જય અમીન (નવજીવન અરવલ્લી): ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષા હોય કે પછી યુનિવર્સીટી અને બોર્ડની પરીક્ષા સતત પેપર ફૂટવાની ઘટનાઓ બની રહી છે જાણે રાજ્ય સરકાર આવા અસામાજિક તત્ત્વો સામે ઘૂંટણિયે પડી ગઈ હોય તેમ વધુ એક વખત પેપર કાંડનો મામલો ચર્ચામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાતી પરીક્ષાનું પેપર ફૂટયાના સમાચાર મળી રહ્યા છે. એકમ કસોટી બે નું ધો.10ના અંગ્રજી માધ્યમના ગણિત વિષયનું ૨૫ માર્ક્સનું પેપર પરીક્ષાની આગળની રાત્રીએ જ સોશ્યલ મીડિયામાં ફરતું થયું હતું અને આ પેપર અરવલ્લી જીલ્લા સહીત રાજ્યના હજ્જારો વિદ્યાર્થીઓ પાસે આ પેપર પહોંચ્યું હતું. જેમાં યૂટ્યૂબ ચેનલ પર આ પેપર સોલ્યૂશન કરાવતો એક તજજ્ઞનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે. જો કે નવજીવન આ વાયરલ પેપરની પુષ્ટી કરતું નથી. આ અંગે શિક્ષણાધિકારીએ ખુલાસો કર્યો છે કે, આ અંગે ફરિયાદ પણ કરવામાં આવશે. મોડાસા શહેરમાં એક અગ્રણી અંગ્રેજી માધ્યમિક શાળાના શિક્ષક દ્વારા તેમના ટ્યૂશન ક્લાસીસના વિદ્યાર્થીઓને આપ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
હજુ તો ગુરુવારે ગણિતની એકમ કસોટીની પરીક્ષા લેવાય તે પહેલા બુધવારે રાત્રીએ જ પેપર સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ભારે ચકચાર મચી છે. જોકે, આ તપાસનો વિષય છે કે, આ પ્રશ્નપત્ર કોને અને કઇ રીતે ફોડીને વાયરલ કર્યું. સામાન્ય રીતે બોર્ડ દ્વારા ઇમેઇલ દ્વારા પ્રિન્સિપલને પ્રશ્નપત્ર મોકલવામાં આવે છે. ત્યારે આ અંગે તપાસમાં જ સામે આવશે કે આ પેપર લીક કઇ રીતે થયું? જોકે, આ મામલે શિક્ષણ વિભાગ જ તપાસ કરીને જવાબ આપી શકે છે કે, આ પ્રશ્નપત્ર આજની પરીક્ષાનું જ છે કે, ખોટા મેસેજ સાથે ચર્ચાસ્પદ બની રહ્યા છે. મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ પેપર અંગે જીલ્લા શિક્ષણાધિકારી તપાસ કરાવે અને કસુવારો સામે શખ્ત કાર્યવાહી કરવામાં આવેની માંગ પ્રબળ બની છે. કેટલાક ભ્રષ્ટાચારી કે પછી શાળાનું પરિણામ ઉંચુ લાવવા શિક્ષણ બોર્ડના પરિપત્રનું પણ ઉલ્લઘન કરી રહ્યા છે.
એકમ કસોટીના પ્રશ્નપત્રો ફૂટવા ચિંતાનો વિષય
આ પરીક્ષા સરકારી શાળામા પ્રિંસિપાલની જવાબદારી હેઠળ લેવાતી હોય છે. એકમ કસોટીના ઉત્તર સહિતના પેપર સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચિંતાનો વિષય બન્યો છે.
હોશિયાર વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડાં
પરીક્ષાના આગલા દિવસથી પેપર સોશયલ મીડિયા પર વાયરલ થયાના સમાચાર મળ્યા છે. સેંકડો વિધાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પાસે 1 દિવસ અગાઉ પેપર પહોંચ્યું હતું. હાલમાં પેપર કેવી રીતે લીક થયું તે તપાસનો વિષય બન્યું છે. ખાસ કરીને આ પરીક્ષા સરકારી શાળામાં પ્રિન્સિપાલની જવાબદારી હેઠળ લેવાતી હોય છે. એટલું જ નહીં જવાબો સહિતનું પેપર સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચિંતાનો વિષય વધ્યો છે. નવજીવન સોશ્યલ મીડિયામાં વાયરલ પેપરની પુષ્ટિ કરતુ નથી.








