કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ‘આઇપીએલ’નો કેફ જ્યારે દેશભરમાં પ્રસર્યો છે ત્યારે ‘અ કોપ ઇન ક્રિકેટ’ નામનાં પુસ્તક પર નજર કરવા જેવી છે. પુસ્તકના લેખક નિરજ કુમાર ઇન્ડિયન ક્રિકેટ બોર્ડ્સના એન્ટિ કરપ્શન યુનિટના ચીફ રહી ચૂક્યા છે, તે અગાઉ નિરજ કુમાર દિલ્હી શહેરના પોલીસ કમિશ્નરના પદે હતા. પુસ્તકમાં નિરજ કુમારે લખ્યું છે તેનાથી ક્રિકેટ વહિવટની ગેરરીતિ ઉઘાડી પડે છે. તેઓનું માનવું છું કે, અનેક પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન આપવાનું ક્રિકેટ વહિવટમાં જરાસરખું બનતું નથી અને બધાં પોતાના વ્યક્તિગત લાભને અનુસરીને જ વર્તે છે. નિરજ કુમાર તો ત્યાં સુધી કહે છે કે, ‘બીબીસીઆઈ’ના વહિવટી પાંખની અધ્યક્ષતા કરતાં પૂર્વ કમ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ(કૅગ)ના વિનોદ રાય, સુધ્ધાએ ક્રિકેટ ભ્રષ્ટાચાર અહેવાલ પ્રત્યે આંખ આડા કાન કર્યા હતા. ક્રિકેટ સંબંધિત આવી ઘણી બાબતો ‘અ કોપ ઇન ક્રિકેટ’ પુસ્તકમાં સમાવિષ્ટ છે.
હવે ‘ઇન્ડિયન પોલીસ સર્વિસ’માંથી નિરજ કુમાર નિવૃત્ત થઈ ચૂક્યા છે. પણ તેઓની પ્રોફાઈલ જોતાં ખ્યાલ આવે કે તેમણે પોલીસ બેડામાં કેટલાંક અદ્વિતિય કાર્યો કર્યા છે. નિરજ કુમારે પોતાના કાર્યકાળમાં મીનાક્ષી અમ્મા મંદિર બ્લાસ્ટ, યુટીઆઈ કૌભાંડ, અમેરિકન કલ્ચરલ સેન્ટર પર હુમલો કરનાર અફતાબ અંસારીનું પ્રત્યાર્પણ જેવાં મહત્ત્વના કેસ ઉકેલ્યા છે. તેમની મજબૂત પ્રોફાઈલ જોઈને જ તેમને ‘બીસીસીઆઈ’માં એન્ટિ કરપ્શન યુનિટના સર્વેસર્વા બનાવવામાં આવ્યા હતા. તેઓ પુસ્તકના એક વિભાગમાં 2017માં કાનપુરમાં થયેલી મેચ વિશે વર્ણન કરે છે : “ઉત્તર ભારતમાં મે મહિનામાં તાપમાન સતત 40 ડિગ્રીથી ઉપર રહેતું હોય છે. આટલો તાપ હોવા છતાં કાનપુરના ક્રિકેટ રસિયાઓ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં એકઠાં થઈ રહ્યાં હતાં. દિવસ હતો 10 મે 2017. મેચ દિલ્હી ડેરડેવિલ્સ અને ગુજરાત લાયન્સ વચ્ચે હતી. એન્ટિ કરપ્શન સ્પેશિયલ યુનિટના સભ્યો તરીકે અમને પણ આ મેચ પ્રત્યે ઉત્સાહ હતો, પણ અમારા ઉત્સાહનું કારણ કંઈક બીજું હતું. મેચ અગાઉ અમને મેચ ફિક્સિંગની એક મહત્ત્વની માહિતી મળી હતી. અમને મળેલી ગુપ્ત માહિતીમાં બુકીઓના નંબર પણ હતા, જેઓ કાનપુર આવી ચૂક્યા હતા.”

આગળ તેઓ લખે છે કે, “તારીખ 9 મેના રોજ મેં દિલ્હીથી લખનઉની ફ્લાઈટ લીધી અને ત્યાંથી સીધો હું કાનપુર પહોંચવાનો હતો. એ દિવસની ગરમીમાં માર્ગ પરનો ડામર પીગળતો જોઈ શકાતો હતો. કારના ટાયરને ડામર ચોંટી રહ્યો હતો. આટલી ગરમીમાં રાહતની વાત એ હતી કે હું એર કન્ડીશન્ડ ટોયોટો ઇનોવામાં હતો. મને ગરમીની જરાસરખી અસર નહોતી, હું પડકારને પહોંચી વળવાની તૈયારી કરી રહ્યો હતો. મેચમાં થઈ રહેલાં ફિક્સિંગને મારે અટકાવવાનું હતું. અને શક્ય હોય તો ગુનેગારોની ધરપકડ કરવાની હતી. મેં તુરંત આકાશ કુલ્હારેનો ફોન કર્યો. આકાશ મારાં કરતા ત્રીસ વર્ષ જુનિયર હતો અને 2006ની બેચનો આઈપીએસ ઓફિસર હતો. તેનું પોસ્ટિંગ કાનપુરના સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ તરીકે થયું હતું. હું તેને ક્યારેય મળ્યો નહોતો. હું કાનપુરથી 45 મિનિટના અંતરે હતો ત્યારે મેં આકાશને ફોન જોડ્યો અને મારા વિશે જણાવ્યું.”
ઘટનાઓ ઝડપથી થઈ રહી હતી અને મેચ અગાઉ નિરજ કુમારને બુકીઓ સુધી પહોંચવાનું હતું. તેઓ આગળની ઘટના વર્ણવતાં લખે છે : “આકાશને કેટલાંક ફોનને ઇન્ટરસેપ્શનમાં લેવાનું કહ્યું. તેણે કહ્યું : ‘મને વધુમાં વધુ અડધો કલાક આપો.’ મેં કહ્યું : ‘હું તમને બે વોટ્સઅપ નંબર મોકલી રહ્યો છું. શક્ય હોય તો આ બંને નંબરને ઓબ્ઝર્વેશન હેઠળ લઈ લો.’ આકાશે કહ્યું : ‘ચોક્કસ’. સામાન્ય રીતે આવા કિસ્સામાં કોઈ પોલીસ ઓફિસર તમને કાર્યવાહી કરવાની ખાતરી આપતો નથી. પરંતુ આકાશ મને ઍક્શનનો માણસ લાગ્યો. જ્યારે મને લાગ્યું કે સ્થાનિક પોલીસ દ્વારા મને પૂરતી મદદ મળી રહી છે. મેં ઇન્ફોર્મર અંશુમનને કહ્યું કે તેઓ અન્ય ઇન્ફોર્મર સાથે કાનપુર આવે. લાંબી મુસાફરી બાદ તેઓ 2 : 30 વાગ્યાની આસપાસ કાનપુર આવ્યા. તેઓ હોટલ લેન્ડમાર્કમાં રોકાયા, જ્યાં બંને ટીમનો ઉતારો હતો. અંશુમન ને હું બ્રેકફાસ્ટ કરતી વેળાએ મળ્યા ત્યારે તેણે કહ્યું કે થાણે સ્થિત બુકી નયન શાહ પણ અહીં જ લેન્ડમાર્ક હોટલમાં રોકાયો છે. નયન શાહ કોઈક રીતે પિચને બગાડવાનું કામ કરવાનો હતો. તેના વતી આ કામ રમેશ સિંઘનો વ્યક્તિ કરવાનો હતો, જે ગ્રાઉન્ડ પર બ્રાન્ડિંગ કોન્ટ્રાક્ટર તરીકે પ્રવેશ ધરાવતો હતો.”
હવે આ પૂરા ઘટનાક્રમમાં કોઈ પણ વિચારી શકે કે ક્રિકેટમાં ફિક્સિંગ કેટલાં હદે પ્રવેશ્યું ચૂક્યું હશે કે તેમાં કોઈ એક બ્રાન્ડિંગ કોન્ટ્રાક્ટર જ સામેલ હોય. આ ઇન્ફોર્મેશન જેમ નિરજ કુમારને મળી હતી, તેવી રીતે કાનપુર પોલીસને પણ ફોન ઇન્ટરસેપ્શન દ્વારા આ માહિતી મળી. આગળ નિરજ લખે છે : “મેં નક્કી કર્યું કે સ્ટેડિયમમાં જઈને કોઈક રીતે રમેશ સિંઘને શોધીએ. મેં ફરી આઈપીએસ આકાશ કુલ્હારેને વિનંતી કરી કે ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં તેઓ પોતાના ઑફિસરને ડ્યૂટી પર મૂકે. શક્ય હોય તો યુનિફોર્મમાં, જેથી અમને જ્યારે જરૂર પડે અમે તેમને બોલાવી શકીએ. આકાશે અમારી સાથે ડ્યૂટી પરનાં ઇન્સ્પેક્ટરનો નંબર શેર કર્યો. હું અને અંશુમાન બંને સ્ટેડિયમ પર આવી પહોંચ્યા અને અમે રમેશ સિંઘની શોધખોળ આરંભી. મેચ શરૂ થવામાં કલાકેકનો સમય બાકી હતો. સૂરજ ઢળી રહ્યો હતો અને ફ્લડલાઇટ ચાલુ કરી દેવામાં આવી હતી. છેલ્લી મિનિટો દરમિયાન ફ્લેક્સ બોર્ડ અને વિનાયલ બેનરને આમથી તેમ લઈ જવામાં આવતા હતા. છેક સુધી કામ કરવાની આ ઇન્ડિયન સ્ટાઇલ છે.”
“પૂછપરછ કર્યા બાદ અમે રમેશ સિંઘને શોધવામાં સફળ રહ્યા. અમે તેને એન્ટિ કરપ્શનના ઑફિસરને ફળવાયેલા એક રૂમમાં લઈ ગયા. કેટલાંક યુનિફોર્મધારી ઑફિસરને અમે ત્યાં બોલાવ્યા. આમ કરવાનો આશય એ હતો કે રમેશ એ વાત તુરંત સમજી લે કે તે પોલીસ કસ્ટડીમાં છે અને અમને સહકાર આપે. પરંતુ રમેશ પાસેથી માહિતી કઢાવવી અઘરી હતી. ઘણાં સમય સુધી તેને પ્રશ્નો પૂછ્યા છતાં તે કશુંય બોલી રહ્યો નહોતો. અમે તેને પછીથી લેન્ડમાર્ક હોટલ લઈ જઈને પૂછપરછ કરી. બંને ટીમો સ્ટેડિયમમાં પહોંચી ચૂકી હતી. હોટલ સાવ ખાલી લાગતી હતી. જ્યારે અમે રમેશનો ફોન તપાસ્યો ત્યારે અમને કાનપુર સ્ટેડિયમની પિચની તસવીરો અને વિડિયો તેમાં જોવા મળ્યા. વિડિયો-તસવીરોમાં પિચને ખરાબ કરવા અર્થે પાણી છાંટેલું હતું. આ તસવીરો એક અન્ય નંબર પર ફોરવર્ડ કરવામાં આવી હતી. અમને પછી ખબર પડી કે તે નયન શાહનો નંબર હતો, જે અમને ઇન્ફોર્મર પાસેથી મળ્યો હતો. રમેશ હવે કશુંય છાનું રાખી શકે એમ નહોતો. તેણે બધું કબૂલવા માંડ્યું. તેણે એમ પણ સ્વીકાર્યું તે આ બધું નયન શાહના કેહવાથી કરતો હતો, જે અત્યારે હોટલના 1733 રૂમ નંબરમાં રોકાયો છે.”
“અમે તુરંત રિસેપ્શન પર ગયા અને જાણ્યું કે હોટલ રૂમ નંબર 1733 કોના નામે બુક છે. નામ આવ્યું કાનપુરના રહેવાસી વિકાસ ચૌવ્હાણનું. ફરી વળી તપાસ કરી ત્યારે ખ્યાલ આવ્યો કે વિકાસના રૂમમાં જે વ્યક્તિ રોકાયો છે તે નયન શાહ જ છે. મેં, આકાશ અને અન્ય ઑફિસરને ફોન કર્યા અને કહ્યું કે આપણે હોટલના રૂમ નંબર 1733માં રેડ કરવાની છે. અમને તુરંત મદદ મળી. કાનપુર સુપરિન્ટેન્ડેન્ટ તેમના શસ્ત્રધારી કમાન્ડોસ સાથે હોટલ આવી પહોંચ્યા. સુપરિન્ટેન્ડેન્ટને તમામ વિગત જણાવી અને અમે હોટલના રૂમ વેઇટર દ્વારા ખોલાવવાનું નક્કી કર્યું. વેઇટરે 1733ના રૂમનું ડોર નોક કર્યું અને વિકાસે દરવાજો ઉઘાડ્યો. ગણતરીની સેંકડોમાં અમે સૌ તેમના રૂમમાં દાખલ થઈ ચૂક્યા હતા. નયન શાહ અને વિકાસ ચૌવ્હાણ હોટલની રૂમમાં મેચ જોઈ રહ્યા હતા. તેમણે જોયું કે અચાનક તેમની આસપાસ ડઝનેક પોલીસ ઓફિસર ગોઠવાઈ ગયા. તેમની પાસેથી પાંચ મોબાઈલ ફોન, જેમાં ઠગલાબંધ માહિતી અને કોન્ટેક હતા. ઉપરાંત પાંચ લાખની રોકડ મળી.”
તે પછી થયેલી તપાસમાં એ વિગત બહાર આવી કે આમાં કોઈ ખેલાડી સંડોવાયો નહોતો. પિચને બગાડીને નયન શાહ અને તેના સાગરિતો મેચને લો-સ્કોરીંગ કરવા માંગતા હતા. આ રીતે અમારું એક આખું ઓપરેશન પાર પડ્યું. જોકે તે પછી બીસીસીઆઈનું વલણ એવું ન રહ્યું કે તેના દ્વારા ફિક્સિંગ કાયમ માટે અટકી શકે. નિરજ કુમારે ‘અ કોપ ઇન ક્રિકેટ’માં ક્રિકેટ વહિવટના અનેક રહસ્યો ઉઘાડા પાડ્યા છે. ક્રિકેટના રસિયાઓએ ગ્રાઉન્ડ પરની વાસ્તવિકતા અર્થે આ પુસ્તક વાંચી જવું જોઈએ.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








