કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): 1915માં દક્ષિણ આફ્રિકાથી ગાંધીજી ભારત આવ્યા પાછા આવ્યા અને તે પછી દેશભરમાં પ્રવાસ કરતી વેળાએ તેમણે જૂન, 1916માં મુંબઈના એમ્પાયર થિયેટરમાં ‘વર્તમાનપત્રોની સ્વતંત્રતા રક્ષણ માટે અને વર્તમાનપત્રો અંગેના કાયદાનો વિરોધ કરવા માટે’ ભાષણ આપ્યું હતું. વિશ્વભરમાં આજે લોકશાહી અને અખબારી સ્વાતંત્ર્ય માટેનો વિકટ સમય છે અને જે પત્રકારો તે માટે લડી રહ્યા છે અને આજે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે છે, ત્યારે ગાંધીજીનું આ ભાષણ અખબારી સ્વાતંત્ર્યના પક્ષકારો માટે ખાસ વાંચવા જેવું છે.
અધ્યક્ષ મહાશય, વહાલાં ભાઈઓ અને બહેનો,
હું જોઉં છું કે મેં મારું ભાષણ ગુજરાતીમાં શરૂ કર્યું એટલે આ હૉલમાં કેટલાક લોકોને હસવું આવે છે. આપ જાણો છો કે આપણે સ્વરાજ્ય લેવું છે; અને જ્યારે તે મળશે ત્યારે, આપ કબૂલ કરશો કે, આપણે આપણો સઘળો કારોબાર ગુજરાતી ભાષામાં જ ચલાવવો પડશે. જે કરોડો લોકોને માટે આપણે સ્વરાજ્ય ચલાવવાનું થશે, તેમની સાથે અંગ્રેજીમાં વ્યવહાર કરવાનું અશક્ય છે. કેમ કે તેઓ અંગ્રેજી બિલકુલ જાણતા નથી. બેશક એટલું સાચું છે કે આ સભામાં આપણે જે લોકો સમક્ષ બોલવાનું છે તેમાંના મોટા ભાગના લોકો અંગ્રેજી ભાષા બોલનારા છે. એમની સમક્ષ મારી પોતાની માતૃભાષામાં બોલવાનું આ સભામાં સાહસ કરવા બદલ હું એમની ક્ષમા માગું છું.
…રજૂ કરવા માટે મને આપવામાં આવેલો ઠરાવ આ પ્રમાણે છે:
નેક નામદાર સમ્રાટના વફાદાર અને કાયદાનું પાલન કરનાર હિંદી પ્રજાજનોની આ સભા માને છે કે એક સ્વસ્થ અને પ્રગતિશીલ રાજ્ય માટે અનિયંત્રિત સાર્વજનિક વર્તમાનપત્રો હોવાં એ પ્રથમ આવશ્યકતા છે અને એક સંસ્કારી પ્રજાના યોગ્ય રાજકીય તથા નૈતિક વિકાસ માટે એ જરૂરી છે. આ સભા એમ પણ માને છે કે જાહેરજીવનનાં તમામ અંગો સુધી સ્વતંત્રતાને વિસ્તારવી અને તેને જાળવી રાખવી એ લોકોની પ્રગતિ તથા સંતોષની તેમ જ લોકો અને સરકાર વચ્ચેના પરસ્પર વિશ્વાસની અચૂક બાંયધરી છે. આમ હોઈ આ સભા સરકારને વિનંતી કરે છે કે આ દેશનાં વર્તમાનપત્રોને વિચાર પ્રકટ કરવાની વધારેમાં વધારે સ્વતંત્રતા હોવી જોઈએ, એમના પર માત્ર સામાન્ય કાયદાનો અંકુશ રહે તે પૂરતું છે; અને જો તેમને શિક્ષા કરવાની હોય તો તેમના પર રીતસર કામ ચલાવી, તેઓ દોષિત ઠરે તે પછી જ તે કરવી જોઈએ.
આજ સુધી ઉચ્ચ દરજ્જાના પત્રકારો આ પ્રેસ ઍક્ટને નિર્દોષ અને નિરુપદ્રવી સમજતા હતા. હકીકતમાં સરકારે જ્યારે આ કાયદો મંજૂર કર્યો ત્યારે નામદાર વાઇસરૉય તથા ગવર્નર જનરલની લૅજિસ્લેટિવ કાઉન્સિલના ચૂંટાયેલા સભ્યોને એ મુજબનું વચન અપાયું હતું. એ સભ્યોએ એ વચનને આધારે જ આ કાયદાનો સ્વીકાર કર્યો હતો. તેમને ખાતરી આપવામાં આવી હતી કે આ કાયદાનો ઉપયોગ માત્ર ગુનેગાર પત્રકારો સામે જ કરવામાં આવશે, પરંતુ न्यू इन्डियाની બાબતમાં અત્યારે જે બન્યું છે તે ઉપરથી કહી શકાય કે આ વચન ભ્રમણારૂપ હતું. સરકારે મિસિસ ઍની બેસન્ટ ઉપર હુમલો કર્યો હોઈ આ કાયદાના ખરા સ્વરૂપ વિશેનો આપણો ભ્રમ ભાંગી ગયો છે. આ પ્રસંગને લીધે આ કાયદાના ખરા સ્વરૂપનું આપણને ભાન થયું છે. આ કાયદાને આધારે જ્યારે પ્રતિષ્ઠિત પત્રકારો પર જુલમ થઈ રહ્યો હોય, તો પછી સલામતી ક્યાં રહી? એવું કહેવાય છે કે અત્યારે આપણી સરકાર સંકટમાં સપડાયેલી છે એ વાત ધ્યાનમાં રાખો. સાથે સાથે એ પણ ધ્યાનમાં રાખો કે આ દેશના અમે લોકો એવું કહીએ છીએ કે સરકારને માટે જે હાલત સંકટમય છે તે અમારે માટે પણ સંકટમય છે. અને તેમ છતાં આ સ્થિતિમાં પણ જો સરકાર આપણને આવા સખત કાયદાઓના સકંજામાં જકડવા તૈયાર થતી હોય, તો યુદ્ધ પૂરું થયા બાદ આપણી શી હાલત થશે? ત્યારે આપણું શું થશે તે તો વિધાતા જ જાણે! હાલમાં આપણી આ સ્થિતિને વશ થયા સિવાય આપણે બીજું કરી પણ શું શકીએ? અત્યારે તો આપણું કર્તવ્ય આટલું જ છે. આપણે એટલું સમજી હિંમત રાખીએ કે આપણી હાલની સ્થિતિ ભવિષ્યમાં અવશ્ય સુધરશે. સુધરવી જ જોઈએ.
મને આ સભાઓમાં અને આ ઠરાવોમાં શ્રદ્ધા નથી. આવી સભાઓ ભરવી અને એમાં આવા ઠરાવો પસાર કરવા એ કેવળ સમયની બરબાદી છે. પણ ત્યારે આપણે બીજું કરી પણ શું શકીએ? આપણે, પરાધીન લોકો, અમુક વિષય વિશેના આપણા વિચારોની નોંધ લઈએ, તે સિવાય આપણી સામે બીજો કોઈ વિકલ્પ નથી. અને તેથી જ હું આપનું નિમંત્રણ મળતાં અહીં આવ્યો છું. મને લાગે છે કે આ બાબતમાં કંઈક કરવું જોઈએ, આપણે કંઈક એવું કરવું જોઈએ જેને પરિણામે આપણી ફરિયાદ સરકારના કાન સુધી પહોંચી શકે. આ વિષયમાં આપણે આપણી લાગણીઓ વ્યક્ત કરવાની દૃષ્ટિથી અહીંયાં ગમે તેટલું બોલીએ તેમ છતાં એ એક શંકા વિનાની હકીકત છે કે આપણે આ જુલમી કાયદાને કારણે આપણા મનમાં ખરેખર જે લાગણી અનુભવી રહ્યા છીએ તેનો સોમો ભાગ પણ વ્યક્ત કરી શકીએ તેમ નથી. આપણે વર્તમાનપત્રો વાંચીએ છીએ. હા, જરૂર વાંચીએ છીએ. પરંતુ આપને એ વાતની ખાતરી છે ખરી કે આપ એમાં તંત્રીના સાચા વિચારો વાંચી રહ્યા છો? હું એવું નથી માનતો. લેખકોના સ્વતંત્ર વિચારો પ્રસિદ્ધ કરવામાં આવતા નથી. જે કંઈ પ્રસિદ્ધ કરવામાં આવે છે તે એથી ઊલટું જ હોય છે. એટલે એમ કહી શકાય કે વર્તમાનપત્રોમાં જે કાંઈ છપાય છે તેનો ઊલટો અર્થ તારવવાનું વધારે સારું છે. હું જરા પણ અતિશયોક્તિ કરતો નથી. હું પોતે ઘણાં વર્ષો સુધી એક વર્તમાનપત્રનો તંત્રી રહ્યો છું; એટલે મારા જાતઅનુભવ પરથી કહી શકું છું કે પોતાનું કર્તવ્ય સારી રીતે બજાવવા જતાં તંત્રીને કેવી કેવી મુસીબતો વેઠવી પડે છે. વર્તમાનપત્રો ઉપર કંઈક નિયંત્રણ રાખવું જરૂરી છે, એ વાત સામે હું વાંધો ઉઠાવતો નથી, પરંતુ એમાં એટલું યાદ રાખવું જોઈએ કે નિયંત્રણનો અમલ કરવા જતાં વિવેક અને મર્યાદા ભુલાવાં ન જોઈએ. મારો ઝઘડો બિનજરૂરી નિયંત્રણ સામે છે. સરકારી અધિકારીઓએ નજીવાં કારણોસર લોકોના પોતાના વિચારો પ્રકટ કરવાના અધિકાર પર પ્રતિબંધ નહીં મૂકવો જોઈએ. પ્રતિબંધનો અર્થ એ થાય કે લોકો પરસ્પર વિરોધી અથવા ભ્રામક વિચારો તરફ ખેંચાય છે. પરિણામે લોકો મારી સરકારના શત્રુ બને છે. મારી સાચી લાગણીઓ રૂંધાઈ જાય છે; હું એને છૂટથી દર્શાવી શકતો નથી; હું જે કાંઈ અનુભવું છું તેનાથી ઊલટું લખું છું. આવા કાયદાઓને લીધે આપણા દેશના ૩૦ કરોડ લોકોને આપણા શાસકો પ્રત્યે વિશુદ્ધ પ્રેમ જન્મતો નથી. હિંદુસ્તાનમાં શુદ્ધ ન્યાય અપાવો જોઈએ. સરકાર આપણા ટ્રસ્ટી કે સંરક્ષક જેવી છે. સાચું કહું તો મને ‘ટ્રસ્ટી’ શબ્દ ગમતો નથી. હિંદુસ્તાન હવે બાલ્યાવસ્થામાં નથી. એટલે એને ટ્રસ્ટી કે સંરક્ષકની જરૂર નથી. હિંદુસ્તાન દુનિયાના સૌથી પ્રાચીન દેશોમાંનો એક છે; તે એક સૌથી અનુભવસંપન્ન દેશ છે; શું એના લોકોને માટે એમ કહેવું વાજબી છે કે તેઓ અનુભવરહિત છે અથવા તેઓ બાલ્યાવસ્થામાં છે? ના, અમો હિંદીઓને સંરક્ષકની કશી ગરજ નથી. અમારે માત્ર એટલી જ ગરજ છે કે તે અમને શુદ્ધ ન્યાય આપે. અમો હિંદુસ્તાનના લોકો જે રીતે હાનિકારક વૃત્તિઓથી મુક્ત છીએ તે જ રીતે વિચારોમાં ઉદાર પણ છીએ; અમે જે કંઈ છીએ તે એટલું જ કે અમે નિરુત્સાહી છીએ. પરંતુ તેમ છતાં અમે બેવફા બનવાનો અપરાધ કદી નહીં કરીએ. આ સંજોગોમાં, જે કંઈ ન્યાયી અને સાચું હોય તે કરવાની સરકારને મારી વિજ્ઞપ્તિ છે. જો એટલું કરવામાં આવશે, તો આ સભાઓની કશી જરૂર રહેશે નહીં. આ થઈ સર્વસામાન્ય વિનંતી. વર્તમાનપત્રોના લેખકો વતી સરકારને મારી એક ખાસ વિનંતી એવી છે કે “વિખ્યાત સંપાદકો અને માલિકોને હેરાન કરશો નહીં.” હું એમ પણ કહું છું કે “આપ જેવી ઉદારતાથી અંગ્રેજ લોકો સાથે વ્યવહાર રાખો છો. એવી જ ઉદારતાથી અમારી સાથે પણ વ્યવહાર રાખો. અમો હિંદીઓ દંભી પ્રજા નથી.” અમે તો સંસ્કારી, ભલા અને સભ્ય લોકો છીએ. હું વર્તમાનપત્રોના મારા લેખકબંધુઓને કહું છું: ‘‘આપને જે કંઈ કહેવું હોય તે ખુલ્લંખુલ્લા કહેજો.” એ આપણું કર્તવ્ય છે. આપણી જાત પર શ્રદ્ધા રાખીને આપણે આપણાં દુઃખો બહાર લાવવાં જોઈએ; હા, આપણે એ ભૂલવું ન જોઈએ કે આપણે એ કાર્ય વિવેક અને સંયમની અમુક મર્યાદામાં રહીને કરવાનું છે. જ્યારે જ્યારે આપણી સમક્ષ કોઈ રાજકીય સંકટ આવીને ઊભું રહે, ત્યારે ત્યારે આપણને જે કાંઈ લાગે તે અને આપણે જે કહેવું હોય તે બને તેટલા સ્પષ્ટ શબ્દોમાં કહેવું, એમાં કદી પાછા નહીં પડવું. આ રીતે સ્પષ્ટ બોલવા માટે તથા આપણા કાર્યનું પ્રામાણિક સમર્થન કરવા માટે સરકાર જો આપણને શિક્ષા કરે તો તે કરવા દેવી. બૂરામાં બૂરો નતીજો આવે તોપણ તેઓ શું કરી શકવાના હતા? બહુ બહુ તો તેઓ આપણા જાન લઈ લેશે. બહુ સારું, જો તેઓ આપણા જાન લઈ લેશે તો આપણા આત્મા મુક્ત થશે.








