Thursday, June 4, 2026
HomeGujaratભાવનગરની અંધઉદ્યોગ શાળામાં વિદ્યાર્થીને ઢોરમાર મારવાની ઘટનામાં પોલીસ કાર્યવાહી શંકાના દાયરામાં

ભાવનગરની અંધઉદ્યોગ શાળામાં વિદ્યાર્થીને ઢોરમાર મારવાની ઘટનામાં પોલીસ કાર્યવાહી શંકાના દાયરામાં

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભાવનગર: ભાવનગરમાં આઝાદી પહેલા મહારાજા કૃષ્ણકુમારસિંહજી (Maharaja Krishnakumarsinhji of Bhavnagar) દ્વારા સ્થાપિત કે.કે. અંધ ઉદ્યોગશાળામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં શાળામાં અભ્યાસ કરતા એક યુવકને ઢોરમાર મારી ગોંધી રાખ્યો હતો, બાદમાં યુવકની તબિયત લથડેલી હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. શંકાસ્પદ આ મામલે ભીનું સંકેલી લેવાનો પ્રયાસ થતો હોવાની નગરજનોમાં ચર્ચાએ જોર પકડ્યું છે.

પાઈપ અને પટ્ટા વડે માર માર્યો

beating of a student in Andh udyog school
beating of a student in Andh udyog school

પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગરની કે.કે. અંધ ઉદ્યોગશાળામાં અભ્યાસ કરતા 13 વર્ષના વિદ્યાર્થીને શાળામાં જ અન્ય વિદ્યાર્થીઓએ ઢોરમાર માર્યો હતો. ઘટનામાં ભોગ બનનાર અંધ વિદ્યાર્થીએ શાળામાં ગત 25 ડિસેમ્બરે થયેલી ચોરીની કબૂલાત માટે બળજબરીપૂર્વક રૂમમાં બંધ કરી સવારે 9થી 12 વાગ્યા સુધી સતત રૂમ બંધ કરી માર માર્યાનો આક્ષેપ કર્યો છે. વિદ્યાર્થીને માર માર્યા બાદ બાળક અર્ધબેભાન હાલતમાં હોય ડરી જઈ બાદમાં 10 કલાક સુધી ગોંધી રાખવામાં આવ્યો હતો. વિદ્યાર્થીનો આક્ષેપ જોવા મળે છે જેમાં તેને પાઈપ અને પટ્ટા વડે માર મારવામાં આવ્યો હોવાનું જણાવે છે.

- Advertisement -

પીઆઈ રવિવારની રજા પર છે

ઘટનાની જાણ વિદ્યાર્થીના પરિવારને ત્યારે થઈ જ્યારે તેને મળવા માટે આવ્યા હતા અને માર માર્યાના નિશાન જોવા મળ્યા હતા. વિદ્યાર્થીને સાંજના સમયે તેના માસીને સોંપી દેવામાં આવ્યો હતો. બાદમાં તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન ગંભીર માર માર્યાની ઘટના સામે આવતા હાજર સૌ કોઈ ચોંકી ગયા હતા. પરિવારનો આક્ષેપ છે કે, તેમણે આ મામલે ભાવનગરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા માટે તજવીજ હાથ ધરી ત્યારે પી.આઈ. રવિવારની રજા પર છે તેમ જણાવી પરત મોકલી દેવાયા હતા. બાદમાં 8 કલાક સુધી પરિવારને આજીજી કરી છતાં પણ તેમની એફ.આઈ.આર. પોલીસ દ્વારા નોંધવામાં આવી ન હતી.

પોલીસની ભૂમિકાએ શંકા જન્માવી

પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરવાના બદલે રવિવારની રજાનું બહાન કરતા પોલીસની ભૂમિકા પર પરિવારને શંકા ગઈ હતી. બાદમાં આ મામલો કેટલાક રાજકિય આગેવાનો પાસે પહોંચતા તેમણે પણ ભીનું સંકેલવા પ્રયાસ કર્યા હોવાનું સ્થાનિકોમાં ચર્ચા છે. આ મામલે નવજીવન ન્યૂઝના પત્રકારે પીઆઈ સાથે વાત કરતા તેઓએ આ મામલે એસ.પી. કચેરી ખાતે બેઠક હોવાનું જણાવ્યું હતું. સાથે જ તેમણે પરિવારે એફઆઈઆ નહીં નોંધવાનો આક્ષેપ ફગાવતા કહ્યું કે, હું રજા પર છું પરંતુ ફરિયાદ નહીં નોંધવાની કોઈ ઘટના ઘટી નથી. જ્યારે આ મામલે એફઆઈઆર દાખલ કરવા મામલે પી.આઈ. એ. એમ. ભુવાએ તપાસ ચાલી રહી છે જો ગુનો બનતો હશે તો એફઆઈઆર કરશું તેમ જણાવ્યું હતું.

હજૂ સુધી એફઆઈઆર નોંધાઈ નથી

આ મામલે ભાવનગર શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઓ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, ઘટનામાં ભોગ બનનાર અંધ વિદ્યાર્થીને અન્ય અંધ વિદ્યાર્થી સાથેનો ઝઘડો હોય હાલ સુધી કાર્યવાહી કરવામાં આવી નથી.

- Advertisement -

ટ્રસ્ટી હાજર નથી

ઘટના સંદર્ભે માહિતી મેળવવા માટે અંધ ઉદ્યોગશાળાના ટ્રસ્ટી લાભુભાઈ સોનાણી સાથે ટેલિફોનીક સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેમનો ફોન બંધ હોય સંપર્ક થઈ શક્યો નથી. જ્યારે ટ્રસ્ટની કચેરી ખાતે વાત કરી ટ્રસ્ટીનો સંપર્ક કરતા હાલ પ્રિન્સિપલ કે ટ્ર્સ્ટી કોઈ હાજર નહીં હોવાનો જવાબ મળ્યો હતો.

પોલીસે માંડ અરજી લીધી: વાલીનો બળાપો

ભોગ બનનાર વિદ્યાર્થીના પિતા રવજીભાઈ દામાણી સાથે ટેલિફોનિક ચર્ચા કરતા તેમણે આ લખાય છે ત્યારે જણાવ્યું હતું કે, ફરિયાદ માટે પોલીસ સ્ટેશન ગયા ત્યારે રવિવારે પીઆઈ રજા પર છે તેમ કહી રવાના કરી દેવાયા હતા. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, તેમના પુત્રને અનહદ માર માર્યો છે તેવી ખબર હોવા છતાં પણ શાળાના પ્રિન્સિપલ કે સત્તાધીશોએ તેમને જાણ સુદ્ધા કરી નહીં. બાદમાં વિદ્યાર્થીના મિત્રએ ફોન કરતા તેમનો બાળક ઘાયલ હોવાના સમાચાર મળ્યા હતા. આજરોજ ભાવનગરના એસપી રવિન્દ્ર પટેલ પાસે જઈ રજૂઆત કરી હતી અને તેમણે આજે પીઆઈ એ.એમ. ભુવાને કાર્યવાહી કરવા સૂચના આપી હતી. હાલ સુધી પણ પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી શરૂ કરી નથી.

મહારાજાએ 1932માં સ્થાપી હતી શાળા

ઉલ્લેખનીય છે કે, ભાવનગરના મહારાજ કૃષ્ણસિંહજીએ વર્ષ 1932માં ભાવનગરથી પરત ફરેલા યુવાનની મુલાકાત બાદ દ્રષ્ટિહીન અને અલ્પદ્રષ્ટિવાળા લોકો માટે ખાસ અંધઉદ્યોગ શાળાની સ્થાપના કરી હતી. એક સદી બાદ પણ આ અંધ ઉદ્યોગશાળામાં બ્રેઈલ લિપિના પુસ્તકોનું પ્રેસ અને પુસ્તકાલય પણ આવેલું છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular