નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી મોદી આઈ કેર હોસ્પટલમાં આગ (Modi Eye Care Hospital Fire) લાગી હતી. આ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગ એમ્બ્યુલન્સ સહિતનો કાફલો લઈ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ભેદી રીતે લાગેલી આગની ઘટનામાં બે લોકોના મોત નિપજ્યાં હતા.
ઘટનાની વિગત એવી છે કે, અમદાવાદના નારણપુરા વિસ્તારમાં જયમંગલ BRTS સ્ટેશન નજીક આવેલી મોદી આઈ કેર હોસ્પિટલ (Modi Eye Care Hospital Fire) માં ભેદી રીતે આગ લાગી હતી. આગની ઘટનામાં હોસ્પિટલના સિક્યોરીટી ગાર્ડ રાજસ્થાનના મૂળના નરેશભાઈ પારઘી અને તેના પત્ની હર્ષાબેન પારઘીનું મોત થયું હતું. પ્રથમ દૃષ્ટીએ મૃતકો આગના કારણે સર્જાયેલા ધુમાડાના કારણે ગુંગળામણથી મોતને ભેટ્યા હોય તેમ માનવામાં આવે છે. આગ ગત મોડી રાત્રે કે વહેલી સવારે લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે જ્યારે આગનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.
આ મામલે અમદાવાદ શહેર પોલીસના એસીપી હરીશકુમાર કણસાગરાએ મીડિયાને જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં લાગેલી આગમાં બે લોકોના મૃત્યુ થયા છે. બંનેના મૃતદેહ હોસ્પિટલની સીટી પર પડ્યા હતા. તપાસ માટે ઘટના સ્થળે એફએસએલ સહિતની ટીમને બોલાવાઈ હતી. સાથે જ ટોરેન્ટ પાવરની ટીમ પણ તપાસ કરી આગનું કારણ શોધી રહી છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, આગ લાગી ત્યારે બંનેએ આગને બુઝાવવા પ્રયાસ કર્યો હતો.
આ ઘટના મામલે હોસ્પિટલના માલિક ડૉ. ધવલ મોદીએ મીડિયાને જણાવ્યું હતું કે, હોસ્પિટલ ડે કરે છે માત્ર દિવસે સારવાર કરવામાં આવે છે. માટે હોસ્પિટલમાં રાત્રે કોઈપણ દર્દીને દાખલ કરવામાં આવતા નથી. માત્ર સિક્યોરિટી ગાર્ડ પોતાની પત્ની સાથે હોસ્પિટલમાં હાજર હતો. પરંતુ જ્યારે સવારે નરેશભાઈને ફોન કર્યો ત્યારે તેમણે ફોન ઉઠાવ્યો ન હતો. બાદમાં જ્યારે હોસ્પિટલના સ્ટાફનો વ્યક્તિ હોસ્પિટલ પહોંચ્યો ત્યારે તેને કંઈક અજુગતું હોવાની જાણ થઈ હતી. બાદમા તેણે બારી તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારે તેને હોસ્પિટલમાં આગ લાગવાની જાણ થઈ હતી. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, આગ લાગવાનો સમય મોડી રાત્રિ અથવા વહેલી સવાર હશે.
મળતી માહિતી મુજબ હોસ્પિટલના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હતા. તેમજ મૃતક સિક્યોરીટી ગાર્ડ નરેશભાઈ છેલ્લા એક વર્ષથી અહીં નોકરી કરતા હતા. તેમજ આ ઘટનાની જાણ ફાયર વિભાગને સવારે 9:30 વાગ્યા આસપાસ થઈ હતી, પરંતુ જ્યારે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે તેમને ધુમાડા જ જોવા મળ્યા હતા અને, પલંગ પર મૃત હાલતમાં એક પુરુષ અને મહિલા જોવા મળ્યા હતા.
Tag Two dead in incident of fire at Modi Eye Care Hospital in Naranpura
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








