નવજીવન ન્યૂઝ. સુરેન્દ્રનગર: Surendranagar News: રાજ્યમાં વધુ એક જગ્યા પરથી મોફેડ્રોન ડ્રગનો (MD Drugs) જથ્થો ઝડપાયો છે. જે ડ્રગનો જથ્થો કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગના (Lawrence Bishnoi Gang) સાગરીતો પાસેથી ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે પોલીસ ચોપડે ફરાર ત્રણ આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગરમાં ફરાર આરોપીઓ દ્વારા ડ્રગના જથ્થાનો સંગ્રહ કરવામાં આવ્યો હોવાની બાતમી સુરેન્દ્રનગર પોલીસને મળી હતી. જે બાતમી મળતા સુરેન્દ્રનગર પોલીસ (Surendranagar Police) દ્વારા અલગ-અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન બાતમી મળી હતી કે સુરેન્દ્રનગર પોલીસે સુરેન્દ્રનગરના શિવસંગાથ હિલ્સ નામના એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 104માં આરોપીઓ ડ્રગના જથ્થા સાથે છુપાયેલા છે. જે બાતમીના આધારે સુરેન્દ્રનગર એલ.સી.બી.ના પી.આઈ. વી.વી. ત્રિવેદીની ટીમ દ્વારા ફ્લેટમાં દરોડો કરવામાં આવતા 176 ગ્રામ મેફેડ્રોન ડ્રગ સાથે આરોપીઓ ઝડપાયા હતા. પરંતુ મહત્વની વાત છે કે પોલીસને જણાવ્યા મુજબ આ ડ્રગના આરોપીઓનું કનેક્શન કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથે છે. તેમજ ઝડપાયેલા ત્રણેય આરોપીઓ અગાઉ પણ કેટલાય ગુના આચરી ચૂક્યા છે અને પોલીસ ચોપડે ફરાર તરીકે નોંધાયેલા છે.
પોલીસે મેફેડ્રોન ડ્રગના જથ્થા સાથે ઝડપી પાડેલા આરોપી અક્ષય રામકુમાર ડેલુ, અંકિત વિષ્ણુરામ કાંકકડ, અને વિક્રમસિંહ બળવંતસિંહ જાડેજાની પુછપરછ હાથ ધરી ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. આ મામલે પોલીસે જણાવ્યું છે કે, ઝડપાયેલા આરોપીઓમાંના અંકિત કાંકકડ અને અક્ષય ડેલુ મૂળ પંજાબના રહેવાસી છે. તેમજ બંને આરોપીઓ વિરૂધ્ધ રાજસ્થાનના ગંગાપૂરમાં રૂપિયા 50 લાખની ખંડણી માગવાના આરોપ સબબ કેસ નોંધાયેલો છે અને આ ગુનામાં બંને આરોપીઓ ફરાર છે. જ્યારે ત્રીજો આરોપી વિક્રમસિંહ બળવંતસિંહ જાડેજા મૂળ કચ્છના અબડાસાના વાંકુ ગામનો રહેવાસી છે. વિક્રમસિંહ પણ વર્ષ 2017માં કચ્છના જખૌમાં થયેલી હત્યાનો દોષિત છે. આરોપી વિક્રમસિંહ રાજકોટની સેન્ટ્રલ જેલમાં કેદ હતો દરમિયાન તે પેરોલ મેળવી જેલ બહાર આવ્યો હતો અને ત્યારથી તે ફરાર થઈ ગયો છે.
આમ સમગ્ર મામલે સુરેન્દ્રનગર પોલીસે ગુનો નોંધી ત્રણેય આરોપીની રૂપિયા 17 લાખ 60 હજારની કિંમતના 176 ગ્રામ ડ્રગ સાથે ધરપકડ કરી છે. હાલ પોલીસ આરોપીઓની પુછપરછ કરી આ ડ્રગનો જથ્થો કોણે આપ્યો હતો અને કોને આપવાનો હતો તેમજ સુરેન્દ્રનગર સુધી કેવી રીતે પહોંચ્યો તે દિશામાં તપાસ કરી રહી હોવાની માહિતી મળી રહી છે. જેથી આગામી દિવસોમાં આ ડ્રગ મામલે નવા ખુલાસા થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








