નવજીવન ન્યૂઝ.ઉના: Una Crime News: ચકચારી આરટીઆઈ એક્ટિવિસ્ટ (RTI activist) અમિત જેઠવા હત્યા કેસના (Amit Jethwa Murder Case) મુખ્ય સાક્ષી (main witness) ધર્મેન્દ્ર ગોસ્વામી પર જીવલેણ હુમલો (Attack on Dharmendra Goswami) થયાના અહેવાલ મળી રહ્યા છે. આજરોજ ધર્મેન્દ્ર ગોસ્વામીના પુત્રના અપહરણ મામલાની હાઈકોર્ટમાં તારીખ હતી ત્યારે જ આ હુમલો થતા અનેક સવાલો પેદા થઈ રહ્યા છે. મામલાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે અને સારવાર હેઠળ રહેલા ધર્મેન્દ્ર ગોસ્વામી પાસે પહોંચી ગયો છે.
વર્ષ 2010માં ગીર સોમનાથ જિલ્લાના ખાંભાના આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હાઈકોર્ટ સામે જ હત્યા કરી દેવાઈ હતી. આ મામલે પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી અને તેના ભત્રિજા સહિતના આરોપીઓને સીબીઆઈ કોર્ટે સજા ફટકારી હતી, બાદમાં હાઈકોર્ટે દિનુ બોઘાની સજા મોકૂફ રાખી જામીન મંજૂર કર્યા હતા. ત્યારે આ અમિત જેઠવા હત્યા કેસના મુખ્ય સાક્ષી ધર્મેન્દ્ર ગોસ્વામી પર જીવલેણ હુમલાના સમાચાર આવતા ચકચાર જાગી છે. મળતી વિગતો મુજબ ધર્મેન્દ્ર ગોસ્વામીના પુત્રના અપહરણ કેસ મામલે આજરોજ ગુજરાત હાઈકોર્ટમાં તારીખ હતી. ત્યારે આજરોજ સવારે 11 વાગ્યા આસપાસ ઉના તાલુકાના અહેમદપુર માંડવી નજીકના મીની દીવ ગામ ખાતે ધર્મેન્દ્ર ગોસ્વામી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
ઘટનાની મળતી વિગત મુજબ ધર્મેન્દ્ર ગોસ્વામી મીની દીવ ગામ ખાતે હતા ત્યારે અજાણ્યા શખ્સો કારમાં ઘસી આવ્યા હતા. જેમણે લોખંડના પાઈપ અને સળીયા જેવા હથિયાર વડે ગોસ્વામી પર જીવલેણ હુમલો કર્યો હતો. આરોપીઓએ લોખંડના સળીયા વડે માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા ધર્મેન્દ્ર ગોસ્વામીને ઉનાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બાદમાં વધુ સારવાર માટે તેમને જૂનાગઢ ખાસે ખસેડવામાં આવ્યા હોવાના અહેવાલ છે.
ઘટનાની જાણકારી મળતા જ ઉના પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ મામલે ઉના પોલીસ સ્ટેશન દ્વારા જણાવાયું છે કે, ઘટનાના પગલે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. સાથે જ પોલીસ હોસ્પિટલ જઈ પીડિતનું નિવેદન નોંધવાની અને આરોપીઓ સુધી પહોંચવાની તજવીજ હાથ ધરી રહી છે.
હત્યા કેસનો મુખ્ય આરોપી ફરાર !
ઉલ્લેખનીય છે કે અમિત જેઠવા હત્યા કેસના મુખ્ય આરોપી શૈલેષ પંડ્યા હાલ પેરોલ પર છુટ્યા બાદ હાલ ફરાર છે. ત્યારે આ ઘટનાના મુખ્ય સાક્ષી પર હુમલો થતા અનેક તર્ક વિતર્ક સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યા છે.
(માહિતી: ધર્મેશ જેઠવા, ઉના)
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








