Thursday, April 30, 2026
HomeGujaratઅમદાવાદમાં અમિત શાહે કહ્યું- રાજ્યો ભારત સરકારના મોડલ જેલ મેન્યૂઅલને અપનાવે તેવો...

અમદાવાદમાં અમિત શાહે કહ્યું- રાજ્યો ભારત સરકારના મોડલ જેલ મેન્યૂઅલને અપનાવે તેવો મારો આગ્રહ

- Advertisement -

નવજીવન ન્યૂઝ અમદાવાદ: આજથી 6 સપ્ટેમ્બર અમદાવાદમાં છઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ યોજાશે. BPRD (Bureau Of Police Research & Development) દ્વારા દર બે વર્ષે આ મીટનું આયોજન કરવામાં આવે છે. 15 વર્ષ બાદ ફરી એક વાર આ મીટનું આયોજન ગુજરાતમાં કરવામાં આવ્યું છે. જેમાં કુલ 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 1031 જેલ અધિકારીઓ 18 જેટલી અલગ અલગ સ્પર્ધામાં ભાગ લેશે. અમદાવાદમાં આવેલા કાંકરિયા ખાતેના ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમમાં આ સમગ્ર મીટનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રિઝન મીટના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લા, ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમાર, અધિક મુખ્ય સચિવ રાજકુમાર, ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયા (IPS), બાલાજી શ્રીવાસ્તવ (BPRDના વડા), ડૉ. કે.એલ.એન. રાવ (IPS) તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
અમિત શાહે સ્પર્ધામાં ભાગ લઈ રહેલા અધિકારી, કર્મચારીઓને શુભેચ્છા પાઠવી હતી. વધુમાં જણાવ્યું હતું કે, રમત-ગમત એ એક જ વસ્તુ એવી છે જેનાથી માણસ બધી જ રીતે હોંશિયાર બને છે. માણસનો શારીરિક વિકાસ તો થાય જ છે સાથે સાથે માનસિક રીતે પણ તે ઘડાય છે. અમિત શાહે કહ્યું હતું કે, હાર પચાવવાની હિંમત અને જીતવાનું જનૂન પણ રમત-ગમતમાંથી મળે છે.

- Advertisement -

આ ઉપરાંત તેઓએ જેલ સુધારાત્મક પ્રવૃત્તિ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, હું માનું છું કે, જેલ પ્રશાસન પણ દેશની આંતરિક સુરક્ષાનું મહત્વ પૂર્ણ અંગ છે. જેલ માટે સમાજનો જે દૃષ્ટિકોણ છે તે પણ બદલવાની જરૂર છે. જેલની અંદર રહેલા દરેક બંદીવાન સ્વભાવગત ક્રિમિનલ નથી હોતો. ક્યારેક કેટલીક ઘટનાઓ જ એવી થઈ જાય છે કે તેમનું નામ અલગ અલગ ગુનાઓમાં આવી જાય અને સજા થાય છે. સમાજમાં ડિસિપ્લિન રાખવા અને સમાજને સ્વસ્થ રાખવા માટે જેલ પણ અનિવાર્ય છે. પણ જેલની જવાબદારી એ પણ છે કે, જે સ્વભાવગત ક્રિમિનલ નથી અથવા જેને ગુન્હો કરવાની આદત નથી તેવા કેદીઓને સમાજમાં પુનઃસ્થાપિત કરવાનો પ્રયત્ન કરવા જોઈએ.

ઘણા બધા એવા રાજ્યો છે, જેમાં અત્યારે પણ અંગ્રેજોના જમાનાના જેલ નિયમો અમલમાં છે. વર્ષ 2016માં ભારત સરકારે નવા મોડલ જેલ મેન્યૂઅલની રચના કરી છે. જેમાં કેદી અને જેલ પ્રશાસન માટે અનેક નિયમો બનાવ્યા છે. એ મોડલ જેલ મેન્યૂઅલ દરેક રાજ્ય અપનાવે એવો મારો આગ્રહ રહેશે અને દરેક રાજ્ય પોતાની જેલોમાં લાયબ્રેરી, હોસ્પિટલ, વીડિયો કોન્ફરન્સ જેવી સુવિધા ઊભી કરે. દરેક જિલ્લામાં જેલનું આધુનિકીકરણ થાય તે ઇચ્છનીય છે.

અમિત શાહે ગુજરાતમાં થયેલી પહેલી પ્રિઝનમીટને યાદ કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં જ્યારે પહેલીવાર દેશભરના ખેલાડીઓ આવ્યા હતા ત્યારે હું ગુજરાતનો ગૃહમંત્રી હતો અને નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા. અને જ્યારે તમે આજે બીજીવાર આવ્યા છો ત્યારે નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન છે અને મને એમણે દેશના ગૃહમંત્રીની જવાબદારી સોંપી છે. ગુજરાતમાં થયેલી બંને મીટમાં હાજર રહેવા માટે આનંદ વ્યક્ત કર્યો હતો.

- Advertisement -

અંતમાં તેમણે અન્ય રાજ્યોમાંથી આવેલા મહેમાનોને કેવડિયા કોલોની, દ્વારકા અને સોમનાથની મુલાકાત લેવાનું જણાવ્યું હતું. જેની તમામ વ્યવસ્થા ગુજરાત સરકાર કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ સ્પર્ધકોને શુભેચ્છા આપી હતી અને ગુજરાતની જેલો વિષે વાત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતની જેલોમાં ઇ-મુલાકાત, ઇ-કોર્ટ, ઓડિયો લાયબ્રેરી જેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેલમાં રહેલા કેદીઓને અલગ અલગ તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં અનેક સંસ્થાઓ અને અધિકારીઓએ અમને સાથ આપ્યો છે. તે તમામનો તેમણે આભાર માન્યો હતો.

ઉદ્ઘાટન પ્રસંગે અમિત શાહના હસ્તે (BPR&D) બનાવવામાં આવેલાં ‘50 જેલ પ્રશિક્ષણ નિયમાવલી’નાં પુસ્તકનું અને ગુજરાત જેલ અને સુરક્ષા વિભાગ દ્વારા બનાવવામાં આવેલી કોફી ટેબલ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ગુજરાતની જેલોના વડા ડૉ. કે.એલ.એન. રાવે (IPS) આમંત્રિતોનો આભાર માન્યો હતો અને ઉદ્ઘાટન સમારોહની પૂર્ણાહૂતિ કરી હતી.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular