દેવલ જાદવ. (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): Ahmedabad Floating restaurant news: અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati riverfront) પર લોકોને આકર્ષવા માટે અવાર-નવાર AMC દ્વારા નવી નવી સુવિધાઓ ઊભી કરવામાં આવે છે. હવે ફરીથી અમદાવાદમાં (Ahmedabad) રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ રેસ્ટોરન્ટની (floating restaurant) શરૂઆત કરવામાં આવી રહી છે. જેના માટે એક ટ્રાયલ રન કરવામાં આવ્યું હતું. આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટમાં એક સાથે 150 લોકો જમી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, આગામી સમયમાં ઇન્ટિરિયરનું કામ પૂર્ણ થયા બાદ આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવશે.
પરંતુ અહિયાં અગત્યનો સવાલ એ છે કે અમદાવાદ રિવરફ્રન્ટ પર લાખો-કરોડોના ખર્ચે જે સુવિધાઓ ઊભી કરવામાં કે શરૂ કરવામાં આવે છે, તે શરૂ થયાના થોડા જ મહિનાઓમાં બંધ પણ થઈ જાય છે. તો આવું થવા પાછળનું કારણ શું હશે? શું કોર્પોરેશનનો રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ વિભાગ આ બધી સુવિધાઓને સુચારું રૂપે ચલાવી શકે તેટલો સક્ષમ નથી? અને જો સક્ષમ ન હોય તો આવી સુવિધાઓ શરૂ કરવા પાછળ લખલૂંટ ખર્ચ કેમ કરવામાં આવે છે?
અગાઉ રિવરફ્રન્ટ પર સી-પ્લેન, હેલિકોપ્ટર જોય રાઈડ, ઝીપ લાઇન જેવી સુવિધાઓ શરૂ કરીને બંધ કરી દેવામાં આવી છે. જોકે AMCના કર્મચારીઓ સી-પ્લેન અને હેલિકોપ્ટર જોય રાઈડ બંધ થવા અંગેના સવાલ પર દોષનો ટોપલો ગુજરાત સરકાર સંચાલિત GUJSAIL (Gujarat State Aviation Infrastructure Company Ltd) કંપની પર નાખ્યો હતો અને કહ્યું હતું કે, “અમે તો માત્ર રિવરફ્રન્ટ પર તેમને જગ્યા આપી હતી, આ સુવિધાઓ બંધ કેમ થઈ ગઈ તે તમારે તેમને જ પૂછવું પડશે.”
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા મહિનાઓ અગાઉ સાબરમતી નદી ઉપર અટલ બ્રિજ બનાવવામાં આવ્યો હતો. આ બ્રિજ બનાવવા માટે અંદાજિત 80 કરોડ જેટલો ખર્ચ થયો હતો અને દેશના પ્રધાનસેવકે કામની વ્યસ્તતા વચ્ચે અમદાવાદ આવીને આ બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. પરંતુ આ બ્રિજના લોકાર્પણના થોડા જ મહિનાઓમાં બ્રિજ પર નદીનો એરિયલ વ્યૂ જોવા માટે લગાવવામાં આવેલા કાચમાં તિરાડો પાડવાની ઘટના સામે આવી હતી. ત્યારે હવે આ કાચની ફરતે રેલિંગ લગાવી દેવામાં આવી છે, જેથી હવે સહેલાણીઓએ નદીનો એરિયલ વ્યૂ જોવો હોય તો આ રેલિંગની ફરતે ઊભું રહીને જોવું પડશે.
આ મામલે AMCના અધિકારી સાથે વાત કરતા તેઓ જણાવે છે કે, “કાચ તૂટવા પાછળ તો 500 કારણ હોય, પરંતુ અટલ બ્રિજ પર કાચ કેમ તૂટ્યો હતો એ અંગે અમે હજુ તપાસ કરી રહ્યા છે. અમે કાચના એકપર્ટ પાસે પણ આ વિષયમાં પરામર્શ કર્યો છે. કાચ તૂટ્યો ત્યાર બાદ પણ આ કાચ સુરક્ષિત હતો અમે કાચ તૂટ્યા પછી પણ તેના ઉપર 12 કલાક સુધી વજન મૂકીને પરીક્ષણ કર્યું હતું. પરંતુ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાલ રેલિંગ લગાવી દેવામાં આવી છે.”
હવે જ્યારે ફ્લોટિંગ રેસ્ટોરન્ટની વાત કરીએ તો અગાઉ 4 વાર આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ થવાની જાહેરાત થઈ ચૂકી છે. છતાં હજુ સુધી આ રેસ્ટોરન્ટ શરૂ થઈ નથી. હવે જ્યારે આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ માટે ટ્રાયલ કરી લેવામાં આવ્યો છે ત્યારે નજીકના સમયમાં આ સેવા શરૂ થાય તેવું લોકો માની રહ્યા છે. પરંતુ અહીં અગત્યનો સવાલ એ છે કે શું આ સેવા પણ રિવરફ્રન્ટ પરની અન્ય સેવાઓની જેમ જ મહિનાઓમાં બંધ થઈ જશે કે પછી અવિતર સેવા ચાલુ રહેશે?
TAG: Ahmedabad News, Sabarmati riverfront, Floating restaurant
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








