નવજીવન ન્યૂઝ. વડોદરાઃ ગુજરાતમાં ચૂંટણીનો સમય નજીક આવતા દારૂની હેરાફેરીના કિસ્સામાં વધારો થતો હોય છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં રોજબરોજ અલગ-અલગ જિલ્લાઓમાંથી દારૂનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે વડોદરામાંથી PCBની ટીમે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ઉપરાંત ચાર આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર, વડોદરામાં નાગરવાડા ખોડીયાર માતાના ખાંચામાં રહેતા કીરણ શ્યામલાલ કહાર ઈંગ્લીશ દારૂનો ધંધો કરી રહ્યો છે. તેણે ભાયલી વિસ્તારમાં કોઈક જગ્યા પર ભાડાથી ગોડાઉન રાખ્યું છે. તેમના માણસો એખ ટેમ્પોમાં દારૂનો જથ્થો લઈને નીકળ્યા હોવાની માહિતી PCBની ટીમને મળી હતી. ઉપરાંત પોલીસની નજરથી બચવા દારૂનો જથ્થા ભરેલા ટેમ્પોનું બાઈક દ્વારા પાયલોટીંગ કરી ગ્રાહકો સુધી લઈ જવામાં આવતો હતો.
PCBની ટીમને માહિતી મળતા ભાયલીથી આવતા રોડ પર વિહાન ચોકડીથી પંચમુખી હનુમાન મંદીર વચ્ચેના રોડ પાસે પોલીસ વોચ રાખીને બેઠા હતા. આ દરમિયાન દારૂ ભરેલો ટેમ્પો અને પાયલોટિંગ કરતાં એક બાઈક ચાલક કુલ ચાર લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો 3.67 લાખનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ગૌરાંગ ઉર્ફે ભયલુ જગદીશભાઇ પટેલ રહે. ( રાવપુરા ટાવર પાછળ રામજી મંદીરની ચાલી વડોદરા), મુકેશભાઇ ગણપતભાઇ પટેલ રહે ( હુજરાત પાગા સરકારી અનાજના ગોડાઉનના ઝાપા પાસે વડોદરા), કરણ રાજુભાઇ ચૌધરી રહે (હુજરાત ટેકરા બાવચાવાડ મહાકાળી મંદીર પાસે વડોદરા), લાલાભાઇ ઉર્ફે સંજુ વસંતભાઇ નાગર રહે ( ઘી કાંટા રોડ વડ ફળીયા રાવપુરા વડોદરા)ને ઝડપી પાડવામાં આવ્યા છે.








