દેવાંગી ઠાકર (નવજીવન ન્યૂઝ. આણંદ): ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (અમૂલ ફેડરેશન)ના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી આજરોજ આણંદ ખાતે યોજાઈ હતી. જેમાં રાજ્યના ૧૮ દૂધ સંઘો પૈકી ૧૭ના ચેરમેનો ઉપસ્થિત રહ્યા હતા. આજની ચૂંટણીમાં ચેરમેન પદે શામળ પટેલ(Shamal Patel) તથા વાઇસ ચેરમેન પદે વાલમજી હુંબલની(Valamji Humbal) બિનહરિફ વરણી થઈ હતી. આમ અઢી વર્ષની બીજી ટર્મ માટે આ બંન્ને પુન:સત્તારૂઢ થયા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ અમૂલ ફેડરેશનના ચેરમેન તથા વાઇસ ચેરમેનની અઢી વર્ષની પ્રથમ ટર્મ ચાલુ મહિનામાં પૂર્ણ થતી હતી. જેથી બીજી ટર્મ માટે ચૂંટણીનું જાહેરનામું જીલ્લા કલેક્ટર ડી. એસ. ગઢવીએ જાહેર કર્યું હતું. જેથી અંદાજીત 46000 કરોડના ટર્ન ઓવર ધરાવતા ફેડરેશનમાં ચેરમેન અને વાઈસ ચેરમેન બનવા દોડ તેજ થઇ ગઈ હતી. જેની રેસમાં રાજ્યના ૧૮ દૂધ સંઘો પૈકી કેટલાક ચેરમેનોએ ભાજપના ઉચ્ચ મોવડી મંડળ સુધી લોબીંગ શરૂ કર્યું હતું. જેમાં વર્તમાન હોદ્દેદારો સહિત ઉત્તર ગુજરાતમાંથી મહેસાણા દૂધ સંઘના ચેરમેન અશોક ચૌધરી, મધ્ય ગુજરાતથી ખેડા દૂધ સંઘના ચેરમેન રામસિંહ પરમાર તથા દક્ષિણ ગુજરાતના સુરત દૂધ સંઘના ચેરમેન માનસિંહ પટેલ દાવેદારોની રેસમાં સૌથી આગળ હતા. આવી ઉત્તેજનાભરી ચૂંટણી આજરોજ બપોરે ૧૨ કલાકે ડેપ્યુટી કલેક્ટર ધવલ બારોટની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં ચેરમેનપદ માટે સાબરકાંઠા ડેરી સંઘના ચેરમેન શામળ પટેલની ઉમેદવારી માટે દરખાસ્ત અશોક ચોધરીએ કરી હતી. જેને રામસિંહ પરમારે ટેકો જાહેર કર્યો હતો. તેવી જ રીતે વાઈસ ચેરમેનપદ માટે વાલમજી હુંબલની દરખાસ્ત માનસિંહ પટેલે રજૂ કરી હતી, જેને વિહાભાઈ સભાડે ટેકો આપ્યો હતો. ઉમેદવારી પત્રો રજૂ કરવાની સમય મર્યાદામાં અન્ય કોઈ જ ફોર્મ ન ભરાતાં આ બંન્નેને બિનહરિફ વિજેતા ચૂંટણી અધિકારી ધવલ બારોટે જાહેર કર્યા હતા. આમ અઢી વર્ષની બીજી ટર્મ માટે ચેરમેન અને વાઈસ ચેરમેન પુન:સત્તારૂઢ થતાં સહકારી ક્ષેત્રમાં ઉત્તેજના અને આતુરતાનો અંત આવ્યો હતો.

અમૂલ ફેડરેશનના ચેરમેન તરીકે બિનહરિફ વિજેતા થયેલ શામળ પટેલે જણાવ્યું હતું કે, “ફેડરેશનનું નેતૃત્વ કરવું એ સન્માનની વાત છે. જેની સ્થાપના ત્રિભુવનદાસ પટેલ તથા ડો. વર્ગીશ કુરિયને કરી હતી. સાત દાયકાથી નિર્ધારિત મૂલ્યો અને ધોરણોને જાળવી રાખ્યા છે તેવા ફેડરેશનમાં મળેલ બીજીવારની તક સન્માનજનક માનું છું.” અત્રે ઉલ્લેખનીય છે કે સાબરકાંઠાની સાબર દૂધ સંઘના ચેરમેન પદે શામળ પટેલ છે. જેનુ વાર્ષિક ટર્ન ઓવર રૂ.૬૮૦૦ કરોડનું છે. જ્યારે તે સંઘ પાસે આશરે ૩૮૫૦૦૦ જેટલા પશુ પાલકો છે.
કચ્છ જીલ્લાની સરહદ દૂધ સંઘના ચેરમેન વાલમજી હુંબલની આજે અમૂલ ફેડરેશનના વાઈસ ચેરમેન તરીકે બિનહરિફ વરણી કરવામાં આવી હતી. સરહદ ડેરી આશરે એક લાખ જેટલા પશુ પાલકો ધરાવે છે. જ્યારે આ દૂધ સંઘનું વાર્ષિક ટર્ન ઓવર અંદાજીત રૂ.૮૭૦ કરોડ જેટલું હોવાનું તેઓએ જણાવ્યું હતું.
આજરોજ આણંદ ખાતે અમૂલ ફેડરેશનના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં રાજકોટની ગોપાલ ડેરીના ચેરમેન ગોરધન ધામેલીયા ગેરહાજર રહ્યા હતા. જ્યારે અન્ય ૧૭ દૂધ સંઘના ચેરમેનો ઉપસ્થિત હતા.
ડેરી/સંઘ જીલ્લો/શહેર ચેરમેન
સાબર સાંબરકાંઠા શામળ પટેલ
સરહદ કચ્છ વાલમજી હુંબલ
અમૂલ આણંદ રામસિંહ પરમાર
બનાસ પાલનપુર શંકર ચૌધરી
દૂધ સાગર મહેસાણા અશોક ચૌધરી
સુમુલ સુરત માનસિંહ પટેલ
વસુંધરા વલસાડ ગમન પટેલ
સુગમ વડોદરા ઈ.ચા. ગણપતસિંહ સોલંકી
પંચામૃત ગોધરા જેઠા આહીર
આબાદ અમદાવાદ મોહન ભરવાડ
મધુર ગાંધીનગર શંકરસિંહ રાણા
દૂધ ધારા ભરૂચ ઘનશ્યામ પટેલ
સુરસાગર સુરેન્દ્રનગર વિહા સભાડ
અમર અમરેલી અશ્વિન સાવલીયા
સર્વોત્તમ ભાવનગર મહેન્દ્ર પનોત
સોરઠ જૂનાગઢ દિનેશ ખાતરીયા
સુદામા પોરબંદર ભરત આડેદરા
સ્ટેટ રજીસ્ટ્રાર ધર્મેન્દ્ર શાહ








