નવજીનવ ન્યૂઝ. અમદાવાદ: ગતરોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભાજપના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 16 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા. ત્યારે મુખ્યમંત્રી સહિતના મંત્રીઓના ક્રિમિનલ રેકોર્ડ અને સંપત્તિ તેમજ શિક્ષણ સહિતની વિગતોનો ઝીણવટ પુર્વકનો અહેવાલ ADR દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. જે અહેવાલ મુજબ 4 મંત્રીઓ પર ગુના દાખલ થયેલા છે જેમાના એક મંત્રી પર ગંભીર ગુનો નોંધાયેલો છે.
ગુજરાત વિધાનસભામાં ફરીથી મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં સરકાર બની છે. જે સરકારમાં હાલ 16 મંત્રીઓ હશે જેમાં મુખ્યમંત્રી સહિત 9 કેબીનેટ મંત્રીઓ તેમજ રાજ્ય કક્ષાના 8 મંત્રીઓને સામેલ કરવામાં આવ્યા છે. દરેક મંત્રીઓના ખાતાની પણ ફાળવણી થઈ ગઈ છે અને આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચાર્જ પણ લઈ લીધો છે. જેમાં 24 % એટલે કે 4 મંત્રીઓ પર ક્રિમિનલ કેસ નોંધાયેલા હોવાનું એડીઆરના અહેવાલમાં જણાવાયું છે. આ મંત્રીઓમાં હર્ષ સંઘવી, પરષોત્તમ સોલંકી, રાઘવજી પટેલ અને ઋષિકેશ પટેલના નામ સામેલ છે. જ્યારે પરષોત્તમ સોલંકી પર આઈપીસીની કલમ 420, 467, 477 જેવી ગંભીર કલમ મુજબ ગુનો નોંધાયેલો છે. પરંતુ જુના મંત્રી મંડળની વાત કરીએ તો 7 મંત્રીઓ ગુનાઈત ઇતિહાસ ધરાવતા હોવાનું આ અહેવાલ પરથી માલૂમ પડે છે.
જો નાણાકીય માહિતીઓની વાત કરવામાં આવે તો રાજ્ય સરકારના 17 માંથી 16 મંત્રીઓ કરોડપતિ છે, જેમની સરેરાશ મિલકત રૂપિયા 32.70 કરોડ છે. એડીઆરના રિપોર્ટમાં સાથે જ માહિતી આપવામાં આવી છે કે, ગત મંત્રી મંડળમાં સામેલ મંત્રીઓની સરેરાશ મિલકત રૂપિયા 3.95 કરોડ હતી. જ્યારે સૌથી પૈસાદાર મંત્રી બળવંતસિંહ રાજપૂત છે જેમની પાસે રૂપિયા 372.65 કરોડની મિલકત છે. અને સૌથી ઓછા ધનિક મંત્રી દેવગઢ બારિયાના બચુ ખાબડ છે જેમની પાસે રૂપિયા 92.85 લાખની મિલકત હોવાનું આ અહેવાલમાં જણાવાયું છે. સાથે જ જવાબદારીની વાત કરીએ તો સૌથી વધુ જવાબદારી પણ બળવંતસિંહ રાજપૂત પર છે જેમના પર રૂપિયા 12.59 કરોડનું દેણું છે.
રાજ્ય સરકારના મંત્રીઓના શિક્ષણનું વિશ્લેષણ જણાવે છે કે, 6 મંત્રીઓ ધોરણ 8થી 12 વચ્ચેનો અભ્યાસ ધરાવે છે. તેમજ 8 મંત્રીઓ ગ્રેજ્યુએટ અથવા તેથી વધારેનું શિક્ષણ ધરાવે છે બાકીના 3 મંત્રીઓ ડિપ્લોમાંની પદવી ધારક હોવાનું એડીઆરના અહેવાલ પરથી જણાય છે. જ્યારે માત્ર 3 મંત્રીઓ જ છે જેમની ઉંમર 31થી 51 વર્ષ છે બાકીના તમામ 14 મંત્રીઓ 51થી 80 વચ્ચેની ઉંમરના છે. ટૂંકમાં મોટાભાગના મંત્રીઓ પીઢ છે અને યુવાનો મંત્રીમંડળમાં પહોંચવામાં નિષ્ફળ રહ્યાં છે તેમ કહી શકાય. ઉપરાંત માત્ર એક જ મહિલા છે ભાનુબેન બાબરીયા જેમને મંત્રી મંડળમાં સ્થાન પ્રાપ્ત થયું છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








