નવજીવન ન્યૂઝ. ભાવનગર: રાજ્યમાં ડમીકાંડ (Dummykand)ના મામલે વધુ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આમ હવે ડમીકાંડના ઝડપાયેલા આરોપીઓની સંખ્યા 12 સુધી પહોંચી છે. જેમાં આજરોજ ભાવનગર પોલીસે (Bhavnagar Police) ડમી ઉમેદવાર (Dummy Candidate) તરીકે MPHW,પશુધન નિરિક્ષક, વન રક્ષક અને ધોરણ 12ની પરીક્ષામાં ડમી ઉમેદવાર તરીકે બેસનાર આરોપીને ઝડપી પાડ્યા છે.
પોલીસે ઝડપેલા ડમીકાંડના વધુ 6 આરોપીઓ

રાજ્યમાં યુવરાજસિંહે (Yuvrajsinh Jadeja) ભરતી પરીક્ષામાં ડમીકાંડનો મામલો ઉજાગર કરતા ખળભળાટ મચી ગયો હતો. ત્યારે આ મામલે રાજ્ય સરકાર અને પોલીસ પણ સફાળી બેઠી થઈ હતી અને SITની રચના કરવામાં આવી હતી. પોલીસે નોંધેલા ગુનામાં હાલ 36 આરોપીઓની સંડોવણી નોંધી હોવાની વાત કરી છે. જેમાંના 4 એજન્ટ સહિત 6 આરોપીની ધરપકડ પોલીસે કરી લીધી હતી. એવામાં હવે આજરોજ પોલીસે વધુ 6 આરોપી કે ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી રહ્યા હતા તેની ધરપકડ કરી છે. જે આરોપીઓ પોલીસે જણાવ્યા અનુસાર MPHW,પશુધન નિરિક્ષક, વન રક્ષક અને ધોરણ 12ની પરીક્ષામાં ડમી તરીકે પરીક્ષા આપી ચૂક્યા છે. આમ પોલીસ તપાસના ધમધમાટમાં વધુ ખુલાસા થાય તેવી સંભાવના જણાય છે.
કયા આરોપીની કયા આરોપમાં થઈ ધરપકડ?
પોલીસે આજરોજ ધરપકડ કરેલા આરોપીમાં વિપુલકુમાર તુલશીદાસ અગ્રાવત ઉંમર વર્ષ ૩૩ કે જે વ્યવસાયે કેન્દ્રવર્તી શાળા, તળાજાનો શિક્ષક છે. જેણે વર્ષ 2022માં આરોપી નંબર 26ની જગ્યાએ ડમી ઉમેદવાર તરીકે રાજકોટ ખાતે MPHWની પરીક્ષા આપી હતી.
યુવરાજસિંહે કહ્યું હવે રણ થશે, પોલીસ સમક્ષ રજુ થઇ કરીશ મોટા ખુલાસા
28 વર્ષીય આરોપી ભાર્ગવ કનુભાઇ બારૈયાની પણ પોલીસ આજરોજ ધરપકડ કરી છે. ભાર્ગવ પર આરોપ છે કે તેના ડમી ઉમેદવાર તરીકે શરદ ભાનુશંકરભાઈ પનોતે ધોરણ 12ની પરીક્ષા આપી હતી. મહત્વની વાત છે કે આરોપી ભાર્ગવ બારૈયા વડોદરા નગરપાલિકાના આરોગ્ય વિભાગના MPHW તરીકે નોકરી પણ કરી રહ્યો છે.
પશુધન નિરિક્ષકની પરીક્ષામાં વર્ષ 2022માં પાર્થ ઈશ્વરભાઈ જાની ઉંમર વર્ષ 23એ પણ પોતાની જગ્યાએ ડમી ઉમેદવાર બેસાડી પરીક્ષા અપાવી હોય પોલીસે તેની પણ ધરપકડ કરી છે.

પોલીસે તળાજાના દિહોર ગામના રહીશ 25 વર્ષીય અશ્વિનભાઈ રમેશભાઈ સોલંકીની પણ ધરપકડ કરી છે. અશ્વિન પર આરોપ છે કે તેણે વન રક્ષકની પરીક્ષામાં મીલનભાઈ ઘુઘાભાઈને વર્ષ 2022માં ડમી ઉમેદવાર તરીકે બેસાડી પરીક્ષા અપાવી હતી.
રાજકોટમાં વર્ષ 2022માં MPHWની પરીક્ષામાં ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપનાર 37 વર્ષીય રમેશ બચુભાઈ બારૈયાની પણ ધરપકડ કરી છે. આરોપી રમેશે આરોપી નંબર 28ના સ્થાને ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી હોવાનો આરોપ છે.
ઉપરાંત પોલીસ આરોપી નંબર 13ના સ્થાને વર્ષ 2022ની પશુધન નિરિક્ષકની ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપનાર 23 વર્ષીય આરોપી રાહુલ દિપકભાઈ લીંબડીયાની પણ ધરપકડ કરી છે. આરોપી રાહુલ લીંબડીયા બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ભીમડાદ ગામનો રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે.
Dummy Candidate Case: Police Arrested 6 More Accused
Bhavnagar Dummykand News








