નવજીવન ન્યૂઝ, આણંદ : આણંદ જિલ્લા (Anand District) ની ઉમરેઠ વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીનું પરિણામ જાહેર (Umreth by Election Result) થઈ ગયું છે. BJP એ ઉમરેઠ વિધાનસભા બેઠક જાળવી રાખી છે. કૉંગ્રેસના હારેલા ઉમેદવારે પરાજય પાછળ EVM ને જવાબદાર ગણાવ્યું છે. ગત 23 એપ્રિલે પેટા ચૂંટણી માટે 60 ટકા આસપાસ મતદાન નોંધાયું હતું. આ ચૂંટણી જંગમાં કુલ 6 ઉમેદવારો મેદાનમાં હતા.
ઉમરેઠ વિધાનસભા બેઠક (Umreth Assembly Constituency) ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમારે 30 હજારથી વધુ મતોના જંગી માર્જિનથી વિજય (Harshad Govindbhai Parmar) મેળવ્યો છે. પૂર્વ ધારાસભ્ય સ્વ. ગોવિંદભાઈ પરમારના અવસાન બાદ ખાલી પડેલી આ બેઠક પર ભાજપે તેમના પુત્ર હર્ષદ પરમારને ટિકિટ આપી હતી. આ ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણે પોતાની હાર સ્વીકારવાની સાથે જ EVM (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) પર દોષનો ટોપલો ઢોળ્યો છે. તેમણે પરિણામ બાદ આક્ષેપ કર્યો હતો કે હારનું મુખ્ય કારણ EVM માં થયેલી ગરબડ હોઈ શકે છે.








