Saturday, May 2, 2026
HomeGeneralભારતમાં રૂના ભાવ શામાટે આસમાને જઇ રહ્યા છે?

ભારતમાં રૂના ભાવ શામાટે આસમાને જઇ રહ્યા છે?

- Advertisement -

વૈશ્વિક રૂ વેપારમાં ૧૮ લાખ ગાંસડીની ઘટ આવશે

જાગતિક રૂ ઉત્પાદન અંદાજમાં ગત મહિનાની તુલનાએ વધુ ૨.૬૨ લાખ ગાંસડીનો ઘટાડો  

- Advertisement -

ભારતમાં કપાસ વાવેતર ઘટ્યું ભાવ ખાંડી દીઠ રૂ. ૧ લાખ

ઇબ્રાહિમ પટેલ(નવજીવન ન્યૂઝ.મુંબઈ): અમેરિકન કૃષિ મંત્રાલય (યૂએસડીએ) કહે છે કે ૨૦૨૨-૨૩માં અમારું રૂ ઉત્પાદન ૪૦ ટકા એટલે કે ૫૦ લાખ ગાંસડી (પ્રત્યેક ૨૧૮ કિલો) ઘટી ૧૨૬ લાખ ગાંસડી આવશે, કારણ કે કૂલ વાવેતરમાં ૫૦ ટકા હિસ્સો આપતા ખાસ કરીને ટેક્સાસ વિસ્તારમાં દુષ્કાળની સ્થિતિ વકરી છે. અમેરિકામાં ૧૮૬૮ પછી પહેલી વખત સૌથી ઓછા વિસ્તારમાં વાવેતર અને લણણી કરશે. નબળા અમેરિકન પાકને લીધે જાગતિક ઉત્પાદન અંદાજ ૩૧ લાખ ગાંસડી ઓછો અંદાજાયો છે. આ જ પ્રકારે વપરાશ ૮ લાખ ગાંસડી ઘટાડો, વર્ષાન્ત સ્ટોક ૧૫ લાખ ગાંસડી ઘટવા અનુમાનિત છે.

પાછલા વર્ષની તુલનાએ ૨૦૨૨-૨૩માં સપ્લાય ઓછી આવવાને લીધે નિકાસબર માલ ઓછો ઉપલબ્ધ થવાથી નિકાસ ૨૫ લાખ ગાંસડી ઘટવાનું અનુમાન છે. બ્રાઝિલમાં પાક ઓછો આવવાની ભીતિએ જાગતિક રૂ ઉત્પાદન અંદાજમાં ગત મહિનાની તુલનાએ વધુ ૨.૬૨ લાખ ગાંસડી અને વર્ષાન્ત સ્ટોકમાં ૬.૮૫ લાખ ગાંસડીનો ઘટાડો કરવામાં આવ્યો છે. અમેરિકાન નિકાસ ૨૦ લાખ ગાંસડી ઘટીને ૧૨૦ લાખ ગાંસડી અને ચીનની આયાત ૧૦ લાખ ગાંસડી ઘટીને ૯૦ લાખ ગાંસડી થવાના અંદાજ સાથે વૈશ્વિક રૂ વેપારમાં ૧૮ લાખ ગાંસડીની ઘટ આવશે.

- Advertisement -

જૂન ૨૦૧૧ પછી પહેલી વખત રૂના ભાવ ૫ મે ૨૦૨૨ના રોજ ૧૫૬ સેંટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) બોલાઈ, માત્ર બે જ મહિનામાં ૧ જુલાઇએ ભાવ તૂટીને ૮૫૪ સેંટ અને આજે (શુક્રવારે) ડીસેમ્બર વાયદો ૧૧૨ સેંટ મુકાયો હતો. ગત એક જ સપ્તાહમાં અમેરિકન વાયદો ૨૦૧૧ પછી પહેલી જ વખત ૧૯ ટકા ઉછળીને ૧૧૯ સેંટ બોલાયો હતો.

કપાસ વાવેતરમાં ભારત વિશ્વમાં આગેવાન દેશ છે. આ વર્ષે જુલાઇ અંત સુધીમાં વાવેતર, ગતવર્ષના ૧૩૧.૫૧ લાખ હેકટરથી ઘટીને ૧૨૧.૧૩ લાખ હેકટરમાં થયું હતું. કોટન એસોસિયેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ અતુલ ગણાત્રા કહે છે કે રૂ બજારમાં ખાસ કરીને એમસીએક્સ પર કામકાજનું પ્રમાણ ખૂબ ઘટી ગયું છે, ઓછા ઊભા ઓળીયા અને નજીવા સટ્ટાકીય સોદે ભાવ નવી ઊંચાઈએ પહોંચી ગયા છે. ઓગસ્ટ વાયદામાં ૨૫,૦૦૦ ગાંસડી (૧૭૦ કિલો)ની સોદા પ્રવાહિતા રહી ગઈ છે, ઓકટોબર અને નવેમ્બર બંને વાયદામાં તો માત્ર ૧૦,૦૦૦ ગાંસડીના જ કામકાજ થાય છે.

તેમણે કહ્યું કે જો ભારતમાં ઉત્પાદિત થતાં રૂની સાઈઝ જોઈએ તો આ સોદા સાવ મામૂલી ગણાય. ઓકટોબર નવેમ્બરમાં મોસમી આવકો શરૂ થઈ જતાં આપણે ભાવ ઘટાડો જોઈશું. ભારતે ૧૫ લાખ ગાંસડીના આયાત બુકિંગ કર્યા છે અને રોજિંદા ધોરણે ૧૦,૦૦૦ ગાંસડી ભારતીય પોર્ટ પર લાંગરવા લાગી છે. જાગતિક બજારની તુલનાએ ભારતમાં રૂના ભાવ ખૂબ ઊંચે ગયા હોવાથી અમે સરકાર પાસે માંગણી કરી છે કે વર્તમાન આખું વર્ષ શૂન્ય આયાત જકાતની નીતિ જાળવી રાખવામાં આવે. જો યાર્ન અને કાપડ મિલો ઊંચા ભાવે કાચોમાલ ખરીદશે તો તેમણે ભારે ખોટ સહન કરવી પડશે, એટલુંજ નહીં વૈશ્વિક બજારમાં આપણી સ્પર્ધાત્મકતા ઘટી જશે.

- Advertisement -

ઇતિહાસમાં અમે પહેલી વખત જોઈ રહ્યા છીએ કે ભારતની ૫૦ ટકા હાલમાં મિલો બંધ પડી છે. સામાન્ય વર્ષમાં માસિક ૩૦ લાખ ગાંસડીના વપરાશ સામે ઓગસ્ટમાં અત્યાર સુધીમાં સરેરાશ ૧૩થી ૧૫ લાખ ગાંસડીનો જ રહી ગયો છે. ભારતમાં સ્પિનિંગ અને તૈયાર કપડાંની નિકાસના ઓર્ડર નહિવત છે, સાથે જ સ્થાનિક બજારમાં પણ માંગ ધીમી છે. અતુલ ગણાત્રા કહે છે કે પાકિસ્તાન, ચીન અને આપણા અન્ય પાડોશી દેશો અત્યારે ખાંડી (૫૦૦ પાઉન્ડ અથવા ૨૨૭.૭૯૬ કિલો) દીઠ રૂ. ૬૫થી ૭૫ હજારના ભાવે રૂ નિકાસ કરે છે, જ્યારે સ્થાનિક ભારતીય હાજર બજારમાં લાંબાતારના રૂના ભાવ ૧ લાખ આસપાસ છે, આ સ્થિતિમાં અમારો ઉધ્યોગ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મક બજારમાં ક્યાંય ઊભો નહીં રહી શકે.          

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular