પ્રશાંત દયાળ. (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): Ahmedabad News: તાજેતરમાં જ ગુજરાતના પૂર્વ DGP (Former DGP) પાસેથી પૈસા પડાવવાના કારસાનો પર્દાફાશ ગુજરાત ATSએ કર્યો હતો. આ ઘટનામાં પોલીસે મહિલા પાસે ખોટું નામ લખાવી સોગંદનામું કરાવવા અને તેનો ઉપયોગ પોલીસ અધિકારી (Police Officer) પાસે પૈસા પડાવવા કર્યો હોવાનો ઘટસ્ફોટ કરતા ચકચાર મચી ગઈ હતી. પોલીસે આ મામલે પત્રકાર સહિત ભાજપના નેતાની ધરપકડ કરી હતી. પરંતુ આ તપાસમાં એક બાદ એક ચોંકાવનારા વળાંકો આવી રહ્યા છે. જેમાં હવે નવો ફણગો ફૂટ્યો છે અને ખુલ્યું છે કે ચાંદખેડાના મકાનમાં મહિલા સાથે પોલીસ અધિકારીએ નહીં પણ એક ખ્યાતનામ બિલ્ડરે (Builder) દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે.
ઘટસ્ફોટ સુધી પહોંચી તપાસ!
ઘટનાની વિગત એવી છે કે ગત 15 જાન્યુઆરીના રોજ ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ દુષ્કર્મ અને લવજેહાદની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ આ મહિલાનો ઉપયોગ કરી ઉચ્ચ પોલીસ અધિકારીઓ પાસે પૈસા પડાવવા માટે પત્રકારો અને નેતાની એક ગેંગ સક્રિય થઈ હતી. મળતી વિગતો મુજબ આ ગેંગે સૌ પ્રથમ તો અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને ટારગેટ કર્યા હતા પણ, ‘દાળ નહીં ગળતા’ તેમણે ગુજરાતના તાજેતરમાં જ નિવૃત થયેલા DGP આશીષ ભાટીયા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. પૈસા પડાવવાનું કામ પાર પાડવા આ ગેંગે મહિલા પાસે દુષ્કર્મ સબંધે એક સોગંદનામું તૈયાર કરાવ્યું હતું જેમાં તેમણે અધિકારીનું નામ લખ્યું હતું. આ મામલો સામે આવતા જ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તપાસ ગુજરાત ATSને સોંપી હતી અને સમગ્ર કારસ્તાનનો પર્દાફાશ થયો હતો. ગુજરાત ATSએ તપાસ કરી સત્ય બહાર લાવ્યું હતું પણ છતાં કેટલાય સવાલો પેદા થઈ રહ્યા હતા. ત્યારે હવે આ સવાલોનો જવાબ પણ સામે આવવા લાગ્યા છે અને એક મોટો ઘટસ્ફોટ થવા સુધી તપાસ પહોંચી ગઈ છે.
અધિકારીના નામે ધનાઢ્ય બિલ્ડરે આચર્યું હતું દુષ્કર્મ !
ATSએ કારસ્તાનને ખુલ્લું પાડી ગાંધીનગર પોલીસને જાણ કરતા ગાંધીનગર પોલીસે ઝીરો નંબર એફ.આઈ.આર. નોંધી અમદાવાદ પોલીસના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી દેવાયો હતો. બાદમાં અમદાવાદ પોલીસે આ મામલાની તપાસ બાદમાં મહિલા પોલીસને સોંપી હતી. ઘટનાનું તળીયું શોધી રહેલી મહિલા પોલીસે આજરોજ સાબરમતી જેલમાં રહેલા આરોપી ઈસ્માઈલની ધરપકડ કરી હતી. મહિલા પોલીસ તપાસ કરી રહી હતી કે ઈસ્માઈલે મહિલાની ઓળખ પોલીસ અધિકારી તરીકે આપી હતી તે કોણ હતો? કારણ કે તે વ્યક્તિએ પણ ચાંદખેડાના મકાનમાં મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. ઈસ્માલની પુછપરછ કરતા મહિલા પોલીસને આ સવાલોના જવાબ મળવા લાગતા ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો હતો. અને તેમાં અમદાવાદના ધનાઢ્ય બિલ્ડર યોગેશનું નામ આરોપી તરીકે સામે આવ્યું હતું. પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે, ઈસ્માઈલે પીડિત મહિલાને ચાંદખેડાના મકાનમાં લઈ જઈ યોગેશ સાથે પોલીસ અધિકારી તરીકે ઓળખ આપી હતી. બાદમાં આ યોગેશે પણ પીડિત મહિલા સાથે શરીર સબંધ બાંધ્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વયોવૃધ્ધ બિલ્ડર યોગેશ કેટલાય પોલીસ અધિકારીઓ સાથે ઘરોબો ધરાવતો હતો.
આ પણ વાંચો: IPSને બદનામ કરવાના કેસમાં મહિલા પોલીસે આરોપી ઈસ્માલની કરી ધરપકડ, વધુ ઘટસ્ફોટ થાય તેવી સંભાવના
ઉલ્લેખનીય છે કે, મામલો હાઈ પ્રોફાઈલ વધુ હાઈ પ્રોફાઈલ થતો જતો હોય હાલ પોલીસ ઝીણવટ પૂર્વકની તપાસ કરી રહી છે. ઉપરાંત આ લખાય છે ત્યાં સુધી આ કેસમાં આરોપી યોગેશનું નામ ખુલ્યું હોવાની કોઈ સત્તાવાર જાહેરાત અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવી નથી. પરંતુ ટૂંક સમયમાં જ પોલીસ સત્તાવાર રીતે આ ઘટસ્ફોટ કરી શકે તેવી માહિતી મળી રહી છે.
TAG: Gujarat Ex-IPS Defamation Case
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








