નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ગુજરાતીઓની રૂપિયા કમાવી લેવાની વૃત્તિ માત્ર દેશમાં જ નહીં દુનિયામાં જાણિતી છે. ધંધા અને રૂપિયાની ગણતરીઓ જાણે ગળથૂથીમાં જ મેળવી લેતા હોય તેમ દેશ દુનિયામાં તેમની આ આવડતની સરાહના થતી હોય છે. રૂપિયા કમાવાની મળેલી તક જવા દે એ ગુજરાતી નહીં આ વાતને સાર્થક કરતી એક ઘટના અમદાવાદમાં બની છે. અમદાવાદના એક વ્યક્તિના ડીમેટ ખાતામાં ભુલથી 11677 કરોડ જમા કરી દીધા. વ્યક્તિએ વિચાર્યું કે આ રુપિયા આપણે પાછા આપવાના જ છે, અને ખાતામાંથી પાછા લઈ જ લેશે. તો પછી કેમ ના આ રૂપિયાને ઈન્વેસ્ટ કરી થોડા રૂપિયા કમાવી લઈએ. બસ શેર બજારમાં રોકાણ કર્યું અને માત્ર અડધા કલાકમાં લાખોનો પ્રોફિટ બુક કરી નીકળી ગયા. હવે ખાતામાં જમા કરનારને તેના રૂપિયા પણ મળી ગયા અને ભાઈને કમાણી પણ થઈ ગઈ. છે ને અસ્સલ અમદાવાદી.
આ નસીબદાર અને ભેજુ તથા રિસ્ક ઉઠાવનારા ગુજ્જુનું નામ છે રમેશ સાગર, આમ તો મૂળ પોરબંદરના છે પરંતુ છેલ્લા 17 વર્ષથી અમદાવાદમાં સ્થાયી થયા છે. રમેશભાઈ અહીં અમદાવાદમાં એમ્બ્રોઈડરીનું કામ કરે છે. જોકે સ્ટોક માર્કેટમાં તેઓ બહુ જુના જોગી નથી પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં તેમણે સ્ટોક માર્કેટમાં ઘણું બધું શીખી અને સમજી લીધું હતું. તેઓ અહીં પત્ની અને ત્રણ બાળકો તથા પિતા સાથે રહે છે એટલે કમાવવાની જવાબદારી માત્ર તેમના શીરે છે.
હવે બની એવી ઘટના કે તેમાં તેમની બુદ્ધી, સાહસ અને તકની કસોટી થવાની હતી. ગત 26 જુલાઈએ સવારે તે સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ કરવા બેઠા હતા. દરમિયાનમાં લગભગ તેમણે બે ત્રણ સોદા જ કર્યા હશે. સ્ટોક માર્કેટમાં પણ તે દિવસે બહુ વધુ મુવમેન્ટ જોવા મળતી ન હોવાનું તેમણે કહ્યું. લગભગ 11.30 સુધી રાહ જોઈ પણ અચાનક જ્યારે તેમની નજર તેમના બેલેન્સ પર પડી તો તેમના ખાતામાં 116 અબજ રૂપિયા જમા થયા હતા.
તેમનું કહેવું છે કે, મારા ખાતામાં આટલી મોટી રકમ જોઈ તો થોડી વારમાં મને વિચાર આવ્યો કે આમ પણ ખાતામાં જમા થયેલી આવી રકમ તો તે પાછા લઈ જ લેવાના છે. તો કેમ નહીં આ રૂપિયાને અડધો કલાક કલાક માટે ક્યાંક સ્ટોક માર્કેટમાં રોકી લઉં. જે પ્રોફિટ નીકળશે તે બુક કરી લઈશ અને જ્યારે આ રૂપિયા પાછા ખેંચાઈ જશે ત્યારે ત્યાં આપી પણ દઈશું.
તેમણે કહ્યું કે આમ તો હું સામાન્ય દિવસોમાં વધુમાં વધુ 25 હજાર રૂપિયા જ ઈન્વેસ્ટ કરું છું. પણ હવે મારી પાસે 11677 કરોડ રૂપિયા હતા એટલે મારે માત્ર ઈન્વેસ્ટ કેટલા કરવા એટલું જ વિચારવાનું હતું. તો આમ પણ રૂપિયા પાછા લઈ જ લેવાની છે તેની મને ખબર હતી. તેથી વધુ સમય ન લગાડતા મેં લગભગ બપોરના 12 વાગ્યાના અરસામાં ઈન્વેસ્ટમેન્ટ શરૂ કર્યું. બેન્ક નિફ્ટીમાં અંદાજે બે કરોડ રૂપિયા રોક્યા અને 12.30 થઈ એટલે જે પ્રોફીટ મળતો હતો તે બુક કરી લીધો. એ નફો લગભગ 5.64 લાખ રૂપિયા હતો.
સાંજે સેટલમેન્ટ થયું પણ મારો જે નફો હતો તે બેન્કમાં મને મળી ગયો અને ખાતામાં જે ભુલથી મને જે રૂપિયા આપ્યા હતા તે કપાઈ પણ ગયા. એ રૂપિયા શેરમાંથી આવ્યા કે બેન્કમાંથી મને ખબર નથી પણ મારા ડિમેટ એકાઉન્ટમાં આવ્યા હતા એટલે શેર માર્કેટના જ હશે તેવો મને અંદાજ છે. કદાચ એવું પણ બને કે કોઈ એરરને કારણે આંકડા વધુ ચઢી ગયા હોય. પણ જે પણ હોય આટલું બેલેન્સ થોડું એક સાથે આવે. જોકે હવે મારા ખાતામાં 5.64 લાખ બચ્યા છે.
જોકે તેમણે કહ્યું કે, લગભગ 2 કરોડ રૂપિયાનું મે રિસ્ક લીધું હતું. રિસ્ક હતું કે પ્રોફિટને બદલે નુકસાન થાય તો. જોકે સ્ટોક માર્કેટનો થોડો અનુભવ હોઈ મેં વિચાર્યું કે નુકસાની તો બહુ નહીં અને તેથી ડર ન લાગ્યો કે મને આ માં નુકસાન જશે. પણ હવે પ્રોફિટ થયો છે તેની ખુશી છે. મિત્રો પાર્ટી માગે છે. લગભગ 500 જેટલા ફોન આવ્યા હશે. મેં કહ્યું કે પૈસા એક વખત પાછા આવવા દો એક એકને પાર્ટી કરાવીશ તો અડધા રૂપિયા પાર્ટીમાં જ જતા રહેતા પછી મોટી પાર્ટી કરીએ.








