાવનાર સાબિત થશે. પણ જો અમેરિકામાં આર્થિક વૃધ્ધિનો વિષય ચિંતાનો વિષય બને તો સોનું ફરી સલામત મૂડીરોકાણનું સાધન બની શકે છે.

- Advertisement -

વ્યાપક રીતે જોઈએ તો જેરોમ પોવેલએ અમેરિકન સાંસદ સમક્ષ આપેલી કેફિયત અને અમેરિકન કોર પીસીઈ પ્રાઇસ ઇંડેક્સ આ સપ્તાહે પણ સોનાના ભાવ પર સારી એવી અસર સ્થાપિત કરશે. સોનાના ભાવ પાછલા મહિને સાંકડી વધઘટે નીચેની તરફ જઈ અથડાયા પછી, અત્યારે ત્રણ મહિનાની બોટમે ચાલી રહ્યા છે, હવે પછીની આર્થિક રાજકીય ઘટનાઓ ભાવ નિર્ધારણ કરવામાં મહત્વની ભૂમિકા નિભાવશે.

(અસ્વીકાર સુચના: commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular