કિરણ કાપૂરે. નવજીવન ન્યૂઝ. (અમદાવાદ): દેશના સૌથી અણખેડાયેલા વિસ્તારમાં હવે વિકાસકાર્યોની હોડ લાગી છે અને કેન્દ્ર સરકાર એવું ઇચ્છે છે કે આ બધું ગુપ્ત રીતે થવું જોઈએ. આ વિસ્તાર એટલે દેશના મહાસાગરમાં આવેલો નિકોબાર ટાપુ (Nicobar Islands). સામાન્ય રીતે આપણે આ ટાપુનું નામ અંદામાન સાથે લઈએ છીએ, જે તેની બાજુમાં આવેલો છે. અંદામાન અને નિકોબાર (Andaman & Nicobar) 572 ટાપુઓનો સમૂહ છે; અને તેમાં 37 જેટલાં ટાપુ પર અત્યાર સુધી કોઈ માનવવસ્તી નિશાન નથી. આ બંને ટાપુઓની વસ્તી મળીને સાડા ત્રણ લાખની આસપાસ છે. આ ટાપુની વિશેષતા એ છે કે તેની આસપાસ અન્ય જમીની વિસ્તાર ખાસ્સો દૂર છે. આપણા દેશનો હિસ્સો હોવા છતાં તે દેશના જમીની સરહદ(ચેન્નઈ)થી 1355 કિલોમીટરનું અંતર ધરાવે છે. અને આ કારણે આ ટાપુઓના ક્ષેત્ર ખેડાયા નહીં અને ત્યાંની નૈસર્ગિક સંપદા સુરક્ષિત રહી. બ્રિટીશ કાળ અને વિશ્વ યુદ્ધ દરમિયાન અહીંયા કેટલીક ચહલપહલ થઈ તેમ છતાં તે મર્યાદિત હતી. પરંતુ હવે અહીંયા નિકોબાર ટાપુનું સૌંદર્ય નેસ્તનાબૂદ થાય તેવી પહેલ કેન્દ્ર સરકારે (Central Government) કરી છે અને તે માટે 75.000 કરોડ રૂપિયા ખર્ચાવાના છે. નિકોબારની કાયાપાલટ કરવા અર્થે જે નામ આપવામાં આવ્યું છે તે ‘ગ્રેટ નિકોબાર ડેવલપમેન્ટ પ્લાન’ (Great Nicobar Development Project) છે, જેને ‘હોલિસ્ટિક ડેવલપમેન્ટ’થી(Holistic Development) પણ ઓળખાય છે. ‘હોલિસ્ટિક’નો અર્થ સર્વગ્રાહી એવો થાય છે. પણ ખરેખર આ પૂરું આયોજન અત્યારે તો કેટલાંક ઉદ્યોગગૃહોને લાભ પહોંચાડે એવું લાગે છે. અને જેમ દરેક વિકાસ યોજનામાં થાય છે તેમ નિકોબારનો અદનો માણસ આનો લાભ માત્ર નામ પૂરતો લઈ શકશે, જેની સામે તે તેની આસપાસ હજાર વર્ષોથી ટકેલો માહોલ ગુમાવશે.
નિકોબારને ડેવલપ કરવાનો પ્રોજેક્ટ ‘નીતિ આયોગ’ દ્વારા વિચારવામાં આવ્યો છે. ‘નીતિ આયોગ’ તે દેશની સર્વોચ્ચ જાહેર નીતિ ઘડતી સંસ્થા છે. તે અંતર્ગત વિકાસના વિચાર મૂકાય છે અને પછી કેન્દ્ર સરકાર તેના પર અમલ કરે છે. હવે સ્વાભાવિક છે કે આંદમાન અને નિકોબાર વિસ્તાર પર્યાવરણની રીતે તો સંરક્ષિત છે; ઉપરાંત ત્યાં વસતી માનવ વસતીના કારણે પણ તે સંરક્ષિત કેટેગરીમાં આવે છે. નિકોબારના આ પ્રોજેક્ટના મુખ્ય ચાર ભાગ છે; તેમાં એક છે ઇન્ટરનેશનલ ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ છે. બીજો પ્રોજેક્ટ ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. એક પાવર પ્લાન્ટ અને ઉપરાંત અહીંયા એક નવી ટાઉનશીપ નિર્માણ કરવાની પણ વાત છે. આ બધું નિર્માણ 160 ચોરસ કિલોમીટર વિસ્તારની આવશ્યકતા છે, જે માટે અહીં આવેલાં સાડા આઠ લાખ વૃક્ષોનું નિકંદન નિકળશે. આ વૃક્ષોના નુકસાનને ભરપાઈ કરવાનો પણ તોડ સરકારે શોધી કાઢ્યો છે. અહીંયા જેટલાં વૃક્ષો કાપવામાં આવશે તેટલાં વૃક્ષોનું જંગલ હરિયાણામાં નિર્માણ કરવામાં આવશે. આ વિચિત્ર લાગે એવી વાત છે કે નિકોબારમાં જે જંગલ કપાશે તેની ભરપાઈ હરિયાણામાં કેવી રીતે થઈ શકે, પણ આ વિચિત્રતા સરકારે કાગળ પર દર્શાવી દીધી છે.

અહીં એ પણ નોંધવું રહ્યું કે 160 ચોરસ કિલોમીટર વિસ્તારમાં 130 ચો. કિ.મી. વિસ્તાર ગાઢ જંગલો છે અને તે જંગલને 1989માં બાયોસ્ફેર રિઝર્વ[જીવમંડળ સંરક્ષિત] તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આ વિસ્તારને યુનેસ્કોએ પણ તેમના બાયોસ્ફેર પ્રોગ્રામ સમાવિષ્ટ કર્યો છે. કુદરતી સંપદાની ઐસીતૈસી થવાની છે તેમ છતાં આ પૂરા પ્રોજેક્ટને સરકારના ફોરેસ્ટ કન્ઝર્વેશન ડિવિઝન તરફથી મંજૂરી આપી દેવામાં આવી છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે નીતિ આયોગના ટ્વિટર હેન્ડર પરથી એવી પોસ્ટ કરવામાં આવી છે કે, “આઇલેન્ડ્સ ઓફ ઇન્ડિયા. નાઉ આઇલેન્ડ્સ ઓફ ઓપર્ચ્યુનિટી”. આ પૂરા પ્રોજેક્ટને કોઈ ટેકનિકલ વાંધો ન આવે તે માટે પણ સરકારે પૂરતી તૈયારી કરી છે અને તેનો એક પ્રિ-ફિઝિબિલિટી રિપોર્ટ સુધ્ધા તૈયાર કરી દેવામાં આવ્યો છે. આ રિપોર્ટ ‘એઈસીઓએમ’ નામની એક અજાણી કંપનીએ તૈયાર કર્યો છે. અને આ માટે સરકારના દરેક વિભાગમાંથી જે કંઈ પણ મંજૂરી મેળવવાની થાય તે ખૂબ ટૂંકા ગાળામાં મેળવી લેવામાં આવી છે. તે ગાળો 2021-2022નો માત્ર એકાદ વર્ષનો છે.
પ્રોજેક્ટના ભાગરૂપે અહીંયા મોટી વસતી વસવાટ કરવા આવશે તેવું પણ સરકાર કલ્પી રહી છે અને તે આયોજન મુજબ અહીંયા આવનારા બે દાયકામાં હાલમાં જે વસતી છે તેના કરતાં 4000 ટકા વસતી વધશે. મતલબ કે આ વિસ્તાર અત્યારે છૂટાછવાઈ વસતી છે તે વધુ વસતીથી અને કોન્ક્રિટના જંગલોથી ભરચક થઈ જશે. કેન્દ્ર સરકારનો આ પૂરા પ્રોજેક્ટ થકી અંતિમ ઉદ્દેશ્ય નિકોબારને હોન્ગકોન્ગની જેમ ફ્રી ટ્રેડ ઝોન વિસ્તાર બનાવવાનો છે, જ્યાં દુનિયાભરથી માલની આવનજાવન થાય. પરંતુ આજે ‘એઈસીઓએમ’ કંપની આ પ્રોજેક્ટમાં અવસર તરીકે જોઈ રહી છે ત્યારે આ કંપનીએ 2016માં જે રિપોર્ટ આપ્યો હતો તેમાં નિકોબારમાં પ્રોજેક્ટના પડકારો વિશે વિગતે લખ્યું હતું. 2021ના રિપોર્ટમાં તે બધું જ અદૃશ્ય થઈ ચૂક્યું છે અને હવે તેમાં અવસર જ અવસર જોવામાં આવી રહ્યાં છે.
પર્યાવરણની દૃષ્ટિએ આ નિકોબારના બધા વિસ્તાર અતિસંવેદનશીલ છે અને જ્યારે 2004માં અહીં ત્સુનામી આવી હતી ત્યારે અહીંયા હજારો લોકો મૃત્યુ પામ્યા હતા અને પારાવાર નુકસાન થયું હતું. તે ઉપરાંત નિકોબારનો દરિયાકિનારો ધોવાઈ ગયો હતો. હવે જ્યારે અહીંયા આટલાં સ્કેલ પર મોટા પ્રોજેક્ટ નિર્માણ થઈ રહ્યા છે ત્યારે તે સંબંધિત કોઈ રિસ્ક એસેસમેન્ટનું આકલન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટને મળેલી ઝડપથી મંજૂરી અને આવી બાબતોમાં થયેલી ચૂક એ જ દર્શાવે છે કે અહીંયા સરકાર અને જે ઉદ્યોગગૃહો અહીં નિર્માણકાર્ય કરી રહ્યા છે તેમાં તેમની ઇરાદાઓ નેક નથી.

નિકોબારના ટાપુઓ પર કુદરતી સંપદાની વાત વિસ્તૃત રીતે થાય એમ છે. અહીંયા અનેક એવા જીવ જોવા મળે છે, જે વિશ્વમાં ક્યાંય નથી. નિકોબારમાં જે લોકો વસે છે તેમના પણ અહીંયા નિવાસ કરવાના મૂળીયા 10,000 વર્ષોથી છે. અહીંના લોકો વચ્ચે જુદી જુદી બોલીઓ બોલાય છે. મતલબ, કે અહીંયા હજારો વર્ષોથી જે સંસ્કૃતિ, સમાજ વિકસ્યો છે તે માત્ર ને માત્ર વિકાસના ભોગે જોખમમાં આવશે. ‘ધ વાયર’ ન્યૂઝ પોર્ટલ દ્વારા આ પ્રોજેક્ટનું વિગતે રિપોર્ટીંગ થયું છે. આ રિપોર્ટ લખનાર એમ. જી. દેવસહાયમ્ છે. તેમણે કેટલીક ટેકનિકલ બાબતો નોંધી છે, જે મુજબ અહીં આટલાં સ્કેલ પર કામ થશે ત્યારે અહીંના પહાડોને અને પથ્થરોને તોડવામાં આવશે, જેથી અહીંના સમુદ્રી જીવોને ન ભરપાઈ થઈ શકે તેવું નુકસાન થશે. આ ઉપરાંત, આ પથ્થરોનો ઉપયોગ અહીંયા નિર્માણ પામનારી ઇમારતોના માટે થશે, જે કારણે પણ પર્યાવરણવાદીઓ અહીં મોટું નુકસાન જોઈ રહ્યા છે.
આ પ્રોજેક્ટની હવે સૌથી અગત્યની વાત અને તે છે કે આ પૂરા પ્રોજેક્ટમાં કોણ ઇન્વેસ્ટ કરશે? સરકારે આ પ્રોજેક્ટ ખુલ્લો મૂક્યો અને તેમાં રોકાણકારો પાસેથી પ્રસ્તાવ મંગાવ્યા તેમાં અત્યાર સુધી અદાણી પોર્ટ એન્ડ સેઝ, કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એસ્સાર પોર્ટ્સ, જેએસડબલ્યુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેલ વિકાસ નિગમ, રોયલ બોસ્કાવિલાસ અને અન્ય આનાં જેવી અન્ય પાંચ કંપનીઓએ પણ રસ દાખવ્યો છે. મૂળે આ પૂરા પ્રોજેક્ટનો ખેલ અહીંયાથી જ સમજવો જોઈએ. આવું માત્ર નિકોબારમાં જ નથી થઈ રહ્યું, બલકે આપણા રાજ્યમાં પણ જ્યાં જ્યાં મોટાં પ્રોજેક્ટ નિર્માણ થઈ રહ્યાં છે ત્યાં જૂજ લોકોના સમૂહ સિવાય મોટાં લાભ ઉદ્યોગગૃહોને થાય છે. અને એટલે ઉદ્યોગગૃહો મહાકાય થઈ રહ્યા છે અને સામાન્ય લોકોને રોજબરોજના જીવનના નિર્વાહ માટે પણ અતિસંઘર્ષ કરવો પડી રહ્યો છે. બીજું કે મોટાં પ્રોજેક્ટમાં સામાન્ય જનના સીધા તો નાણાં નથી જતાં, પણ તેનાથી નિર્માણ પામતી સગવડોની ચૂકવણી આપણે મોંઘવારી, વધુ ટેક્સ અને અન્ય અનેક રીતે તો કરીએ છીએ.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








