નવજીવન ન્યૂઝ. નરોડા: અમદાવાદના નરોડા વિસ્તારમાં અલગ-અલગ તારીખે 4 જેટલી યુવતીઓની ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે યુવતીઓના માતા-પિતાની ફરિયાદની અધારે શોધ ખોળ હાથધરી હતી. જેમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના જુદા-જુદા રાજ્યમાંથી યુવતીઓને શોધવા પોલીસને મોટી સફળતા હાથલાગી છે. પોલીસે જણાવ્યા અનુસાર આ યુવતીઓનું ગુમ થવા પાછળનું કારણ સ્વેછાએથી ઘર છોડી જતી રહી હોવાની વાત સામે આવી છે. પોલીસે ટેકનિકલ સર્વલન્સ અને મોબાઈલ લોકેશન ટ્રેક કરી યુવતીઓને શોધી અમદાવાદમાં લાવવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નરોડા પોલીસ સ્ટેશન ખાતે ચાર જેટલી યુવતીઓ અલગ-અલગ સમયગાળા દરમિયાન ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં એક યુવતી 2022 અને બીજી ત્રણ યુવતીઓ 2023ના 1 થી 4 મહિના સમયગાળામાં ગુમ થઈ હતી. આ ફરિયાદોની ગંભીરતાને જોતા નરોડા પોલીસ ઇન્સપેકટરના માર્ગદર્શન મુજબ અલગ-અલગ 3 જેટલી ટીમ કામે લગાડવામાં આવી હતી. યુવતીઓના મોબાઈલ લોકેશન ટ્રેસિંગ કરતાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં હોવાની જાણકારી મળી હતી. મોબાઈલ લોકેશનના અધારે પોલીસ યુવતીઓ સુધી પહોંચી હતી. જેમાંથી એક યુવતી 2022 ગુમ થઈ હતી, જે રાજસ્થાનથી મળી આવી છે. બીજી યુવતી 2023ના પહેલા મહિનામાં ગુમ થઈ હતી, તે મહારાષ્ટ્રના સાંગલીમાંથી મળી આવી હતી. ત્રીજી યુવતી 2023ના ત્રીજા મહિનામાં ગુમ થઈ હતી, જે સુરતના મહેશ્વરી સોસયટી કઠવાડાથી મળી આવી હતી અને ચોથી યુવતી 2023ના ત્રીજા મહિનામાં ગુમ થઈ હતી, જે મહારાષ્ટ્રના ઈસ્ટ મુંબઈ ખાતેથી મળી આવી હતી. આ તમામ યુવતીઓને અમદાવાદ લાવવામાં આવી છે.
જે અંગે પોલીસે યુવતીઓને ગુમ થયાની અંગેની પૂછપરછ કરતા યુવતીઓએ સ્વેછાએ ઘર છોડી જતી રહી હોવાની વાત કહી હતી. પોલીસે ચાર જેટલી ગુમ થયેલી યુવતીઓને પરિવાર સાથે મિલાપ કરાવ્યો છે. નરોડા પોલીસી આ સરાહનીય કામગીરીની ચારેકોર પ્રશંસા થઈ રહી છે. યુવતીઓના માત-પિતાએ પણ પોલીસનો આભાર વ્યકત કર્યો હતો અને પોલીસને સાચા અર્થમાં પ્રજાના રક્ષક ગણાવ્યા હતા.