નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ મોરબીમાં મચ્છુ નદી પર આવેલો ઝુલતો પુલ તૂટતા 130થી વધુ લોકોના મોત નિપજ્યા હતા. સમગ્ર મામલે હાઈકોર્ટમાં સુઓ મોટો દાખલ કરવામાં આવી હતી. આ કેસ કેસ અંગે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટે ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે રાજ્યના ચીફ સેક્રેટરીને અનેક વેધક પ્રશ્ન કર્યા હતા, સાથે જ મોરબી નગરપાલીકાનો પણ ઉધડો લીધો હતો.
ગુજરાત હાઇકોર્ટમાં આજે મોરબી પુલ દુર્ઘટના મામલે સુઓમોટો પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ સોગંદનામું રજૂ કર્યું હતું. તેમણે કોર્ટમાં નિવેદન આપતા કહ્યું હતુ કે, ‘દિવાળીના તહેવારના કારણે ઝુલતા પુલ પર લોકોનો ઘસારો હતો. દરરોજ સરેરાશ 3165 મુલાકાતીઓ પુલ પર આવતા હતા, એક સમયે ૩૦૦ મુલાકાતીઓ પુલ પર હતા. આ કેસની તપાસ ચાલી રહી છે, FSL પણ તપાસ કરી રહી છે. જવાબદાર અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ઉપરાંત કેટલાકની લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.’
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે મોરબી દુર્ઘટનાની સુનાવણી દરમિયાન મુખ્ય સચિવને વેધક સવાલો કરતા કહ્યું હતું કે, શા માટે જાહેર રીતે પુલ સમારકારનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું ન હતું, શા માટે બોલી આમંત્રિત કરવામાં ન આવી, આટલા મહત્વ કામનો કરાર કેમ દોઢ પાનામાં જ પૂરો કરી દેવામાં આવ્યો, રાજ્ય સરકાર એટલી બધી ઉદાર હતી કે આ બાબતે કોઈ ટેન્ડર જ બહાર ન પાડ્યું અને સીધેસીધું કામ સોંપી દેવામાં આવ્યું, કોન્ટ્રાક્ટરની મુદત 2016માં પૂરી થઈ હતી, પ્રથમ કરારની મુદ્દત પૂર્ણ થયા બાદ કયા આધારે કોન્ટ્રાક્ટર દ્વારા બ્રિજને ૩ વર્ષ ચલાવવાની મંજૂરી અપાઈ? હાઈકોર્ટે તમામ સવાલોની વિગતો 2 સપ્તાહમાં એફિડેવિટમાં કોર્ટ સમક્ષ રજૂ કરવા આદેશ આપ્યો છે.








