Monday, May 4, 2026
HomeGujaratદારૂના પીપડા અને ખુલ્લેઆમ મહેફિલો આવી હતી ગુજરાતમાં પ્રથમ ચૂંટણી !

દારૂના પીપડા અને ખુલ્લેઆમ મહેફિલો આવી હતી ગુજરાતમાં પ્રથમ ચૂંટણી !

- Advertisement -

રીઝવાન કાદરી (નવજીનવ ન્યૂઝ, અમદાવાદ): ૧૫ ઑગસ્ટ, ૧૯૪૭ ભારતના ઇતિહાસમાં અત્યંત મહત્વનો છે. કેમકે એ દિવસે ઘણા લાંબા સ્વતંત્રતા સંગ્રામ પછી દેશ આઝાદ થયો હતો. પરંતુ તેના ૬૨ વર્ષ પૂર્વે ૧૫ ઑગસ્ટ, ૧૮૮૫ના રોજ ગુજરાતમાં સર્વપ્રથમ વખત મતપત્રથી મતદાન દ્વારા પ્રજાએ પ્રતિનિધીઓની ચૂંટણી કરી હતી. આજની જેમ જ આ સર્વપ્રથમ ચૂંટણી વખતે મતદારોને આકર્ષવા માટે ઉમેદવારો દ્વારા જાતજાતના હથકંડા અજમાવવામાં આવ્યા હતા.

ચૂંટણીમાં મારામારી ત્યારે પણ થતી !

- Advertisement -

એ જમાનનામાં ચૂંટણીપંચ કે આચારસંહિતા અમલમાં ન હોવાથી ઉમેદવારો મતદારોને આકર્ષવા માટે ખુલ્લેઆમ નાણાં આપતા, ભોજન સમારંભો યોજાતા, દારૂની મહેફિલો જામતી. મતદારોને અનાજ, કરિયાણું, દૂધ-ઘી વહેંચવામાં આવતું. ઉમેદવારો વચ્ચે રસાકસી થવાને કારણે છૂટા હાથની મારામારી, પથ્થરમારો થવાના અનેક પ્રસંગો બન્યા હતા. અનેક લોકોના માથા પણ ભાંગ્યા હતા. કેટલાક ઉમેદવારોએ તો એકથી વધુ બેઠક પર ઉમેદવારી કરી હતી. તો ઘણા ઉમેદવારો તો એક પણ મતદારે મત ન આપતા પોતાનું ખાતું સુદ્ધાં ખોલાવી શક્યા ન હતા.

આવી રીતે થઈ અમદાવાદમાં ચૂંટણીની શરૂઆત

સ્વમાન, સ્વાભિમાન, સહકાર અને સાહસ માટે જાણીતા અમદાવાદીઓએ શહેરના કોટના સમારકામ તથા નગરના વિકાસ માટે સામે ચાલીને કર આપવાનું સ્વીકાર્યું હતું. જે માટે ૨૨ એપ્રિલ, ૧૮૩૧ના રોજ ચાર સભ્યોની ‘ટાઉન વોલ ફંડ કમિટી’ની રચના કરવામાં આવી. આ વિરલ ઘટના માટે અમદાવાદીઓ ચોક્કસ ગૌરવ લઈ શકે કે પ્રજાની સંમતિ અને સહકારથી શહેર સુધરાઈ માટે દેશમાં સ્થાનિક સ્વશાશનની સર્વપ્રથમ સંસ્થાનો પ્રારંભ અમદાવાદમાં થયો હતો. કોટનું સમારકામ પૂર્ણ થયા પછી પણ અમદાવાદીઓએ શહેરની સુરક્ષા, દિવાબત્તી, પાણી છંટકાવ અને સાફસફાઈ માટે સામે ચાલીને કર આપવાની પ્રથા ચાલુ રાખી. ૧૮૫૭માં સરકાર દ્વારા સ્થાનિક સ્વશાસન માટે ‘કમિશન’ રચવામાં આવ્યું અને સરકાર નિયુક્ત સભ્યો ‘કમિશનર’ કહેવાતા. ૧૮૭૪માં અમદાવાદીઓએ સરકાર પાસે સામે ચાલીને ચૂંટણીની માગ કરી, જેને સરકાર દ્વારા નકારવામાં આવી.

- Advertisement -

પ્રથમ વખત અમદાવાદમાં મતદાર યાદી તૈયાર થઈ

દસેક વર્ષ પછી રિપને ૧૮૮૪ના કાયદાથી સ્થાનિક સ્વશાસન માટે ચૂંટણીનું તત્વ દાખલ કર્યું. જેને કારણે અડધા સભ્યોને ચૂંટીને મોકલવાનો નિયમ બન્યો. પ્રથમ વખત અમદાવાદમાં મતદારયાદી તૈયાર કરવામાં આવી. અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં ૭ વોર્ડ માટે ૧૪ બેઠકો નક્કી કરવામાં આવી. જે મુજબ સર્વપ્રથમ ચૂંટણી આગામી ૧૫ ઑગસ્ટ, ૧૮૮૫ના રોજ યોજવાની જાહેરાત થતાં જ શહેરનું વાતાવરણ ગરમાયું.

શાહપુર બેઠક પર જરાપણ રસાસરી ન થઈ

- Advertisement -

નવા મ્યુનિસિપલ કાયદાથી બહેનોને મતાધિકાર જરૂર મળ્યો હતો પણ તેઓ ઉમેદવારી કરી શકતા ન હતા. ઉમેદવારીપત્ર ભરવાની તારીખ નિર્ધારિત કરવામાં આવી. મતપત્રકોની ચકાસણી પછી ૫૪ ઉમેદવારો માન્ય ઠર્યા. કાળુપુર – ૨ બેઠક માટે ૭ ઉમેદવારો હોવાથી સ્પર્ધા વ્યાપક સર્જાઈ. શાહપુર – ૧ બેઠક માટે ઉદ્યોગપતિ અને દાનવીર બેચરદાસ અમ્બાઈદાસ લશ્કરી એકમાત્ર ઉમેદવાર હોવાથી કોઈ પણ પ્રકારની રસાકસી કે સ્પર્ધા ન હતી.

આચારસંહિતા હતી જ નહીં !

ગુજરાતમાં યોજાયેલ આ સર્વપ્રથમ ચૂંટણીમાં મતદારોને આકર્ષવા માટે ઉમેદવારો દ્વારા અખબારોમાં જાહેરાતો આપવામાં આવી, ઠેરઠેર ભિંતચિત્રો લગાડવામાં આવ્યા હતા. પોતાના ટેકેદારો સાથે ઉમેદવારો વાજતે ગાજતે મતદાતાને ઘેર જઈને પત્રિકા આપતા ને સાથે જાતજાતના પ્રલોભનો પણ આપતા હતા. એ જમાનામાં કોઈ પણ પ્રકારની આચારસંહિતાનો અમલમાં ન હોવાને કારણે કેટલાક ઉમેદવારોએ પોતાના મતદાતાઓ માટે માટે ભોજનાલયો શરૂ કર્યા. શાણા મતદાતાઓ પણ જુદાજુદા ઉમેદવારોને ત્યાં જઈને પકવાનની લિજ્જત માણતા.

દારૂના તો પીપડા ઠલવાતા અને મહેફિલો જામતી !

તો ઘણા ઉમેદવારોએ તો દારૂના પીપડા જ ઠાલવી દીધા. ખુલ્લેઆમ દારૂની મહેફિલો જામતી! વળી કેટલાક ઉમેદવારો તો મતદાનની આગલી રાતે પાંચ-પાંચ રૂપિયા રોકડા આપીને મત ખરીદતા પણ જોવા મળ્યા હતા.

મતદારો માટે ઘોડાગાડી મુકાઈ અને ટેકેદારોએ કરી મારામારી

૧૫ ઑગસ્ટના રોજ સવારથી જ મતદાતાઓને પોતાની તરફ ખેંચવા માટે ઉમેદવારો વચ્ચે રીતસરની સ્પર્ધા શરૂ થઈ. ઉમેદવારો દ્વારા પોતાના ટેકેદાર મતદાતાને મતદાન મથક સુધી લાવવા-લઈ જવા માટે ઘોડાગાડીનો પ્રબંધ કરવામાં આવ્યો હતો. મતદારની ખેંચતાણને કારણે ટેકેદારો વચ્ચે છૂટા હાથની મારામારી ને પથ્થરમારાના બનાવો બન્યા હતા. એક-બે ઠેકાણે તો સિપાઈઓ અને પોલીસ અધિકારીઓ સુદ્ધાં ઘાયલ થયા હતા.

૧૯૧૪ મતમાં ‘મઢી નાની બાવા જાજા’ જેવો ખેલ


મતદાનના દિવસે ઉમેદવારો દ્વારા કરવામાં આવેલા વાંધાઓ અને ફરિયાદો પરથી જાણવા મળે છે કે આ ચૂંટણીમાં કેટલી રસાકસી અને સ્પર્ધા હતી! ફક્ત ૧૯૧૪ મતદાતાઓનું મતદાન માન્ય કરવામાં આવ્યું હતું. જેને કારણે વ્યાપક રસાકસી સર્જાઈ હતી.

કેટલાકના તો ખાતા પણ ન ખુલ્યા !

આજની જેમ એ જમાનામાં પણ એકથી વધુ બેઠક પર ઉમેદવારી નોંધાવતા હતા. ગુજરાતના જાણીતા સમાજસુધારક મહીપતરામ રૂપરામે જુદા જુદા ત્રણ વોર્ડની ચાર બેઠકો માટે ઉમેદવારી નોંધાવી હતી. અલબત્ત, મહીપતરામ ત્રણ બેઠકો પરથી હારી ગયા હતા. ૮ ઉમેદવારોને એક પણ મતદારે મત આપ્યો ન હોવાથી તેમના ખાતમાં ૦ મત બોલતો હતો. તો ૬ ઉમેદવારોને ૧ જ મત મળ્યો હતો! સૌથી વધુ ૧૩૧ મત કાળુપુર – ૧ના ઉમેદવાર રતનલાલ ત્રમ્બકલાલને મળ્યા હતા.

ગુજરાતમાં યોજાયેલ સર્વપ્રથમ ચૂંટણીમાં ૧૯૧૪ માન્ય મતદાન થયું હતું. એક નજર ચૂંટણીના પરિણામ પર:

૧. ખાડિયા ૧. વ્રજલાલ સાકારલાલ વકીલ ૧૦૨
૨. કસ્તુરચંદ પ્રેમચંદ ૬૬
૩. ચીમનલાલ કપૂરચંદ ૧૧૭
૨. કાળુપુર ૧. મગનલાલ સરૂપચંદ ૧૨૨
૨. રતનલાલ ત્રમ્બકલાલ ૧૩૧
૩. કાવસજી મંચેરજી ૨૯
૩. દરિયાપુર ૧. અબ્દુલભાઈ નરમાવાલા ૬૬
૨. નરભેરામ રૂઘનાથદાસ ૬૯
૪. શાહપુર ૧. રા. બ. બહેચરદાસ લશ્કરી ૮૧
૨. માધવલાલ રણછોડલાલ ૬૪
૫. રાયખડ નવરોજી પેસ્તનજી ૮૫
૬. જમાલપુર ૧. કાવસજી મંચેરજી ૧૦૪
૨. મહીપતરામ રૂપરામ ૧૦૧
૭. સરસપુર ફરમાનજી પેસ્તનજી ૧૧૧
અને અન્ય પરાં

મનપા માટે શરૂ થયેલું રાજકારણ આજે પણ યથાવત

૧૫ સપ્ટેમ્બર, ૧૮૮૫થી મ્યુનિસિપલ બોર્ડ અસ્તિત્વમાં આવ્યું અને તેની પ્રથમ બેઠક ૨૧ સપ્ટેમ્બરે મળી હતી. આ ચૂંટણીમાં ત્રણ બેઠક પરથી પરાજિત થનારા મહીપતરામ રૂપરામને મ્યુનિસિપલ પ્રમુખ રણછોડલાલ છોટાલાલ સાથે અંટસ પડી અને તેમણે સરકાર સમક્ષ ઈલેક્શન પિટીશનો કરી. હાર-જીતની કિન્નાખોરી ઉમેદવારો કે તેના સમર્થકોમાં લાંબા સમય સુધી ચાલતી રહી. આ ચૂંટણી પછી મ્યુનિસિપાલિટીમાં શરૂ થયેલ રાજકારણ મહોલ્લા-પોળના ખૂણેખાંચરે વ્યાપી ગયું. જે આજે પણ ચાલુ છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular