નવજીવન ન્યૂઝ.વલસાડઃ કાળી કમાણીમાં હાથ કાળા કરવા જાણે હવે નવું રહ્યું નથી, હાથ કાળા કરવામાં જાણે માણસ આખો જ કાળો બની ગયો હોય તેવા કિસ્સાઓ ઘણા છે. આવા જ એક હાથ કાળા કરનારા અધિકારી વલસાડમાં કેસમાં ફસાયા છે. વર્ગ બે કક્ષાના આ અધિકારી 20 હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ચઢી ગયા છે.
ઘટના એવી છે કે લેબર કોન્ટ્રાક્ટને લગતી પેઢી ધરાવતા એક વ્યક્તિ કે જેમની પેઢી હાલ બંધ છે તેમનો સર્વિસ ટેક્સ ભરવાનો બાકી છે. તેમને સેન્ટ્રલ જીએસટી વિભાગ તરફથી ટેક્સ ભરવાનો ઓર્ડર આવ્યો હતો. આ જાણ વાપીની સેન્ટ્રલ એક્સાઈઝ એન્ટ જીએસટી સેન્ટ્રલમાં વર્ગ 2 એટલે કે ઈન્સપેક્ટર તરીકે કામ કરતાં ગુરપિંદર મુખ્તિયાર સિંઘ નામના અધિકારીને થઈ. તેણે આ ભાઈનો ફોન નંબર મેળવી તેમને વાપી ઓફીસ પર બોલાવ્યા હતા અને કહ્યું કે ટેક્સની રકમ વ્યાજ અને પેનલ્ટી સાથે ભરવાની છે. કાયદેસર રીતે ભરવાપાત્ર રકમ આ વ્યક્તિ દ્વારા ભરી દેવામાં પણ આવી.
જોકે તેનાથી થોડું અધિકારીનું પેટ ભરાતું? અધિકારીએ પોતાના સાથી રામકિશોર શ્રીનારાયણ મીના કે જે સેન્ટ્ર જીએસટી એન્ડ એક્સાઈઝ વિભાગમાં સુપ્રિટેન્ડેન્ટ છે તેના સાથે મળી આ વ્યક્તિને હેરાન કરવાનું ચાલુ રાખ્યું અને 20000 રૂપિયાની લાંચની માગણી કરતાં હતા. જોકે આ વ્યક્તિએ પોતે દંડ અને ટેક્સ ભર્યા છતા રૂપિયા કેમ આપવાના? નથી આપવા. તેવું વિચારી એસીબી (એન્ટી કરપ્શન બ્યૂરો)ની મદદ લેવાનું વિચાર્યું. વ્યક્તિની ફરિયાદ મળ્યા પછી સુરત એસીબીના મદદનીશ નિયામક એન પી ગોહિલ અને ઈન્સપેક્ટર એ કે ચૌહાણે આ શખ્સોને કાયદાનો પાઠ ભણાવવા છટકું ગોઠવ્યું. તેમણે પોતાના સ્ટાફ સાથે છટકું ગોઠવતા સુપ્રીટેન્ડેન્ટ ભરાઈ ગયો. તે 20000 લેતા પકડાઈ ગયો પરંતુ ઈન્સપેક્ટર હાથમાં આવ્યો ન હતો. એસીબીએ સુપ્રીટેન્ડેન્ટને પકડી પાડી કાર્યવાહી શરૂ કરી અને ઈન્સપેક્ટરની શોધખોળ પણ શરૂ કરી.








