નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં ફરી એકવાર સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડા પાડી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો પાડતા ફરીવાર સ્થાનિક પોલીસ ઊંધતી ઝડપાઈ છે. અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો કરી લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો છે. સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ઝડપેલો બુટલેગર શહેરના પોસ વિસ્તારમાં દારૂની હોમ ડિલિવરીની પણ સુવિધા આપતો હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ઔડાના આવાસ ક્રિષ્નાધામ પાર્ટ 2માં દારૂનો જથ્થો બુટલેગરે રાખ્યો હોવાની જાણકારી સ્ટેટ મોનિટરીંગ સેલને મળી હતી. માહિતીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલના પોલીસ સબ ઈન્સપેક્ટર એમ. આર.બુખારીની ટીમ દ્વારા સ્થળ પર દરોડો કરવામાં આવતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દરોડો પાડીને દારૂની 365 બોટલ ઝડપી પાડી છે. જેની અંદાજીત કિંમત રૂપિયા 1.08 લાખ જેટલી થાય છે. બુટલેગર જે કારમાં દારૂની ડિલિવરી કરવા માટે જતા હતા તે કારને પણ પોલીસે કબ્જે કરીને કુલ 7,42,850 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે આવાસના મકાનમાં દરોડો કરી દારૂના જથ્થા સાથે હર્ષદ ઠાકોરને ઝડપી પાડ્યો છે. જ્યારે આરોપી સુરેશ, પુર્વીલ ઠાકોર સહિત પાંચને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના પોશ વિસ્તારોમાં બુટલેગર દારૂની હોમ ડિલિવરીની પણ સુવિધા આપતા હોવાની વાતથી સૌ કોઈ માહિતગાર છે. જોકે સ્થાનિક પોલીસને આવા બુટલેગરની ભાળ નથી મળતી કે તે જાણીને અજાણ રહે છે તે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે.
સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડાના એક બે દિવસ પહેલા જ સોશિયલ મીડિયા પર વીડિયો સાથેના લખાણનો એક મેસેજ વાયરલ થયો હતો. જેમાં લખ્યું હતું કે, સેટેલાઈટના જોધપુર વિસ્તારમાં વર્ષોથી દારૂનો ધંધો ચાલી રહ્યો છે, શું કરી રહી છે પોલીસ? સેટેલાઈટ વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂના ધંધો ચાલી રહ્યો છે આ દારૂનો ધંધો ચલાવનાર બીજુ કોઈ નથી પરંતુ એક ક્રિમિનલના પત્ની છે, તેઓનું નામ દંતાણી લતા છે લતાબેનના પતિ બહુ જ મોટા ક્રિમિનલ છે, તેઓના ડરથી પોલીસ પણ ત્યાં આવતા ગભરાય છે, કેટલાક પોલીસ કર્મચારીઓને ભુપત દંતાણીએ ખુલ્લેઆમ મારેલા છે, ભુપત દંતાણીના ખોફથી પોલીસ પણ ગોપાલ આવાસમાં આવતા થરથર કાપે છે, આ દારૂનો ધંધો બીજે કાંઈ નહીં પરંતુ જોધપુર વિસ્તારમાં આવેલા ગોપાલ આવાસની અંદર ૫ અને ૬ નંબરના બ્લોક ની અંદર ચાલી રહ્યો છે આ દારૂ પીવાથી કેટલાક પરિવારો ઉજડી ગયા છે, કેટલાક પરિવારોના સદસ્ય મરી રહ્યા છે નાના નાના બાળકો બાપ વગરના થઈ ગયા છે.
આ મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયાના એક બે દિવસ બાદ સ્ટેટ મોનિટરીંગ સેલએ આનંદ નગર પોલીસ સ્ટેશનમાં દરોડો પાડ્યો હતો. સ્ટેટ મોનિટરીંગ સેલનો દરોડો પડ્યા બાદ સ્થાનિક પોલીસ સફાળી જાગી હતી અને વાયરલ થયેલા મેસેજમાં જે બુટલગરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તેની વિરૂધ્ધ દેશી દારૂનો કેસ નોંધવામાં આવ્યો છે. ત્યારે અહીં સવાલ થાય કે લોકો જાગૃત થઈને સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરે ત્યાર બાદ જ પોલીસ કાર્યવાહી કરશે?








