નવજીવન ન્યૂઝ.ગાંધીનગર: Gandhiangar News: જ્યારે રાજ્યભરમાં કમોસમી વરસાદના (Unseasonal rainfall) મારથી ખેડૂતો (Farmer) ભીંસાઈ રહ્યાં છે અને પાકનું શું થશે તેની ચિંતાએ તેમની ઊંઘ હરામ કરી છે. ત્યારે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે (Raghavji Patel) ખેડૂતોની સહાય (Help) અંગે મોટું નિવેદન આપી લાલ ડુંગળી અને બટાકા પકવતા ખેડૂતો માટે સહાયની જાહેરાત કરી છે. વિધાનસભામાં હાલ સત્ર ચાલી રહ્યું છે અને અનેક મુદ્દાઓ પર સત્રમાં ચર્ચા કરવામાં આવી રહી છે.
અન્નદાતા દિવસ રાત મહેનત કરી પાક પકવતો હોય છે. પરંતુ અમુક સંજોગોને કારણે તેમના પાકને નુકસાન થતું હોય છે. ત્યારે હાલ રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ઉપરાંત યોગ્ય ભાવ ન મળવાને કારણે પણ ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે. ત્યારે લાલ ડુંગળી અને બટાકા પકવતા ખેડૂતો માટે રાજ્ય કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપતા જણાવ્યું કે ગુજરાત રાજ્યના બજારમાં લાલ ડુંગળીના ભાવ ઓછા જણાય છે. આ પરિસ્થિતિના સંદર્ભમાં પ્રતિ કિલો રૂપિયા 2 ની સહાય ખેડૂતોને આપવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે પ્રત્યેક ખેડૂત દીઠ વધારેમાં વધારે 500 કટ્ટા માટેની સહાય આપવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર રૂપિયા 70 કરોડની સહાય કરશે. આ ઉપરાંત સરકાર ટ્રાન્સપોર્ટેશનના ખર્ચ માટે રૂપિયા 20 કરોડની ફાળવણી કરશે તેમ પણ તેમના નિવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉપરાંત બટાકા પકવતા ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાં માત્ર ખાવા માટેના બટાકાનો સંગ્રહ કરે તો પ્રતિ કિલો 1 રૂપિયા લેખે ખેડૂતને એક કટ્ટાના રૂપિયા 50 અને વધારેમાં વધારે 600 કટ્ટાની મર્યાદામાં સહાય આપવામાં આવશે. જેના માટે 200 કરોડની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.
આ અંગે રાઘવજી પટેલે કહ્યું કે “બટાકાની નિકાસ માટે વાહન ખર્ચમાં સહાય આપવામાં આવશે. રોડ ટ્રાન્સપોર્ટથી બટાકાની નિકાસ પર 750 રુપિયા પ્રતિ મેટ્રિક ટનની સહાય આપવામાં આવશે. ઉપરાંત રેલવે થકી કરવામાં આવતા નિકાસમાં વાહન ખર્ચના 100 ટકા અથવા 1150 રુપિયા બંનેમાંથી જે ઓછું હશે તેની સહાય આપવામાં આવશે. દેશ બહાર બટાકાની નિકાસ કરવામાં આવે તો કુલ વાહનના ખર્ચના 25 ટકા અને 10 લાખની મર્યાદા બેમાંથી જે ઓછું હોય તે ખેડૂત કે વેપારી દીઠ ટ્રાન્સપોર્ટ સબસીડી આપવામાં આવશે.
પરંતુ આ બાબતે ખેડૂત સંગઠનોનું કહેવું છે કે, આવી તો કેટલીયે સબસીડી અને સહાયની જાહેરાતો સરકાર દ્વારા અગાઉ પણ કરવામાં આવે છે પણ, સહાયના રૂપિયા ખેડૂતો સુધી પહોંચ્યા નથી અથવા તો મેળવવા આંખે પાણી આવી જાય છે. ત્યારે હવે જોવું રહ્યું કે આ વખતે સરકારે જાહેર કરેલી સહાય ખેડૂતોને સરળતાથી મળે છે કે કેમ?
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








