નવજીવન અમદાવાદઃ અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી લુખ્ખા તત્વો પોલીસના નાક પર દમ કરી દીધો છે. જોણે કોઇ કાયદાનો ભય જ ન હોય તે રીતે ગુના આચરી રહ્યા છે. ત્યારે ગઈકાલ રાત્રે અમદાવાદમાં લુખ્ખા તત્વો આતંક મચાવ્યો હતો અને નિર્ણયનગર વિસ્તારમાં 15 થી વધુ ગાડીઓના કાચ તોડવામાં આવ્યા હતા. વિસ્તારની નજીક આવેલા ATMને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગઈકાલે સાંજના 5 વાગ્યાની આસપાસ ફરીયાદી ઘરેથી પાન મસાલો ખાવા જઇને પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન રસ્તામાં રોહિત ઠાકોર તથા સાગર ઠાકોર અને અન્ય બે લોકો ફરિયાદીને રોકી ખીસ્સામાંથી મોબાઇલ અને રોકડ 2 હજાર કાઢી લીધા હતા. રાત્રીના સમયે ફરિયાદીના મોબાઇલ તથા રોકડ પરત લેવા ગયા ત્યારે આરોપીએ છરા, લોખંડની પાઇપ અને લાકડીથી માર માર્યો હતો.
ત્યારબાદ રાત્રે 11 વાગ્યાની આસપાસ આરોપીઓએ નંદનવન આવાસ મકાનોની બહાર મુકેલા 15થી વધુ ગાડીઓ અને રિક્ષાના કાચ તોડી નાખવામાં આવ્યા હતા અને ફરીયાદીના માથાના પાછળના ભાગે છરો મારી દીધો હતો. સમગ્ર બાબતે વાડજ પોલીસ સ્ટેશનમાં ચાર વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.








