નવજીવન ન્યૂઝ. સુરત : Surat Police Operation Chennai : નકલી ચલણી નોટ (Fake Currency Note), આતંકી ફંડીગ (Terror Funding) અને કાળાનાણાને (Blackmoney) ઝડપી પાડવા માટે થયેલી નોટબંધી બાદ પણ નકલી ચલણી નોટનો કારોબાર ધમધમી રહ્યો છે. ત્યારે સુરત શહેર SOGની ટીમ દ્વારા ‘ઑપરેશન ચેન્નાઈ’ ચલાવી નકલી ચલણી નોટના માસ્ટર માઈન્ડને ઝડપી લેવાયો છે. આ ઑપરેશનમાં પોલીસે રૂપિયા 22.79 લાખની નકલી નોટો સાથે માસ્ટર માઈન્ડ સહિત આરોપીની મંડળી ઝડપી પાડી છે. પોલીસે ઝડપેલા નકલીનોટના મુખ્ય આરોપી સૂર્યા સેલ્વારાજે કબૂલાત કરી હતી કે તેણે છેલ્લા પાંચ માસમાં રૂપિયા 2.12 કરોડની નકલી ચલણી નોટ ઠાલવી દિધી છે.

મળતી વિગતો અનુસાર સુરત SOG દ્વારા ત્રણ આરોપીઓને રૂપિયા 5.79 લાખ કરતા વધારેની નકલી ચલણી નોટ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. ઝડપાયેલા રાજસ્થાન મૂળના આરોપી શાંતિલાલ મેવાડા, વિષ્ણુ મેવાડા અને માઈકલ રાઈવન ફર્નાન્ડિઝ ઉર્ફે રાહુલની પુછપરછ અને તપાસમાં નકલી નોટના મોટા કારસ્તાનનો પર્દાફાશ થયો હતો. પોલીસને નકલી ચલણી નોટના મોટા કૌભાંડની ગંધ આવતા તપાસ માટે વિવિધ ટીમોને કામે લગાવી માહિતીઓ એકત્રિત કરવામાં આવી હતી. જેમાં ખુલ્યું હતું કે નકલી નોટના આ કારોબારનો મુખ્ય સુત્રધાર ચેન્નાઈનો સૂર્યા સેલ્વારાજ છે.

માહિતી મળતા જ સુરત પોલીસે (Surat Police) ‘ઑપરેશન ચેન્નાઈ'(Operation Chennai) ની શરૂઆત કરી આરોપી સુધી પહોંચવા માટે તજવીજ હાથ ધરી હતી. જેમાં ગત 21 એપ્રિલના રોજ તામિલનાડુના ચેન્નાઈ ખાતે આરોપી સૂર્યા સેલ્વારાજના ઘરે દરોડો કર્યો હતો. દરોડાની કાર્યવાહી દરમિયાન પોલીસને રૂપિયા 17 લાખની નકલી ચલણી નોટ સહિત છાપકામની મશીનરી અને સામાન મળી આવ્યો હતો. દરોડાની કાર્યવાહીમાં સુરત પોલીસે FICN ઉપરાંત 23 હજારથી વધુ સ્ટેમ્પ પેપર, કલર પ્રિન્ટર, કટર, હિટીંગ મશીન, વોટર માર્કર, 70 નંગ સિક્યુરિટી થ્રેડ અને સિક્યુરિટી થ્રેડ લગાવેલા 20 નંગ ચાઈના પેપર કબજે લીધા લીધા હતા.

મહત્વની વાત છે કે થ્રીડી એનિમેશનના કોર્ષ બાદ આરોપી સૂર્યા સેલ્વારાજે વર્ષ 2022માં શેર બજારમાં હાથ અજમાવવા રાઈટ વે કેપિટલ કંપની બનાવી હતી. આ વખતે શેર બજારના કરાર સમયે તેને નકલી સ્ટેમ્પ પેપર છાપવાનો વિચાર આવ્યો હતો. બાદમાં તેને આ કામને પાર પાડવા માટે કાગળ મંગાવવાની શરૂઆત કરી ત્યારે આ કાગળ ચલણી નોટ સાથે મળતો આવતો હોવાનું તેના ધ્યાને આવ્યું હતું. આમ સૂર્યાએ સ્ટેમ્પથી નકલી નોટ છાપવાના કારસ્તાન તરફ વળવાનું નક્કી કર્યું અને ઓગસ્ટ 2022માં તેણે જરૂરી સાધન સામગ્રીની ખરીદી કરી હતી.
વિગતો મળી રહી છે મુજબ આરોપી સૂર્યા રૂપિયા 15 હજારમાં 50 હજારની નકલી ચલણી નોટનો વેપાર ચલાવતો હતો. સૂર્યા સેલ્વારાજનો વ્યવસાય એટલો વ્યાપી ગયો કે દેશના 10 રાજ્યમાં તે નકલી ચલણી નોટ મોકલી રહ્યો હતો. હાલ પોલીસ સૂર્યા કોને-કોને નોટ સપ્લાઈ કરતો અને તેને પેપર વેચનાર સોશિયલ મીડિયા પર મળેલો બિહારનો વ્યક્તી કોણ છે તે દિશામાં તપાસ હાથ ધરી હોવાના અહેવાલ છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








