નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાત હાઈ કોર્ટ દ્વારા ગઈકાલે રખડતા ઢોરના મુદ્દાને લઈને ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી, ત્યાર બાદ રાજ્ય સરકાર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી અને રખડતાં ઢોરને લઈને પગલાં લેવા માટે સંબંધિત વિભાગોને સૂચનો આપવામાં આવ્યા હતા. અન્ય શહેરોની જેમ અમદાવાદમાં પણ રખડતાં ઢોરની સમસ્યાનું નિરાકરણ લાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હતું. હવે ગુજરાત હાઈ કોર્ટ અને સરકારના નિર્દેશ બાદ અમદાવાદ કોર્પોરેશન જાગ્યું હોય તેવું લાગી રહ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર લોચન શહેરા દ્વારા આજે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ હવે અમદાવાદ શહેરમાં ઘાસચારો લાવી શકાશે નહીં. અમદાવાદમાં જ્યાં પણ ઘાસચારો સંગ્રહ કરવાની જગ્યાઓ અને ગોડાઉન હશે તેને પોલીસ સાથે રાખીને કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવશે. આ અંગે મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે તે ઝોનના ડેપ્યુટી કમિશનર અને સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી દેવામાં આવી છે.
અમદાવાદમાં ઘાસચારો લાવતા વાહનોની અટકાયત કરવામાં આવશે અને શહેરમાં જેટલા પણ કેટલ ન્યૂશન્સ પોઈન્ટ છે તેને હંમેશા માટે દૂર કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. જો કે આ કામગીરીમાં કોર્પોરેશનને પોલીસની પણ પૂરતી મદદની જરૂર પડી શકે છે. કારણ કે એવા ઘણા કિસ્સા સામે આવે છે જ્યારે કોર્પોરેશનના કર્મચારીઓ ઢોર પકડવા ગયા હોય અને તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હોય, જેના કારણે પોલીસની મદદ આવશ્યક બની જાય છે.








