નવજીવન ન્યૂઝ. સુરત: સુરતના (Surat) પાંડેસરા વિસ્તારમાં બે દિવસ અગાઉ પૈસાની લેતી-દેતી મામલે હત્યાની ઘટના સામે આવી હતી. જ્યાં 100 રૂપિયા ઉછીના આપેલા પૈસા પરત માગતાં યુવક અને આરોપી વચ્ચે માથકૂટ થઈ હતી. જેમાં આરોપી ઉછીના લીઘેલા પૈસા પરત આપવા ઈચ્છતો ન હતો. જ્યારે યુવકે પૈસાની માગણી કરતા આરોપી ઉશ્કેરાયો હતો અને તકરાર કરી યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યાર બાદ આરોપીએ ઝઘડાની અદાવત રાખી જ્યારે યુવક રૂમમાં મોડી રાત્રે ઉંઘી રહ્યો હતો, તે દરમિયાન આરોપીએ યુવકના માથાના ભાગે પથ્થરના ઘા મારી તેની હત્યા નિપજાવી ભાગી ગયો હતો. સમ્રગ ઘટનાની જાણ પાંડેસરા પોલીસને (Pandesara Police) થતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને લોહીલુહાણ હાલતમાં પડેલા યુવકના મૃતદેહને પોસ્માર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. તેમજ આરોપીની શોધખોળ માટે પોલીસે અલગ-અલગ ટીમ બનાવી તપાસ કરતા આરોપી જે સાઈટ પર કામ કરતો હતો, ત્યાં ગાર્ડનમાંથી મળી આવ્યો હતો. આ મામલે પાંડેસરા પોલીસે આરોપીની ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
બનાવની વિગત મુજબ સુરતના પાંડેસરામાં સિદ્ધાર્થનગર ઝુપડપટ્ટીમાં રહેતા અને કારખાનામાં કામ કરતા કર્મચારી મનોરંજ ઉર્ફે મુન્ના અને ભીખા સ્વાંઈ બંને રૂમ પાર્ટનર હતા અને સારા મિત્રતા પણ હતા. થોડાક દિવસ અગાઉ ભીખા સ્વાંઈએ મુન્ના પાસેથી 100 રૂપિયા ઉછીના માગ્યા હતા. જે બાદ મુન્નાએ 100 રૂપિયા આપ્યા હતા. બે દિવસ પહેલા મુન્નાએ ભીખા સ્વાંઈને આપેલા 100 રૂપિયા પરત માગ્યા હતા. જોકે ભીખો પૈસા આપવા ઈચ્છતો ન હતો. જેને લઈ તેણે મુન્ના સાથે માથકૂટ કરી હતી. બંને વચ્ચે હાથપાઈ થતા રૂમના અન્ય લોકોએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો. ભીખાએ મુન્નાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાંજના ઝઘડાનો ખાર રાખી ભીખાએ રાત્રિના સમયે જ્યારે મુન્નો રૂમમાં સૂઈ રહ્યો હતો, તે દરમિયાન ભારે પથ્થર લાવી મુન્નાના માથના ભાગે મારી ભાગી ગયો હતો. મુન્નાને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતુ. ઘટનાને પગલે રૂમના અન્ય સાથીદારો પણ દોડી આવ્યા હતા. સમ્રગ હત્યા મામલે પાંડેસરા પોલીસ જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. યુવકના લોહીલુહાણ હાલતમાં પડેલા મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે સુરતની સિવિલ હોસ્પિટલ મોકલી આપી આરોપીને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
પાડેંસરા પોલીસે હત્યા કરી ભાગી ગયેલા આરોપી શોધવા પોલીસની અલગ-અલગ ટીમ બનાવી આજુબાજુના CCTV કેમેરા તપાસ્યા હતા. આ દરમિયાન પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે બાતમી મળી હતી કે, પાંડેસરા વિસ્તારમાં રૂમ પાર્ટનરની હત્યા નિપજાવી ભાગી ગયેલો આરોપી તેના જૂની સાઈટ સચિન વિસ્તાર પાસે ગાર્ડનમાં ઉંઘી રહ્યો છે. આ બાતમીના આધારે પાંડેસરા પોલીસે દરોડો પાડી આરોપીને ગાર્ડનમાંથી દબોચી પાડ્યો હતો.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








