Sunday, May 31, 2026
HomeGeneralBreaking: ઈશરત એન્કાઉન્ટરની તપાસ કરનાર IPS સતિષ વર્માને ભારત સરકારે કર્યા બરતરફ

Breaking: ઈશરત એન્કાઉન્ટરની તપાસ કરનાર IPS સતિષ વર્માને ભારત સરકારે કર્યા બરતરફ

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): ગુજરાતના ચકચારી ઈશરત જહાં એન્કાઉન્ટર કેસની તપાસ કરનાર ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી સતિષ વર્માને ભારત સરકારે બરતરફીનો આદેશ આપી દીધો છે. સતિષ વર્મા 30 સપ્ટેમ્બરના રોજ નિવૃત્ત થવાના હતા તે પહેલા જ તેમને બરતરફ કરવામાં આવ્યા છે. સરકાર સામે જંગ માંડનાર આ બીજા અધિકારી છે જેમને બરતરફ કરવામાં આવ્યા છે. અગાઉ સંજીવ ભટ્ટ બરતરફ થયા હતા અને હાલમાં તેઓ જેલમાં છે. જોકે સતિષ વર્માની બરતરફીના આદેશના અમલ ઉપર દિલ્હી હાઈકોર્ટે 19મી સપ્ટેમ્બર સુધી રોક લગાવ્યો છે.

વર્ષ 2004માં અમદાવાદના કોતરપુર વોટરવર્ક પાસે ઈશરત સહિત, જાવેદ, જીશાન અને પ્રણેશનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. જે તે સમયે પોલીસનો દાવો હતો કે આ આતંકવાદીઓ હતા. આ સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. ઈશરતની માતા સમિમા કૌસરની દાદ હતી કે, તેની દીકરી ઈશરત સહિતના ચારેયનું પોલીસે બનાવટી એન્કાઉન્ટર કર્યું છે. ગુજરાત હાઈકોર્ટે આ મામલે સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમનું ગઠન કરવાનો આદેશ કર્યો હતો. બાદમાં આ તપાસ સીબીઆઈને સોંપાઈ હતી.

- Advertisement -

સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ અને સીબીઆઈ દ્વારા કરવામાં આવેલી તપાસમાં ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી સતિષ વર્મા સભ્ય હતા. તેમની તપાસની કાર્ય પદ્ધતિ સામે ભાજપ સરકારને વાંધા હતા. સરકારનો આરોપ હતો કે સતિષ વર્મા કેસના મેરિટ પ્રમાણે તપાસ કરવાને બદલે ગુપ્ત એજન્ડા પ્રમાણે ચોક્કસ લોકોને નિશાન બનાવી રહ્યા છે.

2014માં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી થયા પછી સતિષ વર્માને પ્રતિનિયુક્તિ ઉપર ગુજરાતથી ખસેડી શિલોંગ મુકી દેવામાં આવ્યા હતા. ત્યાર પછી ગુજરાત સરકારે તેમની સામે વિવિધ પ્રકારની ખાતાકીય તપાસ શરૂ કરી હતી અને તે સંદર્ભમાં તેમને નોટિસ પણ આપવામાં આવી હતી. સતિષ વર્માએ પોતાની સામે થઈ રહેલી ખાતાકિય તપાસને દિલ્હી હાઈકોર્ટમાં પડકારી હતી. દિલ્હી હાઈકોર્ટે નિર્દેશ કર્યો હતો કે, જ્યારે મામલો ન્યાયાધિન છે ત્યારે સતિષ વર્મા સામે સરકાર કોઈ અંતિમ પગલુ ભરે નહીં. આમ તેમને એક પ્રકારનું કાયદાકીય રક્ષણ મળેલું હતું. સતિષ વર્મા 30 સપ્ટેમ્બર 2022એ નિવૃત્ત થવાના હતા. તે પહેલા જ ભારત સરકારે 30 ઓગસ્ટે સતિષ વર્માની સેવાઓ સમાપ્ત કરવાનો આદેશ કરી દીધો હતો. ભારત સરકારે દિલ્હી હાઈકોર્ટના ધ્યાને મુક્યું હતું કે તેમની સામેની ખાતાકીય તપાસ પુર્ણ થઈ છે. તેમાં તેઓ કસુરવાર સાબિત થતા તેમને બરતરફ કરવામાં આવ્યા છે. 7મી ઓગસ્ટના રોજ સતિષ વર્માને આ આદેશની બજવણી થઈ ચુકી છે. જોકે દિલ્હી હાઈકોર્ટે સતિષ વર્માને વચગાળાની રાહત એવી આપી છે કે, 19 સપ્ટેમ્બર સુધી આ બરતરફીના હુકમનો અમલ કરવો નહીં. આ રાહત મળતા સતિષ વર્માએ પોતાના બરતરફીના હુકમને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular