નવજીવન ન્યૂઝ. સુરતઃ ભારતમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનું આંતરરાષ્ટ્રીય રેકેટ ચલાવનારો મુખ્ય સૂત્રધારને ગુજરાત સ્ટેટ મોનિટરીંગ સેલે(Gujarat State Monitoring Cell) મુંબઈથી ઝડપી પાડ્યો છે. આરોપીને લૂક આઉટ સર્કલ આધારે એરપોર્ટ ખાતેથી પકડી પાડવામાં આવ્યો હતો. આરોપી દુબઈથી મુંબઈ એરપોર્ટ પર આવતા જ પોલીસે ઝડપી પાડ્યો હતો. ગુજરાત સ્ટેટ મોનિટરીંગ સેલે ટ્રાન્સફર વોરંટના આધારે મુંબઈથી ગત 25 તારીખે આરોપીનો કબજો મેળવી તેની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર, ગત એપ્રિલ મહિનામાં સુરતના અડાજણ વિસ્તારના પાલમાં આવેલા શ્રીપદ એન્ટેલિયા એપાર્ટમેન્ટમાં સ્ટેટ મોનિટરીંગ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં IPL મેચમાં ઓનલાઈન સટ્ટો રમાડતા બુકી ભરત જશવંતલાલ ઠક્કર અને પ્રકાશ ચતુરભાઇ ઠક્કરની ધરપકડ કરાઇ હતી. બુકી પાસેથી સટ્ટો રમાડવા માટે ઉપયોગમાં લેવાતા મોબાઇલ ફોન, લેપટોપ અને રોકડ મળી 50 હજાર કિંમતની મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. આ સટ્ટાના રેકેટમાં કુલ 14 જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં જીગર દિપકભાઇ ટોપીવાલા (રહે, પવિત્રા રો હાઉસ, સહજ સુપર સ્ટોર પાસે અડાજણ) IPL શરુ થઇ ત્યારથી દુબઇ જતો રહ્યો હતો અને દુબઇમાં રહીને પોતાનું નેટવર્ક ભારતમાં ઓપરેટ કરતો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.
જીગર ટોપીવાલા છેલ્લા કેટલાક સમયથી દુબઈમાં રહીને ભારતમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવતો હતો. જીગર ક્રિકેટ બેટિંગની એપ્લિકેશન મારફતે ભારતમાં જુદા જુદા ગ્રાહકોને ઓનલાઇન આઈડી આપતો હતો. આમ જીગર માસ્ટર આઇડીથી મેચનો કરોડોના સટ્ટો ભારતમાં રમાડતો હતો. સુરતના અડાજણમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ક્રિકેટ સટ્ટાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં નાસતો ફરતો મુખ્ય આરોપી જીગરને લૂક આઉટ સર્કલ આધારે મુંબઈ એરપોર્ટ ખાતેથી પકડી પાડ્યો હતો. જીગર દુબઈ ખાતેથી ક્રિકેટ સટ્ટાનું ઈન્ટરનેશનલ રેકેટ ચલાવતો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશભરમાં ઓનલાઈન સટ્ટા બેટિંગ હવે તંત્રના કાબૂમાં રહ્યો નથી. કથિત રીતે ટી.વી, છાપા, બેનરોમાં જાહેરમાં ઓનલાઈન સટ્ટાની જાહેરાતો જોવા મળતી હોય છે. આજની તારીખના જ એક મોટા ગુજરાતી દૈનિક પેપરમાં પણ ફ્રન્ટ પેજ પર ઓનલાઈન સટ્ટા બેટિંગની જાહેરાત છે. આમ અવાર-નવાર ક્રિકેટ બેટિંગની જાહેરાતો લોકો સમક્ષ આવતી હોય છે જેને અટકાવવામાં પણ પોલીસ કે તંત્રને કોઈ રસ નથી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








