Friday, June 26, 2026
HomeNavajivan CornerLink In Bio‘આઈએએસ’ની પરીક્ષામાં ઊતીર્ણ થવા માટે શ્રેષ્ઠ ડિજિટલ શિક્ષકો!

‘આઈએએસ’ની પરીક્ષામાં ઊતીર્ણ થવા માટે શ્રેષ્ઠ ડિજિટલ શિક્ષકો!

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ‘ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ’[આઇએએસ]નું પરીણામ આવી ચૂક્યું છે અને તેમાં બાજી મારનારા વિદ્યાર્થીઓનાં જેમ ઇન્ટરવ્યૂ થઈ રહ્યા છે, તેમ તેમને ભણાવનારા શિક્ષકોને પણ સફળતા માટે આપેલા ‘ગુરુમંત્ર’ વિશે ન્યૂઝ ચેનલો પૂછી રહી છે. ‘યુપીએસસી’ દ્વારા લેવાતી ‘ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ’માં જોડાવા અર્થે ઉમેદવારોએ સૌથી અઘરી પરીક્ષા આપે છે. આ પરીક્ષામાં ઉમેદવારોની સંખ્યા છ લાખની આસપાસ હોય છે અને અંતે તેમાંથી એક હજાર ઉતીર્ણ થાય છે. આ ટફ પરીક્ષા આપવા માટે દેશભરમાં જે શિક્ષકોની બોલબાલા છે, તેમાંના એક છે ડૉ. વિકાસ દિવ્યકિર્તી. તેઓ ‘આઈએએસ’ની કોચિંગ કરાવતી ‘દૃષ્ટિ આઈએએસ’ના સ્થાપકોમાંના એક છે.

Best Digital Teachers For Crack IAS
Best Digital Teachers For Crack IAS

મૂળે હરિયાણાના વિકાસ દિવ્યકિર્તી હિંદી સાહિત્યમાં એમએ, એમફીલ અને પીએચડી કર્યું છે. યૂટ્યુબ પર તેમના ફોલોઅર્સની સંખ્યા બાવીસ લાખ છે. આ તો તેમની વ્યક્તિગત યૂટ્યુબ ચેનલ છે. જ્યારે તેમના ‘દૃષ્ટિ આઈએએસ’ ઇન્સ્ટિટ્યૂટના યૂટ્યુબના એકાઉન્ટન્ટના સબસ્ક્રાઇબરની સંખ્યા એક કરોડની આસપાસ છે. તેમના ફોલોઅર્સની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે અને વિકાસ દિવ્યકિર્તીની લોકપ્રિયતા પણ વધી રહી છે, તેનું કારણ વિકાસ દિવ્યકિર્તી કોઈ એક વિષય પર નહીં બલકે અનેક વિષયો પર વિદ્યાર્થીઓને સમજ આપી શકે છે. એવું કહેવાય છે કે તેઓ દર્શનશાસ્ત્ર, ઇતિહાસ, મનોવિજ્ઞાન, સામાજિક મુદ્દા અને રાજકીય બાબતો પર સારી પકડ ધરાવે છે. આ ઉપરાંત, વર્ષોના અનુભવ પરથી તેઓ વિદ્યાર્થીઓને સાચી દિશા અંગે પણ માર્ગદર્શન આપે છે. વિકાસ દિવ્યકિર્તી ‘આઇએએસ’ પરીક્ષા માટે એક પેકેજ છે અને તેથી જ તેમના નામે અત્યારે ‘દૃષ્ટિ આઈએએસ’ નામની એક મસમોટી ઇન્સ્ટિટ્યૂટ નિર્માણ થઈ ચૂકી છે. બીજું કે તેઓ ભણાવાની એક અલગ શૈલી છે, જેમાં તેમનું સેન્સ ઑફ હ્યુમર તો જોવા મળે જ છે. સાથે તેઓ વિદ્યાર્થીઓમાં શાંત અને સરળ સ્વભાવના કારણે પણ જાણીતાં બન્યા છે. યૂટ્યુબ પર તેમના વિડિયો ખૂબ જોવાય છે અને માત્ર ‘આઈએએસ’ની તૈયારી કરનારાં જ નહીં, બલકે જેઓને પણ કોઈ વિષય અંગે વિસ્તૃત સમજ મેળવવી હોય તો તે રીતે પણ તેમના વિડિયો પ્રચલિત થયા છે. વિકાસ દિવ્યકિર્તીનું નામ દિલ્હીમાં અને ‘આઇએએસ’ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓમાં તો જાણીતું હતું, પરંતુ તેઓનો ગ્રાફ વધુ ઉપર ચઢ્યો તે કોરોનાના કારણે. કોરોનામાં તેમના વિડિયો વધુ વાઇરલ થયા. તેઓએ અવનવા વિષયો લઈને વિડિયો બનાવ્યા. આજે દેશભરમાં એક અચ્છા શિક્ષક તરીકે વિકાસ દિવ્યકિર્તીનું નામ જાણીતું છે. જોકે આટલું નામ જાણીતું હોવા છતાં તેમના નામે વિવાદ નથી. વિવાદના નામે તેમણે સીતા અંગે કરેલી એક ટિપ્પણી કરી હતી, તે છે. શિક્ષણ આપવા પ્રત્યેનો તેમનો ઉદાર અભિગમના કારણે તેઓ કેટલાંક લોકોના ટારગેટ પર જરૂર છે, પરંતુ અત્યારે તેમનું સૌથી મોટું જમા પાસું તેમની પાસે યુવાન બૌદ્ધિક વર્ગની મસમોટી સંખ્યા છે, જેમાંથી અનેક લોકો દર વર્ષે ‘આઇએએસ’ની કેડરમાં જાય છે.

- Advertisement -
Best Digital Teachers For IAS Exam Crack
Best Digital Teachers For IAS Exam Crack

એવું બીજું નામ છે તે શુભ્રા રંજનનું. શુભ્રા રંજનની ઓળખ એ રીતે પણ વિશેષ બની જાય છે કે તેઓએ આ વખતે ‘યુપીએસસી’ પરીક્ષામાં ટોપર રહેનારી ઇશિતા કિશોરને માર્ગદર્શન આપ્યું છે. આ ઉપરાંત આ અગાઉ પણ ટોપ કરનારી ટીના ડાભી નામની વિદ્યાર્થીનીના પણ તેઓ માર્ગદર્શક રહ્યાં છે. શુભ્રા રંજનની યૂટ્યુબ ચેનલ્સના ફોલોઅર્સની સંખ્યા પણ સાડા ત્રણ લાખની આસપાસ છે અને તેઓ જનરલ સ્ટડીઝનું પેપર ભણાવે છે. તેમના પેજ ઉપર જુદા જુદા વિષયના નવસો જેટલાં વિડિયો ઉપલબ્ધ છે, જેનાથી ‘આઇએએસ’ કક્ષાનું જ્ઞાન અર્જિત કરી શકાય છે. વિકાસ દિવ્યકિર્તીની જેમ તેઓ વિદ્યાર્થીની મનોસ્થિતિ સારી રીતે જાણે છે અને ‘યુપીએસસી’ માટે સફળતા માટે સૌથી મોટો ગુણ દરેક વિદ્યાર્થી સાચી દિશામાં કેટલો પ્રયાસ કરે છે તેમ માને છે. બીજું કે તેઓ સાતત્ય અને વિશ્વાસને પણ પરીક્ષામાં અપિઅર થવાનો મોટો ગુણ ગણાવે છે. ન્યૂ ઇન્ડિયા માટે આ શિક્ષકોની ભૂમિકા ખૂબ અગત્યની છે, કારણ કે તેઓ આજે સૌની પહોંચમાં છે અને તેઓ સારું એવું જ્ઞાન પિરસે છે, જેના થકી જ ભવિષ્યના નાગરીકો તૈયાર થશે.

સૌથી અગત્યની વાત આ શિક્ષકોની એ છે કે તેઓ માત્ર ભણાવતાં નથી, તેમની પાસે મોટી ઇન્સ્ટિટ્યૂટ છે. તેઓ દેશભરમાં સેન્ટર ચલાવી રહ્યા છે. હજારો લોકોને નોકરી આપી રહ્યા છે અને સાથે સાથે એક આર્થિક ચક્ર પણ ચલાવે છે. આશ્યર્યની વાત તો એ છે કે તેઓની નામના ન્યૂઝ મીડિયામાં પણ જોવા મળે છે. જેવું ‘યુપીએસસી’ના રિઝલ્ટ આવ્યા તે જ દિવસે તેમના ઇન્ટરવ્યૂ લેવાવા લાગ્યા. આમાં એક નામ અવધ ઓઝાનું છે. અવધ ઓઝાની પોતાની વેબસાઇટ છે અને તેમાં ઇતિહાસના ઓપ્શનલની છ મહિનાની ફી 25,000 દર્શાવી છે. આ ઉપરાંત, તેમના કેટલાંક વિડિયો ‘અનએકેડ઼ેમી’ નામની સાઇટ પર પણ જોવા મળે છે.

આમાં સૌથી જુદું તરી આવતું નામ પટનાના ‘ખાન સર’નું આવે છે. તેમની પાસે યૂટ્યુબ પર સબસ્ક્રાઇબરની સંખ્યા બે કરોડની આસપાસ છે! ઉત્તરના રાજ્યોમાં ‘યુપીએસએસી’ પરીક્ષા માટે એક ક્રેઝ જોવા મળે છે, તેમાં પણ બિહાર રાજ્યમાં ખાસ. ખાન બિહારથી આવે છે અને તેથી તેમને ખૂબ મોટી સંખ્યા મળી છે. બીજુ કે તેઓ એકદમ સરળ ભાષામાં જ્ઞાન પિરસે છે તેથી પણ તેમના વિડિયો ખૂબ ચાલી રહ્યા છે. કોરોનાની શરૂઆતમાં ખાનના ફેનફોલોવિંગની સંખ્યા ખૂબ ઓછી હતી, પણ આજે તેઓ ભારતભરમાં જાણીતા બન્યા છે. તેમની ખાન જીએસ રિસર્ચ સેન્ટર માત્ર ‘આઈએએસ’ની જ નહીં અન્ય પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવે છે. આ બધા શિક્ષકોએ જ્ઞાનગંગાને વહાવી રહ્યા છે અને તેનો લાભ દેશભરના વિદ્યાર્થીઓને મળી રહ્યો છે. અહીં એ નોંધવું રહ્યું ઘણાં આ શિક્ષકોના યૂટ્યુબ વિડિયો વિનામૂલ્યે જોવા મળે છે. એક સમય હતો જ્યારે ઘણાં વિદ્યાર્થીઓ માટે સારાં શિક્ષકો પહોંચની બહાર હતા, જે આજે તેમના મોબાઇલમાં સરળતાથી ઉપલબ્ધ છે.

- Advertisement -

કેટલાંક એવાં પણ શિક્ષકો છે કે જેઓ ‘આઈએએસ’ બનીને વિદ્યાર્થીઓને તૈયારી કરાવતા હોય અથવા તો તેમના ઇન્ટરવ્યૂ લઈને તેમને તાલીમ આપે. તેમાં એક નામ તનુ જૈનનું છે. તનુ જૈન હાલમાં સૈન્યના એક વિભાગ ‘ડિઆરડિઓ’માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કાર્યરત છે. અને સાથે સાથે તેઓ ‘દૃષ્ટિ’માં તેઓ મોક ઇન્ટરવ્યૂ લે છે. આ ઇન્ટરવ્યૂ દ્વારા ઉમેદવારની સારી એવી પ્રેક્ટિસ થાય છે. એવું કહેવાય છે તેમણે ‘આઈએએસ’ માટે જ્યારે પ્રથવાર પરીક્ષા આપી હતી ત્યારે પ્રિલિમ પરીક્ષા માત્ર બે મહિનાની તૈયારીથી પાસ કરી હતી. મોક ઇન્ટરવ્યૂમાં ટીના ડાભીનું નામ ખાસ્સું જાણીતું બન્યું છે.

2021માં જ્યારે ‘આઇએએસ’ પરીક્ષાનું પરિણામ આવ્યું હતું ત્યારે ‘જામિયા માલિયા ઇસ્લામિયાના રેસિડેન્સિઅલ કોચિંગ’ એકેડેમીનું નામ ખૂબ ચર્ચામાં રહ્યું હતું. કારણ કે 2021માં ટોપ કરનારી ઋતિ શર્માએ ત્યાંથી જ કોચિંગ મેળવ્યું હતું. અહીંના પ્રોફેસર આબિદ હલીમનું નામ યૂટ્યુબ પર કે અન્ય જગ્યાએ સરળતાથી જાણવા નહીં મળે. પરંતુ તેઓના એક ઇન્ટરવ્યૂમાં તેઓ સ્પષ્ટ રીતે ‘આઇએએસ’ની ટ્રેનિંગમાં શું ધ્યાન રાખવું તે જણાવે છે. આ ઉપરાંત પણ રાષ્ટ્રિય અને સ્થાનિક સ્તરે એવાં અનેક લોકો મળશે જેઓ શ્રેષ્ઠ કક્ષાનું જ્ઞાન પિરસી રહ્યા છે. જોકે તેઓ હજુ પણ સોશિયલ મીડિયામાં એટલાં જાણીતાં નથી બન્યા, જેટલાં ઉપર જેઓની ચર્ચા કરી છે તે શિક્ષકો બન્યા છે. આ સિવાય અન્ય વિષયોમાં પણ કેટલાંક શિક્ષકો યૂટ્યુબ પર ખાસ્સા પ્રચલિત છે. જેમ કે આઈઆઈટી અને આઈએમએમ જેવી ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ મેળવવા માટે પણ પ્રવેશ પરીક્ષા આપવાની થાય છે ત્યારે તે વિષય સંદર્ભે પણ કેટલાંક શિક્ષકો યૂટ્યુબ પર પ્રચલિત છે, તેમની વાત ફરી ક્યારેક….

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular