નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટ(Rajkot)ની દૂધસાગર ડેરી રોડ પરની કુખ્યાત ગેંગના વડા ઈમ્તિયાઝ ઉર્ફે લાલો ભીખુભાઈ રાઉમાની જામીન અરજી કોર્ટે સમાધાન બાદ પણ રદ્દ કરી છે. કોર્ટે નોંધનીય ચુકાદો આપવા પાછળ સરકાર પક્ષે રોકાયેલા વકીલની દલીલની ભૂમિકા મુખ્ય રહી હોવાનું મનાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી ઈમ્તિયાઝની ટોળકી પર અત્યાર સુધીમાં નોંધાયેલા અનેક ગુનાઓને ધ્યાનમાં લઈને GCTOC હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
GCTOC ની કલમો હેઠળ રાજકોટમાં પ્રથમ વખત ઈમ્તિયાઝ અને તેની ગેંગ સામે ગુનો નોંધાયો હતો. શહેરના મનહરપરા વિસ્તારમાં ઈમ્તિયાઝ ઉર્ફે લાલો અને તેની ટોળકીએ અંધાધૂંધ ફાયરીંગ કર્યું હતું. તેના CCTV ફૂટેજ પણ બહાર આવ્યા હતા. ત્યારબાદ ઈમ્તિયાઝ ઉર્ફે લાલા ગેંગ સામે GCTOC હેઠળ ગુનો નોંધાયો હતો. થોરાળા પોલીસ સ્ટેશનમાં પીઆઈ જી. એમ. હડિયા સરકાર તરફે ફરિયાદી બન્યા હતા. જોકે આ ફાયરિંગ કેસમાં ફરિયાદી સાથે સમાધાન થઈ ગયા બાદ પણ જામીન અરજી રદ થઈ છે. સરકારી વકીલની દલીલને ધ્યાનમાં લઈને કોર્ટે જામીન અરજી નામંજૂર કરી છે.
થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2020માં ઈમ્તિયાઝ ઉર્ફે લાલો ભીખુભાઈ રાઉમાએ ફરિયાદી મોહસીન દિલાવર કુરેશી ઉપર ફાયરિંગ કરી હત્યા નિપજાવવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર બનાવ અંગે થોરાળા પોલીસે આરોપી ઈમ્તિયાઝ ઉર્ફે લાલો વિરુદ્ધ હત્યાની કોશિષનો ગુનો દાખલ કરી જેલ હવાલે કર્યો હતો. જેલમાં રહેલા આરોપીને જામીન મુક્ત કરવા માટે જામીન અરજી કરવામાં આવી હતી. જોકે ફરિયાદીએ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું, સાથે જ આરોપીને જામીન મુક્ત કરે તો ફરિયાદીને કોઈ વાંધો ન હોવાનું કોર્ટ સમક્ષ રજુઆત કરી હતી.
જોકે ઈમ્તિયાઝ ઉર્ફે લાલો ભીખુભાઈ રાઉમાની જામીન અરજી અંગે સરકારી વકીલ મુકેશ પીપળીયાએ વાંધો લઈને આરોપીની ક્રિમિનલ રેકોર્ડ કોર્ટ સામે રાખી દલીલ કરી હતી કે, આરોપી સામે અગાઉ 19 પ્રકારના ગંભીર ગુના નોંધાયેલા છે. આરોપી જેલમાં બેઠા-બેઠા ફરિયાદીને સમાધાન માટે તૈયાર કરી શકતો હોય તો બહાર આવી શું ન કરી શકે, આરોપી બહાર નીકળીને ફરી કોઈને પણ ધામકીઓ આપી શકે, ગુના આચરી શકે, જેથી આરોપીની જામીન અરજી નામંજુર કરવી જોઈએ. સરકારી વકીલની દલીલ સાંભળ્યા બાદ સેશન્સ કોર્ટના ન્યાયમૂર્તિ જે.ડી. સુથારે ઈમ્તિયાઝ ઉર્ફે લાલો ભીખુભાઈ રાઉમાની જામીન અરજી નામંજૂર કરતો હુકમ આપ્યો હતો.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








