ડોલર ઇંડેક્સ અને વ્યાજદર વૃધ્ધિની અસર ૨૦૧૩ કરતાં આ વખતે વધુ પરેશાન કરી રહી છે
ચાંદીના ભાવ ૧૭.૭૮ ડોલર થયા અને ગોલ્ડ સિલ્વર રેશિયો ૧૦૦ પર પહોંચી ગયો
સોનું તેની વિક્રમ ઊંચાઈએથી હજુ અડધું જ ઘટ્યું છે
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): સોના અને ચાંદીના ભાવ બે વર્ષ અગાઉ જ્યાં હતા ત્યાં, આવી ગયા છે. ચાંદી બે વર્ષ અગાઉની બોટમના બીજા લેવલ પર ગઈ છે. જો કોઈને વર્તમાન ભાવે પણ મંદીનો ખેલો કરવો હોય તો તેમના ભાગ્યમાં હજુ પણ નફો આવી શકે તેમ છે. અલબત્ત, સોનું તેની વિક્રમ ઊંચાઈએથી હજુ અડધું જ ઘટ્યું છે, પણ સોનાના શેર ભાવે તો તમામ તેજી (ઊંચાઈ) ગુમાવી દીધી છે. સોનું ઓગસ્ટમાં ૩ ટકા ઘટ્યું, જે સતત પાંચમા મહિને ઘટાડો દાખવે છે. અને ૨૦૧૮ પછી આ સૌથી મોટો માસિક ઘટાડો હતો. લાલચોળ ફુગાવાને કાબુમાં લેવા આખી દુનિયામાં વ્યાજદરો વધારવાનું ચલણ ફાટી નીકળ્યું છે. આ ઘટનાએ જ શૂન્ય વ્યાજ આપતા સોનાચાંદી પર ઘટવાનું દબાણ સર્જ્યુ છે.
અમેરિકન ફેડરલ રિઝર્વ નાણાંનીતિ વધુ ટાઈટ કરવા વ્યાજદર વેગથી વધારશે, એવા અનુમાન પર સોનાના સ્પોટ ભાવ, ૧૬૯૭.૪૦ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) અને વાયદો ૧૭૦૨ ડોલર બોલાઈ, ૧૦ જુલાઇની ૧૬૯૯ ડોલરની બોટમ નજીક પહોંચી ગયા છે. છેલ્લા પાંચ મહિનાથી હાજર અને વાયદા બંને ઘટી રહ્યા છે. અમેરિકન બિનકૃષિ રોજગારીના આંકડા ભારતીય સમય પ્રમાણે શુક્રવારે રજૂ થવાના છે, તેના પર પણ બજારની નજર છે. ફેડ ચેરમેન જેરોમ પવેલે જેક્સન હૉલમાં આપેલા વક્તવ્ય પછી ભાવ છેલ્લા ચાર દિવસથી ઘટી રહ્યા છે.
૭૦ ટકા રોકાણકારો હવે એવું માનવા લાગ્યા છે કે સપ્ટેમ્બર એન્ડ સુધીમાં અમેરિકા ૦.૭૫ ટકા જેટલો વ્યાજદર વધારો કરશે. જો તમે એવું માનતા હો કે આ તો મંદીના સમાચાર છે, તો તમે સાચા છો. શક્યતા એવી પણ છે કે તમારી ધારણા કરતાં ભાવ વધુ ઘટી શકે છે. તમે ૨૦૧૩માં બનેલી આવીજ ઘટનાના સાક્ષી બનવા જઇ રહ્યા છો. ત્યાર પછી ૨૦૨૦મા પણ આ જ પ્રકારે ભાવ ગબડી પડ્યા હતા. રોગચાળો અને લોકડાઉન જેવા ખરાબ સમયનો અનુભવ કર્યો, તેમાં વર્તમાન આધુનિક બજારે પણ જાગતિક સમસ્યાને હાથોહાથ લીધી હતી. હવે આપણને આ પ્રકારના ઉતારચઢાવ નિયમિત રીતે જોવા મળતા રહેશે.
બોન્ડ યીલ્ડ અને કરન્સી બાસ્કેટનો ડોલર ઇંડેક્સ વધી રહ્યા છે, શેરબજાર ઊંધેકાંધ પડી રહ્યા છે. તમે જોયું કે ૨૦૦૮માં લેહમેન બ્રધર્સ અમેરિકન બેન્ક તૂટી પડી, ૨૦૧૩માં પણ આ જ પ્રકારની ઘટનાઓએ ભાવને તોડી પાડયા હતા. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો, ત્યારે ભાવ થોડો સમય ઉપર ગયા હતા, તે ઉછાળા ઉભરા જેવો સાબિત થયા હતા, એટલું જ નહીં ત્યાર પછી તો બજાર પર મંદિવાળા કબજેદાર બની ગયા હતા. સટ્ટાની જાત ચાંદી તો તેના કરતાં પણ વધુ વેગથી ઘટવા લાગી. ચાંદીના ભાવ શુક્રવારે ૧૭.૭૮ ડોલર થયા. અને ગોલ્ડ સિલ્વર રેશિયો ૧૦૦ પર પહોંચી ગયો.
ડોલર ઇંડેક્સ અને વ્યાજદર વૃધ્ધિની અસર ૨૦૧૩ કરતાં આ વખતે વધુ પરેશાન કરી રહી છે, ભાવ અનાપસનાપ ઘટી રહયા છે. આવું નાટ્યાત્મ ચિત્ર ૨૦૦૮ માં પણ ઉપસ્યું ના હતું. આનો શું અર્થ થાય? એજ કે ૨૦૧૩માં આપણે જે જોયું હતું, તેના કરતાં વર્તમાનમાં ભાવ વધુ ઘટવા જઇ શકે છે. હાં પણ એટલું ચોક્કસ છે કે ૨૦૦૮ માં ભાવનો સ્વિંગ ખૂબ મોટો હતો, તેના કરતાં આ વખતે વેપાર કરવો એટલો બધો અઘરો નથી.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)








